BREAKING NEWS

નર્મદા ડેમ ભલે છલોછલ ભરાયો; આજી-ન્યારીમાં સૌનીનું નર્મદાનીર આપવાનું બંધ

  • October 01, 2026 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૫ લાખની વસતી ધરાવતા રાજકોટ શહેરમાં આ વર્ષે પર્યાપ્ત વરસાદ નહીં થતાં તેમજ શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતા જળાશયોના ઉપરવાસના ગામોમાં પણ વરસાદ ન હોય આજી અને ન્યારી ડેમ ખાલી રહ્યા હતા જેના કારણે સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવી ડેમ ભરવામાં આવી રહ્યા હતા, દરમિયાન આજે તા.૧ ઓક્ટોબરે ચોમાસું પૂર્ણ થતાંની સાથે જ સૌની યોજનાનું નર્મદાનીર આપવાનું બંધ કરાયું છે. હજુ તો ગઇકાલે જ નર્મદા ડેમ છલોછલ ભરાયો છે ત્યાં નર્મદા કેનાલમાં મેન્ટેનન્સને કારણે એક સપ્તાહ સુધી રાજકોટને નર્મદાનીર નહીં અપાય તેમ જાહેર કરાયું છે. ચોમાસાના અંતે જ આવી હાલત છે તો ઉનાળામાં શું થશે ? તેવી ચિંતા રાજકોટવાસીઓમાંથી હાલથી જ વ્યક્ત થઇ રહી છે.

રાજકોટને પીવાનું પાણી પૂરૂં પાડતા આજી-૧ ડેમ કુલ ઉંડાઇ ૨૯ ફુટ છે અને હાલની સપાટી ૨૨.૬૦ ફૂટ છે. ડેમ સંપૂર્ણ ભરેલો હોય તો ચાર મહિના ચાલે તેટલું પાણી તેમાં ઉપલબ્ધ થાય છે. આજી ડેમમાં હાલ રાજકોટને દિવાળી સુધી ચાલે તેટલું પાણી છે. જો સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવામાં નહીં આવે તો ઉનાળાને બદલે શિયાળાથી જ પાણીના ધાંધિયા સર્જાય તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે ન્યારી-૧ ડેમની કુલ ઉંડાઇ ૨૫.૧૦ ફૂટ છે અને તેની હાલની સપાટી ૧૭.૭૦ ફૂટ છે તેમાં પણ દિવાળી સુધી જ ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે. એકંદરે રાજકોટની જરૂરિયાત અને માંગણી મુજબનું સૌની યોજનાનું નર્મદાનીર આજી અને ન્યારીમાં ઠાલવવામાં નહીં આવે તો રાજકોટ નૂતન વર્ષના પ્રારંભે જ રાજકોટમાં પાણી પ્રશ્ન સર્જાશે તે નક્કી છે. મુરઝાતી મોલાતને બચાવવા માટે રાજકોટને પીવાનું પાણી પૂરૂં ભાદર-૧ ડેમમાંથી સિંચાઇ માટે કેનાલમાં પાણી છોડવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે, સાથે જ ભાદર ડેમમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવા લેખિત માંગણી રજૂ થયાનું જાણવા મળે છે, જો કૃષિ સિંચાઇ હેતુથી ભાદરનું પાણી કેનાલમાં છોડાય તો રાજકોટને પીવા માટે પૂરતું પાણી મળશે નહીં તે નિશ્ચિત છે.

નર્મદા વિભાગે કેનાલ મેન્ટેનન્સ હેતુથી લીધેલા શટ ડાઉનને કારણે આજી અને ન્યારીમાં એક સપ્તાહ સુધી નર્મદાનીર નહીં મળે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application