BREAKING NEWS

અમદાવાદમાં 23 વર્ષની પરંપરા પર બ્રેક: સરકારે વાઇબ્રન્ટ નવરાત્રિને બનાવી કમાણીનું સાધન, જાણો એન્ટ્રીના નામે કેટલી ફી રખાઈ

  • September 27, 2026 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વર્ષોથી યોજાતા લોકપ્રિય 'વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ'ને લઈને આમ જનતામાં મોટો રોષ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આ મહોત્સવ નાગરિકો માટે કોઈપણ પ્રકારના શુલ્ક વિના, એટલે કે વિનામૂલ્યે ગરબા માણવાનું એક શ્રેષ્ઠ અને ખુલ્લું માધ્યમ રહ્યો છે. પરંતુ આ વર્ષે રાજ્ય સરકારે ખેલૈયાઓને મોટો ઝટકો આપતા પહેલા નોરતાને બાદ કરતાં બાકીના તમામ દિવસો માટે 'ટિકિટ વિના પ્રવેશ નહીં' તેવો નિર્ણય લીધો છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ 'બુક માય શો' પ્લેટફોર્મ પર ટિકિટોનું બુકિંગ ગુપચુપ શરૂ થઈ ચૂક્યું છે.

છેલ્લા ૨૩ વર્ષથી સામાન્ય નાગરિકો માટે બિલકુલ નિઃશુલ્ક ચાલતા આ ધાર્મિક અને સાંસ્કૃતિક પર્વને અચાનક કમાણીનું સાધન બનાવવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસ પક્ષે પણ આ મામલે આકરા પ્રહારો કરતા આરોપ મૂક્યો છે કે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં હવે ગુજરાતની આસ્થા, સંસ્કૃતિ અને લોકોની લાગણીનું ખુલ્લેઆમ વ્યાપારીકરણ થઈ રહ્યું છે. ખાનગી પાર્ટી પ્લોટ અને ક્લબોની જેમ જ સરકારે પણ મેદાનને અલગ-અલગ ઝોનમાં વહેંચી દીધું છે. સામાન્ય જનતા માટે 'સેલિબ્રેશન ઝોન' અને નાણાં ખર્ચી શકતા સમૃદ્ધ વર્ગ માટે સ્ટેજની નજીક 'પ્રીમિયમ એક્સપિરિયન્સ ઝોન' ઊભો કરી દેવામાં આવ્યો છે.

સરકારના આ 'વેપાર' સમાન નવરાત્રિ મહોત્સવના પાસ અને ટિકિટોના આંકડા સામાન્ય તેમજ મધ્યમવર્ગીય પરિવાર માટે અત્યંત આંચકાજનક છે. બીજાથી પાંચમા નોરતા સુધી સામાન્ય 'સેલિબ્રેશન ઝોન'માં એન્ટ્રી માટે વ્યક્તિદીઠ રૂપિયા ૧૦૦ અને ગ્રુપ માટે રૂપિયા ૩૦૦ થી ૬૦૦ ચૂકવવા પડશે, જ્યારે VIP સુવિધાવાળા 'પ્રીમિયમ ઝોન'નો ચાર્જ વ્યક્તિદીઠ રૂપિયા ૨૦૦ અને ગ્રુપ દીઠ રૂપિયા ૬૦૦ થી ૧૨૦૦ રાખવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે છઠ્ઠા નોરતાથી આ ભાવમાં સીધો બમણો કે તેથી વધુ વધારો કરી દેવામાં આવ્યો છે. અંતિમ અને નવરાત્રીના મહત્વના દિવસોમાં સેલિબ્રેશન ઝોન માટે વ્યક્તિદીઠ રૂપિયા ૨૫૦ (ગ્રુપ માટે ૭૫૦ થી ૧૫૦૦) અને પ્રીમિયમ ઝોન માટે અધધ રૂપિયા ૫૦૦ (ગ્રુપ માટે ૧૫૦૦ થી ૩૦૦૦) સુધીનો ભારેખમ ખર્ચ કરવો પડશે.

એક તરફ સરકાર ગુજરાતની ગરબા સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવાના મોટા-મોટા દાવા કરે છે, તો બીજી તરફ પોતાના જ રાજ્યના સામાન્ય નાગરિકો પાસેથી ગરબા રમવા કે નિહાળવા માટે ભારે નાણાં પડાવી રહી છે. વર્ષોથી લોકભોગ્ય અને ફ્રી રહેલા આ સરકારી મહોત્સવમાં વ્યવસાયિકતાનો પ્રવેશ ખરેખર ખૂબ જ નિરાશાજનક અને દુઃખદ છે. શું પ્રવાસન વિભાગ પાસે કાર્યક્રમનું આયોજન કરવા માટેનું પૂરતું બજેટ ખૂટી પડ્યું છે કે પછી આ પવિત્ર તહેવારને માત્ર નફો રળવાનું વાણિજ્યિક માધ્યમ માની લેવામાં આવ્યું છે? આ નિર્ણયથી ગુજરાતના ખેલૈયાઓ અને સામાન્ય જનતામાં સરકાર સામે ભારે નારાજગી અને અસંતોષ ફેલાઈ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application