જેતપુર :- રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જેતપુર શહેરની સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટમાંથી પિત્તળના વાલ્વ અને કોપર પાઇપની ચોરી કરવાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ૩૪,૪૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.જેતપુર સરકારી હોસ્પીટલમાં ઓક્સીજન પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતા જીતેન્દ્ર ગોહેલે સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે, ગત મહિનાની ૧૫ થી ૧૭ તારીખ વચ્ચે જેતપુર સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ ઓક્સિજન પ્લાન્ટમાંથી અજાણ્યા ચોર ઇસમોએ પિત્તળના વાલ્વ નંગ-૧૦ તથા કોપરની નળીઓ મળી કુલ રૂ. ૫૦,૦૦૦ની કિંમતની મિલકત ચોરી કરી ગયા હોવાની ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદમાં એલસીબીએ જુકાવતા એલસીબીને સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સથી બાતમી આ ચોરીના ગુન્હામાં એક મહિલા સહિત ત્રણ રીઢા તસ્કરો પ્રભાવબેન સુરેશભાઈ જીણાભાઈ સોલંકી અને કાળુભાઈ ઉર્ફે કાળીયો જોરૂભાઈ સોલંકી રહે. બંને ઉના, દૂધેશ્વરપરા, ગીર સોમનાથ તેમજ રોહનભાઈ ઉર્ફે રોનક જીવરાજભાઈ ડાભી રહે. હાલ નવાગઢ બળદેવધાર, જેતપુર, મૂળ વીસાવદરવાળાને ઝડપી લીધા હતાં.પોલીસે આરોપીઓ પાસેથી સ્ટીલ કોમ પિત્તળના વાલ્વ નંગ-૧૦ (કિંમત રૂ. ૧૫,૦૦૦), ૩ કિલોગ્રામ કોપર પાઇપના ટુકડા (કિંમત રૂ. ૬,૦૦૦), ચોરીમાં ઉપયોગમાં લીધેલ પક્કડ, પાનુ, તણી ૨ મોબાઇલ ફોન અને રોકડ રૂ. ૩,૪૦૦ મળી કુલ રૂ. ૩૪,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી કાળુભાઈ વિરુદ્ધ અગાઉ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં પ્રોહિબિશન તથા અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.