રાજકોટ જિ.માં મતદારયાદીમાં બાકી રહેલા અને યુવા મતદારો માટે નામ નોંધાવવાનો પ્રારંભ
રાજકોટ જિ.માં મતદારયાદીમાં બાકી રહેલા અને યુવા મતદારો માટે નામ નોંધાવવાનો પ્રારંભ
October 02, 2026 09:55 AM
રાજકોટ જિલ્લામાં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેની પ્રક્રિયાનો વહીવટી તંત્ર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. મતદાન મથક ખાતે આગામી ચાર રવિવાર સુધી હક-દાવા-વાંધા સહિતની વિવિધ અરજીઓ સ્વીકારવામાં આવશે. એસઆઈઆર પ્રક્રિયા બાદ જો કોઈ વ્યક્તિનું નામ કમી કે રદ થઈ ગયું હોય તેવો પોતાનો હક દાવો રજૂ કરી શકશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી પૂર્ણ થઈ હોય, તેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા ચૂંટણી અધિકારી તથા મતદાર નોંધણી અધિકારી દ્વારા મતદારયાદી સુધારણા પ્રક્રિયા અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ મતદારયાદીમાં નોંધણી કરાવવાથી બાકી રહી ગયેલા તમામ પાત્ર નાગરિકો તથા ૧૮-૧૯ વર્ષના યુવા/પ્રથમ વખતના મતદારોના નામની નોંધણી કરવાનો છે. આ ખાસ ઝુંબેશ અન્વયે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ તમામ વિધાનસભા મતવિભાગોમાં મતદાર નોંધણી અધિકારીઓ અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા તા. ૧ ઓક્ટોબર, ૨૦૨૬થી યુવા મતદાર નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યુવા અને પ્રથમ વખતના મતદારોમાં મતદાર નોંધણી અંગે જાગૃતિ લાવવા માટે કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે 'સ્વીપ' અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. નોંધનીય છે કે, નાગરિકોની સરળતા માટે ઓક્ટોબર અને નવેમ્બર માસના રવિવાર એટલે કે તા. ૧૧-૧૦-૨૬, ૧૮-૧૦-૨૬, ૨૫-૧૦-૨૬ અને ૦૧-૧૧-૨૬ના રોજ મતદાન મથકો ખાતે 'ખાસ ઝુંબેશના દિવસો'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૧૦ કલાકથી સાંજે ૦૫ કલાક સુધી ડેઝીગ્નેટેડ ઓફિસર્સ અને બુથ લેવલ અધિકારીઓ દરેક મતદાન મથક પર હક-દાવા તથા વાંધા અરજીઓ સ્વીકારશે.