BREAKING NEWS

દ્વારકા: કલ્યાણપુરના મહાદેવીયા ગામે ફાયરિંગમાં ત્રણ સામે ફરિયાદ

  • October 03, 2026 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: કલ્યાણપુરના મહાદેવીયા ગામે ફાયરિંગમાં ત્રણ સામે ફરિયાદ

ઉર્જા કંપનીના કામ બાબતે બબાલ : બે ભાઇઓ પર કાર ચડાવી રિવોલ્વરથી ભડાકા કરી જીવલેણ હુમલો : આરોપી પિતા-પુત્રોની શોધખોળ

કલ્યાણપુરના મહાદેવીયા ગામે ઉર્જા કંપનીમાં ધાક જમાવવાના કથિત પ્રયાસોના ભાગરૂપે ફાયરિંગ કરી, બે ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચાડવા અંગેનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં ત્રણ કૌટુંબિક શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાઈ છે. 

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામના મૂળ રહીશ અને હાલ ભાટિયા ગામે રહેતા વજશીભાઈ ગગાભાઈ લખમણભાઈ ગોરીયા નામના ૪૫ વર્ષના આહિર યુવાનની મહાદેવીયા ગામે ચોકી વાડી પાસે આવેલી જમીન પાસેના સરકારી ખરાબામાં ઉર્જાનું કામ ચાલી રહ્યું હતું. 

જ્યાં ગુરુવારે સાંજે મોટરકાર મારફતે આવેલા મુળુ લાખાભાઈ ગોરીયા અને તેનો પુત્ર જીગરએ અહીં રહેલા ઉર્જા કંપનીના માણસોને ઉર્જાના થાંભલાનું કામ બંધ કરાવવા ડરાવતા - ધમકાવતા હોય, તેથી ફરિયાદી વજશીભાઈ સાથે આવેલા તેમના મોટાભાઈ મેરામણભાઈ તેમજ કુટુંબીભાઈ કેશુરભાઈ એમ ત્રણ વ્યક્તિઓ પિતા-પુત્ર મુળુભાઈ તથા જીગરને સમજાવતા હતા કે તમારું અહીંયા કંઈ છે નહીં, શું કામ આ કામ બંધ કરાવો છો? તેમ સમજાવવા જતા પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા અને અહીં આવેલા ત્રણેય ભાઈઓને બિભત્સ ગાળો કાઢી, અહીં હાજર રહેલા ટ્રેક્ટરવાળાઓને કહ્યું હતું કે તમે આ થાંભલા પાડી નાખો, અમે અહીંયા ઉભા છીએ, કોની ત્રેવડ છે જે વચ્ચે આવે અને વચ્ચે આવશે તો સારવાટ નહીં રહે.

આ પછી ગુરુવારે સાંજે આશરે સાડા સાતેક વાગ્યાના સમયે નંદાણા ગામ તરફથી કાળા કલરની ક્રેટા મોટરકારમાં ભરત મુળુભાઈ ગોરીયા નામનો શખ્સ ધસી આવ્યો હતો અને અહીં રહેલા મેરામણભાઈને પાછળથી જોરદાર ઠોકર મારતા તેઓ ફંગોળાઈ ગયા હતા.
​​​​​​​
કારમાં આવેલા ભરત ગોરીયાને આરોપી મુળુભાઈ અને જીગરે બૂમો પાડેલ કે માર, માર. આજે તો પતાવી દેવા છે. આમ કહેતા ભારતે તેની પાસે રહેલી રિવોલ્વરથી ફરિયાદી વજશીભાઈ ઉપર ફાયરિંગ  કરતા તેમને દાઢીના ભાગે ગોળી વાગી હતી અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. આ પછી મેરામણભાઈ ઉપર પણ ભરતે રિવોલ્વરથી ફાયરિંગ કરતા તેમને છાતીના ભાગે ગોળી લાગી હતી અને તેઓ નીચે પટકાઈ પડ્યા હતા. આ બધડાટી બોલાવીને પિતા-પુત્રો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા.

આ ફાયરિંગથી ઈજાગ્રસ્ત બનેલા વજશીભાઈ તથા તેમના મોટાભાઈ મેરામણભાઈને પ્રથમ ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ રીતે મહાદેવીયા ગામે આવેલા સરકારી ખરાબામાં ઉર્જાના થાંભલાના ચાલી રહેલા કામમાં કથિત રીતે મુળુભાઈ ગોરીયા, તેમના પુત્ર જીગર તથા ભરત દ્વારા પોતાના આર્થિક ફાયદા અથવા તો ઉર્જા કંપની ઉપર પોતાની ધાક જમાવવા માટે ઉર્જાના થાંભલાનું કામ બંધ કરાવતા ત્રણેય શખ્સોએ બઘડાટી બોલાવી.

ભરતભાઈ ગોરીયાએ હત્યા નિપજાવવાના ઈરાદાથી ફાયરિંગ કરી, ગંભીર ઈજાઓ પહોંચાડવા સબબ કલ્યાણપુર પોલીસે વજશીભાઈ ગગાભાઈ ગોરીયાની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે બી.એન.એસ. સહિતની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ કલ્યાણપુરના પી.આઈ. આર.એન. હાથલીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application