ગુજરાતમાં વિદેશ સ્થાયી થવાની અને કેનેડા-અમેરિકા જવા માટેની ઘેલછામાં અત્યાર સુધી સામાન્ય અને ભોળા નાગરિકો જ એજન્ટોની છેતરપિંડીનો ભોગ બનતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. પરંતુ આ વખતે અમદાવાદ શહેરમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લોકોને વિદેશ મોકલવાનું કાનૂની કામ કરતા એક જાણીતા વિઝા કન્સલ્ટન્ટ પોતે જ મહાઠગોના શિકાર બન્યા છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં વિઝા કન્સલ્ટન્સી ઓફિસ ચલાવતા અલ્પેશભાઈ નામના યુવાનને કેનેડાના વર્ક પરમિટ વિઝા અને વહેલી તકે અસલ એલએમઆઈએ લેટર અપાવવાની લાલચ આપી ગાંધીનગરની પિતા-પુત્ર અને સસરાની ત્રિપુટીએ લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો છે. ચાર ગ્રાહકોના કામ પેટે નકલી દસ્તાવેજો પધરાવી આ ઠગ ટોળકીએ કટકે-કટકે કુલ રૂ,૯૮,૧૫,૦૦૦ પડાવી લીધા હતા. આખરે છેતરપિંડીનો અહેસાસ થતાં ભોગ બનનાર વિઝા કન્સલ્ટન્ટે અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો અનુસાર, માર્ચ ૨૦૨૩માં વિઝા કન્સલ્ટન્ટ અલ્પેશભાઈનો સંપર્ક ગાંધીનગરના સરગાસણ ખાતે રહેતા જયેશ પટેલ અને તેના કેનેડામાં સ્થાયી થયેલા પુત્ર યશ પટેલ સાથે થયો હતો. પિતા જયેશ પટેલે અલ્પેશભાઈને પૂરેપૂરા વિશ્વાસમાં લીધા હતા કે તેનો દીકરો યશ કેનેડામાં જ રહે છે અને તેની ત્યાં મોટી વગ છે, જેથી તેઓ બંને ભેગા મળીને કેનેડાની વર્ક પરમિટ માટે જરૂરી એવો એલએમઆઇએ લેટર ખૂબ જ ઝડપથી પાસ કરાવી આપે છે. શાતિર આરોપીઓએ શરૂઆતમાં એક-બે ગ્રાહકોના કામ બિલકુલ યોગ્ય અને સારી રીતે પૂરા કરીને અલ્પેશભાઈનો પાકો વિશ્વાસ જીતી લીધો હતો. આ મજબૂત વિશ્વાસના આધારે જ અલ્પેશભાઈએ પોતાની ઓફિસમાં આવેલા અન્ય ચાર કિંમતી ગ્રાહકો કિરણ રાઠોડ, યશ પટેલ, જય પટેલ અને અભિષેક પટેલની કેનેડા વર્ક પરમિટની ફાઇલો આ પિતા-પુત્રની જોડીને સોંપી દીધી હતી.
આરોપીઓએ અલગ-અલગ કસ્ટમરોના કેનેડાના વિઝા કામ માટે અલ્પેશભાઈ પાસેથી કુલ રૂ.૯૮,૧૫,૦૦૦ની માતબર રકમ નક્કી કરી હતી. જેમાંથી અલ્પેશભાઈએ ઓગસ્ટ ૨૦૨૩થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન મુખ્ય આરોપી જયેશભાઈ પટેલને અમદાવાદમાં રૂબરૂ મળીને પહેલા રૂ.૬૬,૮૯,૦૦૦ રોકડા ચૂકવ્યા હતા. આ ઉપરાંત, કેનેડા રહેતા યશ પટેલના સસરા પદમીનકુમાર પટેલને સી.જી. રોડ પર આવેલી તેમની જ્વેલર્સની દુકાને જઈને રૂ.૧૫,૨૬,૦૦૦ રોકડા આપવામાં આવ્યા હતા. જ્યારે બાકી બચેલા રૂ.૧૬,૦૦૦,૦૦૦ કેનેડામાં સીધા યશ પટેલને હવાલા મારફતે પહોંચાડવામાં આવ્યા હતા. કેનેડા બેઠેલા યશ પટેલે પોતાના કેનેડિયન મોબાઇલ નંબર પરથી આ તમામ રકમ સુરક્ષિત મળી ગઈ હોવાનું વોટ્સએપ પર કન્ફર્મેશન મેસેજ પણ મોકલ્યો હતો.
મોટી રકમ પડાવી લીધા બાદ આરોપી યશ પટેલે વોટ્સએપ પર ચારેય કસ્ટમરોના એલએમઆઈએ લેટર મોકલી આપ્યા હતા અને ટૂંક સમયમાં જ વિઝા પાસ થઈને આવી જશે તેવો દાવો કર્યો હતો. જો કે, ઘણો લાંબો સમય વીતી જવા છતાં પણ વિઝા ન આવતા અને કસ્ટમરોની ફાઈલ કેનેડા એમ્બેસીમાંથી રિજેક્ટ (નામંજૂર) થતાં અલ્પેશભાઈને શંકા ગઈ હતી અને તેમણે પિતા-પુત્ર સામે કડક પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં આરોપીઓએ એમ્બેસીમાં ટેક્નિકલ ખામી હોવાના જુઠા બહાના કાઢી સમય પસાર કર્યો હતો.
આખરે અલ્પેશભાઈએ સત્ય જાણવા માટે કેનેડા એમ્બેસીમાં ઓફિશિયલ 'કેપ્સ નોટ' કઢાવીને તપાસ કરાવી ત્યારે ચોંકાવનારી હકિકત સામે આવી હતી. એમ્બેસીના રેકોર્ડ મુજબ યશ પટેલ દ્વારા મોકલવામાં આવેલા તમામ એલએમઆઈએ લેટર તદ્દન નકલી અને બોગસ હતા. યશે અન્ય અસલી વ્યક્તિઓના લેટરમાં કમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા નામ એડિટિંગ કરીને આ ફેક દસ્તાવેજો બનાવ્યા હતા. વિઝા કન્સલ્ટન્ટે પોતાના રૂપિયા પાછા માંગવા છતાં ઠગ ટોળકીએ નાણાં આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. અંતે આ ત્રણેય નટો વતી છેતરપિંડી આચરનાર આરોપી યશ પટેલ, જયેશ પટેલ અને પદમીન પટેલ સામે ગુનો નોંધી સેટેલાઈટ પોલીસે ત્રિપુટીને ઝડપી પાડવા કાયદેસરની ચક્રો ગતિમાન કર્યા છે.