જામનગરમાં કાર્બાઇડથી પકાયેલી કેરી લોકોને લઇ રહી છે રોગની લપેટમાં
શહેરમાં ચાલીસથી વધુ ગોડાઉનમાં ઇન્જેકશન, સ્પ્રે અને કાર્બાઇડથી કેરી પકાવાય છે પરંતુ જામ્યુકોની ફુડ શાખાના અધિકારીઓ આ વાતથી અજાણ?: દર્દીને ઉલ્ટી, પેટમાં દુખાવાની ફરિયાદ, ઉનાળાની આકરી ગરમીથી ડીહાઇડ્રેશનના કેસોમાં પણ વધારો
જામનગર શહેરમાં હવે ચોમાસાને આડે જૂજ દિવસો રહ્યા છે ત્યારે શહેરમાં ૬૦ થી ૭૦ રૂપિયા લેખે કેરી મળી રહી છે, દુખની વાત તો એ છે કે શહેરમાં ૮૦ ટકા વેચાતો કેરીનો જથ્થો કાર્બાઇડ અને સ્પ્રેથી પકાવેલો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે, માત્ર ૧૫ થી ૨૦ રૂ લેખે જુનાગઢ, વલસાડ, ગીર, સુરત અને સેલવાસ સહિતના વિસ્તારોમાંથી કેરી આવે છે અને અહીં ગોડાઉનમાં રાખીને કાર્બાઇડની પડીકી, સ્પ્રે છાંટી અને ઇન્જેકશન આપીને પણ કેરી પકાવવામાં આવે છે જેનાથી લોકોના આરોગ્યને ખુબ જ નુકશાન થાય છે. કેટલાક લોકોને પેટમાં દુખાવાની ફરિયાદ ઉઠી છે, ઉપરાંત આવી કેરી ખાવાથી ઉલ્ટી અને ઉબકા થતા હોવાની ચારેકોર ફરિયાદ થઇ રહી છે ત્યારે જી.જી. હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારના કેસો વઘ્યા હોવાનું પણ જાણવા મળે છે.
શહેરમાં ગ્રેઇન માર્કેટ, સેતાવાડ, શાકમાર્કેટ, ગુલાબનગર શાક માર્કેટ, ખોડીયાર કોલોની, સાધના કોલોની અને રણજીતનગર શાક માર્કેટમાં કેટલાક ગોડાઉન આવેલા છે કે જયાં કોઇપણ જાતની રોકટોક વિના કેરીના બોકસમાં બે ત્રણ કાર્બાઇડની પડીકી મુકીને કેરી પકાવવામાં આવે છે. કયાંક તો ગોડાઉનમાં સ્પ્રે છાંટીને કાચી કેરી અડધા દિવસમાં જ પકાવવામાં આવે છે. આ કેરી ખાવાથી લોકોની તબિયત બગડે છે, કેટલાક લોકોને કેરી ખાવાથી ઉલ્ટી થાય છે, અને આવી કેરી તો બજારમાં હવે રૂ. ૫૦ થી ૬૦ના ભાવે મળતી થઇ ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર મહાપાલિકાના ફુડ શાખાના અધિકારીઓ કયારેક કયારેક ચેકીંગ કરે છે, ૧૦૦ કે ૧૫૦ કિલો કેરી સડેલીનો નાશ કરે છે પરંતુ જયાં જયાં ખુલ્લેઆમ કાર્બાઇડથી કેરી પકાવવામાં આવે છે ત્યાં શા માટે દરોડા પાડવામાં આવતા નથી, કયારેક કયારેક કરવા ખાતર કામગીરી કરવામાં આવે છે. એકાદ અઠવાડિયા પહેલા કેટલાક વિસ્તારોમાંથી ૧૦૫ કિલો જેટલી બગડેલી કેરી ફુડ શાખાના કહેવાતા ઝાંબાજ અધિકારીઓએ પકડી હતી. પરંતુ હવે ચોમાસુ નજદીક છે કયાંક કયાંક ઝાપટા પણ પડયા છે એટલે હવે ઝડપથી કેરી બગડી જાય છે આવી કેરી માત્ર ચારથી પાંચ કલાકમાં પાકી જતી હોય તેને ઝડપથી વહેંચી નાખવી પડે છે. આવા ગોડાઉનો શાકમાર્કેટ વિસ્તારમાં વધુ છે તે કદાચ ફુડશાખાના અધિકારીઓને દેખાતા નહિ હોય.
જી.જી. હોસ્પિટલમાં ડોકટરના જણાવ્યા મુજબ કાર્બાઇડથી પકાવેલી કેરી ખાવાથી પેટના આંતરડાને નુકશાન થાય છે, કેટલાક દર્દીને કેરી ખાવાથી બે ત્રણ દિવસ પેટમાં દુખે છે, કોઇકને ઉલ્ટી પણ જાય છે. એક તરફ આકરી ગરમી અઠવાડિયાથી ચાલી રહી છે અને હજુ પણ એકાદ અઠવાડિયુ ગરમી રહે તેવી શકયતા છે ત્યારે કેરી પકાવતા ગોડાઉનના સંચાલકો ઉપર ધોસ બોલાવીને આવા ગોડાઉન તાત્કાલિક સીલ કરવા જોઇએ.
ગામડામાં પણ કાર્બાઇડથી પકાવેલી કેરીનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે, હવે લગભગ ૧૫ દિવસ સુધી કેરીની સીઝન છે, કેટલાક વેપારીઓ જેટલુ કમાવાનું હોય તેટલુ કમાવા આમતેમ વલખા મારે છે, અને આવી કેરી પકાવીને ખુલ્લેઆમ વેંચે છે જે લોકો માટે ખુબ જ નુકશાનકારક હોય, લોકોની તબિયત પણ બગડે છે એક તરફ ૩૮ થી ૪૦ ડીગ્રીના તાપમાનમાં લોકોને ઝાડા ઉલ્ટી પણ થાય છે અને શરીરમાં પાણી ખૂટી જવાથી લોકો ડીહાઇડ્રેશનનો ભોગ પણ બને છે. આવુ થાય તો તાત્કાલિક નજીકના સરકારી કે ખાનગી ડોકટરનો સંપર્ક કરી લીંબુ પાણી, ઓઆરએસ પીવાથી થોડી રાહત થઇ શકે. કાર્બાઇડથી પકાવેલી કેરી વહેંચવાનો ધંધો પુરબહારમાં ચાલે છે, તે રોકવાની ખરેખર જરૂર છે તેમ લોકોમાં બોલાઇ રહ્યું છે.
કાર્બાઇડથી પકાવેલી કેરી વહેંચતા ગોડાઉનના સંચાલકો સામે મ્યુ.કમિશનર પગલા લેવાનો આદેશ આપશે?
જામનગર શહેરમાં નવા નિમાયેલા મ્યુ.કમિશનર દિપેશ કેડીયા કડક પગલા લેવા જાણીતા છે. જામનગરની ભુગોળ માટે તેઓ નવા છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી શાકમાર્કેટ, સેતાવાડ, રણજીતનગર, ખોડીયાર કોલોની, સાધના કોલોની જેવી શાકમાર્કેટ વિસ્તારોમાં કેટલાક ગોડાઉન આવેલા છે આવા ગોડાઉન સતત ચેક કરવામાં આવે અને જયાં કાર્બાઇડની પડીકી વાળી કેરી પકડાય એવા ગોડાઉન સીલ કરવામાં આવે તે જરૂરી છે. હવે મ્યુ.કમિશનરે ફુડ શાખાના અધિકારીઓને પણ જગાડવા જરી છે તેમ લોકોમાં બોલાઇ રહ્યું છે.