દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા અનોખો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
એક વૃક્ષ સ્વર્ગવાસી સ્વજનને નામ સહિતના કાર્યક્રમો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તારીખ ૫ જૂનના પર્યાવરણ દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબલીયાના વડપણ હેઠળ વૃક્ષારોપણનો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો.
આ આયોજનમાં ગ્રામજનો દ્વારા એક હાથમાં વૃક્ષનો છોડ અને બીજા હાથમાં અગ્નિ લઈ, વૃક્ષ ઉછેરવાની ૨૦૦૦ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી. આ માટે જે લોકો પોતાના સ્વજનના નામે વૃક્ષ વાવવા માગતા હતા તેઓએ ફોર્મ ભરી અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં ૨૦૦૦ લોકો એકસાથે અગ્નિની સાક્ષીએ વૃક્ષ વાવવાના સોગંદ લીધા હતા.
વૃક્ષારોપણ માટે આંબો, નાળિયેરી, ચીકુ, જામ્બુ, સીતાફળ, જામફળ, પીપરો, ઉંબરાના છોડના વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે ૫ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જે માટે પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફીસર અને પર્યાવરણવિદ વી.ડી. બાલાએ લોકોને પર્યાવરણ અંગે માહિતગાર કર્યા હતા. આ સાથે ભગવતાચાર્ય રાજુભાઈ લહેરુએ ૨૦૦૦ લોકોને હાથમાં અગ્નિ લઈ વૃક્ષ ઉછેરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયાની એક યાદીમાં જણાવાયું છે.