જામનગર: આરીખાણા પાસે કારે બાઇકને ઠોકર મારતા વૃઘ્ધનું મૃત્યુ
મુરીલાના આધેડની ફરીયાદના આધારે આરોપી ચાલકની તલાશ
લાલપુર તાલુકાના આરીખાણા પાટિયા નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક વૃઘ્ધનું મૃત્યુ નિપજતાં પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતા જયસુખભાઈ જયંતીલાલ મારડીયા (ઉ.વ. ૫૦) એલાલપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતા જયંતીલાલ મોહનલાલ મારડીયા (ઉ.વ.૭૦) તા. ૦૭/૦૬/૨૦૨૬ના રોજ સાંજે પોતાનું જીજે-૧૦-એએ-૦૭૦૮ નંબરનું બાઇક લઈને હરીપર તરફથી મુરીલા જઈ રહ્યા હતા.
તે દરમિયાન આરીખાણા પાટિયા નજીક પહોંચતા લાલપુર તરફથી પૂરઝડપે આવી રહેલી કાર જીજે-૧૦-ઈસી-૯૬૦૨ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી મોટરસાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જયંતીલાલ મારડીયાને માથા, પગ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્તને પ્રથમ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લાલપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે પુત્ર જયસુખભાઈ મારડીયાની ફરિયાદના આધારે પોલીસે સ્કોર્પિયો કારના ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી્ મોત નિપજાવવાના ગુનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.