જામનગર: ત્રિમંદિર નજીક તથા હાપા વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ
ફાયર બ્રિગેડ દ્વારા કાબુ મેળવવા કામગીરી : ધુમાડાના ગોટેગોટા દેખાયા
જામનગરના ત્રિમંદિર નજીક કચરાના મોટા ઢગલામાં અકસ્માતે આગ લાગતાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. આગમાંથી ધુમાડાના ગોટેગોટા ઉઠતા સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઇ હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને આગ વધુ ફેલાય તે પહેલાં પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.
જામનગર નજીક હાપા વિસ્તારમાં પણ ગઈકાલે સાંજે ૬.૦૦ વાગ્યાના અરસામાં કચરાના ઢગલામાં અકસ્માતે આગ લાગી હતી, જ્યાં પણ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. આગ કચરાના ઢગલા પૂરતી જ સીમિત રહી હોવાથી આસપાસના વિસ્તારમાં કોઈ નુકસાન થયું નહોતું.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નથી તેમજ કોઈ પ્રકારનું જાનમાલનું નુકસાન પણ થયું નથી. ફાયર બ્રિગેડની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.