જામનગરમાં ‘મોદી ઉત્સવ’ જેવો માહોલ: અભેદ્ય કિલ્લેબંધી

  • May 09, 2026 11:56 AM 
  

જામનગરમાં ‘મોદી ઉત્સવ’ જેવો માહોલ: અભેદ્ય કિલ્લેબંધી

રાત્રિ રોકાણ માટે આવી રહેલા વડાપ્રધાનને આવકારવા માટે તૈયારીઓને અપાતો આખરી ઓપ: લાલબંગલા સર્કલે વિશેષ તૈયારી: શહેરમાં પહેલી વખત ૪૦ સ્થળે એલઇડી  મુકાઇ: ટેમ્પો અને રીક્ષા મારફત શહેરમાં વડાપ્રધાનના આગમન માટે પ્રચાર: પક્ષમાં થનગનાટ: સુરક્ષાની અભેદ્ય કિલ્લેબંધી

પશ્ર્ચિમ બંગાળની જીત બાદ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મળેલી બમ્પર જીત પછી પ્રથમ વખત ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અતિ ભવ્ય સ્વાગત માટે એવી તૈ્યારીઓ કરવામાં આવી છે કે, શહેરમાં વડાપ્રધાનના રૂટ ઉપરાંત કેટલા સ્થળે ’મોદી ઉત્સવ’ જેવો માહોલ છવાઇ ગયો છે, લાલબંગલા સર્કલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે અને રૂટ ઉપર પણ હજારો લોકો અભિવાદન આવે એવું દેખાય છે.

તા. ૧૦ મી રાત્રે લગભગ ૧૦ વાગ્યે વડાપ્રધાનનું એરફોર્સ ખાતે આગમન થશે અને ત્યાંથી મોટર માર્ગે ખોડિયાર કોલોની, સાત રસ્તા સર્કલ, પંડિત નહેરૂ માર્ગથી વડાપ્રધાનનો કાફલો લાલબંગલા સર્કલે પહોંચશે, સકીર્ટ હાઉસ ખાતે તો રાત્રિ રોકાણ કરવાના છે, આ ઉપરાંત જે રીતે લાલબંગલા સર્કલ ખાતે જે તૈયારીઓ કરવામાં આવી રહી છે તેના પરથી એવું લાગે છે કે પક્ષ તરફથી વડાપ્રધાનને સત્કારવા માટે મોટી તૈયારી કરવામાં આવી છે, પરંતુ સુરક્ષાના કારણોસર વિગતો જાહેર કરવામાં આવી નથી.

છેલ્લા બે દિવસથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે, ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા પોતાની રીતે સુરક્ષાનો પ્રબંધ કરાયો છે અને વડાપ્રધાનના રૂટ તથા સર્કીટ હાઉસ ફરતે અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે, ગઇરાત્રિએ નાયબ મુખ્યમંત્રીએ પણ મુલાકાત લઇને સ્થિતિની સમીક્ષા કરી છે. 

જેમ જાહેર કરાયું હતું તેમ વડાપ્રધાનના રૂટ પર અને લગભગ તમામ સરકારી ઇમારતો પર રોશનીનો અદ્દભૂત શણગાર કરવામાં આવ્યો છે, ડીવાઇડરો મુકાઇ ગયા છે, માર્ગની વચ્ચે લાઇટો લગાવવામાં આવી અને શહેરમાં લગભગ પ્રથમ વખતે જુદા જુદા ચોક પર એલઇડી મુકવામાં આવી છે, મતલબ કે વડાપ્રધાનના આગમનથી લઇને સર્કીટ હાઉસમાં જવા સુધી આખા કાર્યક્રમનું એલઇડી પર લાઇવ પ્રસારણ કરવામાં આવી શકે છે.

ભાજપ તરફથી કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરાઇ નથી, આમ છતાં શહેરમાં ટેમ્પો અને રીક્ષાઓ પર વડાપ્ર્રધાન મોદીના આગમન અને સ્વાગત માટેની જાહેરાતો કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં લોકોને ઉમટી પડવા આહવાન આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત ભાજપના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા તમામ નગરસેવકો બોલાવીને મોટી સંખ્યામાં લોકોને જોડવા સૂચના આપી દેવામાં આવી છે. 

આજ સવાર સુધી વહીવટી તંત્ર કે ભાજપ તરફથી વડાપ્રધાનના કાર્યક્રમને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રૂટ અને લાલબંગલા સર્કલ ખાતે જે પ્રકારે તૈયારીઓ ચાલી રહી છે, તેના પરથી એવું લાગે છે કે કદાચ લાલબંગલા સર્કલે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત થઇ શકે છે.

કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ તમામ સ્થળનો કબ્જો લઇ લીધો છે, ગુજરાત પોલીસને તેની જવાબદારી અલગથી સોંપી દેવામાં આવી છે, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તમામ વિગતો મેળવી રહ્યા છે, સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે, બીજી તરફ ભાજપના સ્થાનિક આગેવાનો દ્વારા વડાપ્રધાનને સત્કારવા માટે આ વખતે અનેરો ઉત્સાહ દેખાય રહ્યો છે, જેના પરથી એવું લાગે છે કે શનિ-રવિ બે દિવસ જામનગરમાં મોદી ઉત્સવ જેવો માહોલ સર્જાઇ જશે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News