દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરના હરીપરના સરપંચના પતિ સહિત બે શખ્સ ૫ લાખની લાંચ લેતા ઝડપાયા

  • June 09, 2026 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરના હરીપરના સરપંચના પતિ સહિત બે શખ્સ ૫ લાખની લાંચ લેતા ઝડપાયા

ખાણના ધંધામાં ખોટી રીતે હેરાનગતી નહી કરવા લાંચ માંગી : જામનગર એસબીની ટુકડી દ્વારા છટકુ ગોઠવાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કાળા પથ્થરની ખાણના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદીને હેરાનગતિ ન કરવા માટે ૨૦ લાખની લાંચની માંગણી કરવાના મામલે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ગોઠવાયેલા સફળ છટકામાં બે વ્યક્તિઓને ૫ લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, હરીપર ગામ ખાતે આવેલી કાળા પથ્થર કાઢવાની ખાણની કામગીરીમાં હરીપર ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો દ્વારા ખોટી હેરાનગતિ ન કરવામાં આવે તે માટે સરપંચના પતિ ડાયાભાઈ અરજણભાઈ પરમાર (ઉ.વ. ૫૫) અને જીવાભાઈ અરજણભાઈ પરમાર (ઉ.વ. ૪૧) દ્વારા ફરિયાદી અને તેના ભાગીદાર પાસે શરૂઆતમાં ૩૦ લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. બાદમાં રકજકના અંતે ૨૦ લાખમાં સોદો નક્કી થયો હતો.

તે પૈકી પ્રથમ હપ્તા તરીકે ૫ લાખ ગઇકાલે આપવા જણાવતાં ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબી જામનગર દ્વારા કલ્યાણપુર મામલતદાર કચેરી સામે આવેલ દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં ફરિયાદીના મિત્રની ઓફિસ ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું.

છટકા દરમિયાન બંને આક્ષેપીતોએ ફરિયાદી અને સાહેદ સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૫ લાખની લાંચની માંગણી કરી હતી અને રકમ સ્વીકારી હતી. ત્યારબાદ એસીબીની ટીમે બંનેને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
​​​​​​​
આ સફળ ટ્રેપની કામગીરી એ.આર. ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એસીબી પોલીસ સ્ટેશન જામનગર તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. કામગીરીનું સુપરવિઝન જે.ડી. મેવાડા, મદદનીશ નિયામક, એસીબી રાજકોટ એકમ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કામગીરીના ઇન્ચાર્જ બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એસીબી રાજકોટ રહ્યા હતા. એસીબી દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક પુછપરછ બાદ આજે બંનેને કોર્ટમાં રજુ કરવામાં આવશે, લાંચ લેતા ઝડપાઇ ગયાની વિગતો સામે આવતા કલ્યાણપુર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application