સુરતમાં પ્રેમ પ્રકરણમાં મામાએ જ ભાણેજને છરીના ઉપરાછાપરી છ ઘા ઝીંકી હત્યા કરી

  • June 09, 2026 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. શહેરના લાલગેટ પોલીસ મથકની હદમાં આવેલા હોડી બંગલા મુસીબતપુરા વિસ્તારમાં મોડી રાત્રેઅલ્તમસ અંસારી નામના ૩૦ વર્ષીય યુવકની ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર મુસીબતપુરા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રાથમિક વિગતો મુજબ, પ્રેમ પ્રકરણમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


મળતી માહિતી અનુસાર, હોડી બંગલા મુસીબતપુરા વિસ્તારમાં રહેતો ૩૦ વર્ષીય અલ્તમસ અંસારી રાત્રિના સમયે પોતાના ઘર નજીક હતો. તે જ સમયે ત્યાં તેના કૌટુંબિક મામા મોહંમદ શફી ઉર્ફે શેરા અંસારી આવી પહોંચ્યા હતા. બંને વચ્ચે અચાનક ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. જોતજોતામાં આ ઝઘડો એટલો બધો વધી ગયો કે મામા મોહંમદ શફી ઉર્ફે શેરો તમામ મર્યાદાઓ ઓળંગી ગયો હતો અને ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલી છરી કાઢી અલ્તમસ પર તૂટી પડ્યો હતો.


આરોપી કાળઝાળ થઈને અલ્તમસ પર છરી વડે ત્રાટક્યો હતો અને તેના શરીર પર એક પછી એક છ જેટલા જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. છરી દ્વારા હુમલાના કારણે અલ્તમસના શરીરમાંથી લોહીના ફૂવારા છૂટી ગયા હતા. આથી ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. આ લોહિયાળ દ્રશ્ય જોઈને આસપાસના વિસ્તારમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. અલ્તમસને મરણતોલ હાલતમાં છોડીને આરોપી અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો અને પરિચિતોએ તાત્કાલિક લોહીથી લથપથ અલ્તમસને સારવાર અર્થે નજીકની લોખાત હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતથી તેના પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયો હતો.


હત્યાની ગંભીર ઘટનાની જાણ થતાં જ લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી હત્યાનો ગુનો નોંધ્યો હતો. ગુનાની ગંભીરતા જોઈને પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. લાલગેટ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મોહંમદ શફી ઉર્ફે શેરાની અટકાયત કરી લીધી હતી અને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. આ અંગે ડીસીપીએ જણાવ્યું હતું કે, જિલાની બ્રિજ પાસે હોડી બંગલા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં મૃતક અને આરોપી બંને એકબીજાના સંબંધી હતા. તેમની વચ્ચે કોઈ અંગત અદાવત કે પ્રેમ પ્રકરણનો મામલો હોવાનું બહાર આવ્યું છે, જેની ઝીણવટભરી તપાસ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application