હસીનજહાંએ પહેલા લગ્ન અને બાળકોની વાત મારાથી છુપાવી : શમીનો ધડાકો
મહોમ્મદ શમી તેના અંગત સંબંધોના કારણે છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં છે. શમીની પત્ની હસીનજહાંએ તેના પર અન્ય યુવતીઓ સાથે શારીરિક સંબંધ સહિત મેચ ફિક્સીંગના આરોપ મુક્યા હતા. આ તમામ આક્ષેપ બાદ હવે શમીએ પણ તેની પત્ની વિરુદ્ધ મોં ખોલ્લું છે. શમીએ જણાવ્યું હતું કે હસીનજહાંના તેની સાથે બીજા લગ્ન હતા અને તેણે તેના પહેલા લગ્નની વાત છુપાવી હતી. એટલું જ નહીં શમીએ એમ પણ જણાવ્યું છે કે હસીનજહાંને પહેલા લગ્નથી બાળકો છે તે વાત પણ છુપાવી હતી. આ બધી જ વાત શમીને લગ્ન બાદ ખબર પડી હતી.
એક મુલાકાત દરમિયાન શમીએ આ ઘટસ્ફોટ કર્યો હતો. તેણે જણાવ્યું હતુ કે હસીનજહાંના પહેલા લગ્નની વાતથી તેને અજાણ રાખવામાં આવ્યો હતો. આ લગ્નથી તેને બાળકો પણ છે પરંતુ હસીનજહાંએ તે બાળકોને તેની પિતરાઈ બહેનના સંતાન કહી ઓળખાણ કરાવી હતી. શમીએ વધુમાં ઉમેર્યું હતું કે આ વાતની જાણ થયા બાદ પણ તે તેની સાથે પ્રેમથી રહેતો હતો અને તેમનો ખર્ચ પણ ભોગવતો હતો.
મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલાં જ હસીનજહાંના પહેલા પતિ સૈફુદીને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેના અને હસીનજહાંના લગ્ન 2002માં થયા હતા. તેમની બે દીકરીઓ છે. બંનેના લગ્નજીવનનો અંત 2010માં આવ્યો હતો.