પૂરપાટ જતા મોટરસાયકલની અડફેટે ભાણવડના યુવાનનું મૃત્યુ

  • June 24, 2021 11:38 AM 

ભાણવડ પંથકમાં પરપ્રાંતીય યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવીઃ અકસ્માતે પટકાયેલા વેરાડ ગામના પ્રૌઢનું મૃત્યુ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડમાં રહેતા એક યુવાનનું પૂરપાટ જતા મોટરસાયકલની અડફેટે આવી જતાં મોત નિપજ્યું છે, જ્યારે ભાણવડ પંથકમાં એક પરપ્રાંતીય યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી છે, તેમજ અકસ્માતે પટકાયેલા વેરાડ ગામના પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે, આ તમામ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ભાણવડ તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં રહેતા વિરમભાઈ રાજાભાઈ ભાદરકા નામના 45 વર્ષના આહીર યુવાન ગત તારીખ 10 મી ના રોજ રવિરાજ ત્રણ રસ્તા પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે 10 બી. 6524 નંબરના મોટરસાયકલના ચાલક હાર્દિક અશોકભાઈ કવા નામના યુવાને વિરમભાઈને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ જગાભાઈ રાજાભાઈ ભાદરકા (ઉ.વ. 55, રહે. મેવાસા)ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે હાર્દિક અશોકભાઈ કવા સામે આઈ.પી.સી. કલમ 304 (એ), 279 તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી પી.એસ.આઈ. આર.એ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

જ્યારે ભાણવડથી આશરે ત્રીસ કિલોમીટર દૂર સણખલા ગામે મૂળ મધ્યપ્રદેશના માલીપુરા ગામના રહીશ જાલમસીંઘ અમરસિંઘ મોરી નામના 23 વર્ષના યુવાને ગઈકાલે બુધવારે બપોરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા તેને નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગે સણખલા ગામના રહીશ રામજીભાઈ કેશુભાઈ ધ્રાંગુએ સ્થાનિક પોલીસને જાણ કરી છે.

તેમજ ભાણવડ તાલુકાના વેરાડ ગામે રહેતા સાજનભાઈ સવદાસભાઈ ડોડીયા નામના 55 વર્ષિય પ્રૌઢ અગાસીની સીડી ઊતરતી વખતે અકસ્માતે પગથિયું ચૂકી જતા તેઓ પટકાઈ પડતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ ભાણવડ પોલીસને કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS