છેલ્લા ત્રણેક દિવસથી શરૂ થયેલ કાળઝાળ ગરમીનો નવો રાઉન્ડ દિવસો દિવસ વધુને વધુ તીવ્ર બની રહ્યો છે. આકાશમાંથી જાણે આગ વરસતી હોય તેમ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે. હવામાન ખાતાના બુલેટિનમાં જણાવ્યા મુજબ આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે હજુ ગરમીમાં કોઈ પ્રકારની રાહત નહીં મળે. ઉલટાનું મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલું વધશે.
ગઈકાલે રાજ્યના આઠ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40થી 43.3 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન અમરેલીમાં 43.3 ડિગ્રી ગઈકાલે નોંધાયું હતું. રાજકોટમાં 43.1 ડીગ્રી તાપમાન રહેવા પામ્યું હતું.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને ભેજનું પ્રમાણ પણ આખો દિવસ વધુ રહેતું હોવાથી આ વિસ્તારના લોકો બેચેની અને અકળામણનો સામનો કરી રહ્યા છે અને આ વાતાવરણ હજુ પણ આગામી ત્રણેક દિવસ સુધી યથાવત રહેશે. ગઈકાલે અમદાવાદમાં 42.1, વડોદરામાં 41.6, ભુજમાં 41.4, ડીસામાં 40.3, ગાંધીનગરમાં 41.5 અને સુરતમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો અમરેલીમાં આજે સવારે ભેજનું પ્રમાણ 70% ભુજમાં, 76 દમણમાં, 79 દ્વારકામાં, 85 કંડલામાં, 78 નલિયામાં, 71 ઓખામાં, 85 પોરબંદરમાં, 89 સુરતમાં, 74 અને વેરાવળમાં 84% ભેજ નોંધાયો હતો. આ તમામ શહેરોના ગઈકાલના મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 43.3, ભુજમાં 41.4, દ્વારકામાં 31.8, કંડલામાં 37.4, નલિયામાં 36.2, ઓખામાં 33.8, પોરબંદરમાં 36, સુરતમાં 40 અને વેરાવળમાં 32 ડિગ્રી નોંધાયું હતું.