બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ આયુર્વેદના નામે ઘરગથ્થુ ઉપચારના પ્રયોગ ન કરે તે જરૂરી : ડો.ગૌરાંગ વ્યાસ

  • October 29, 2020 07:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણે ત્યાં આદી-અનાદી કાળથી આયુર્વેદ પ્રચલિત છે અને ગમે તેવા ગંભીર રોગમાં તેની ઉપયોગીતા સાબિત થઇ ચુકી છે.  આયુર્વેદિક ઉપચાર આપણને આપણા ઘરમાંથી જ મળી રહેતા હોય છે પણ તેમાં ધ્યાન એટલું જ રાખવાનું હોય છે કે, આડેધડ અખતરા ન થાય.ઘણી વખત આવા અખતરા યોગ્ય સારવારમાં અડચણ ઉભી કરતા હોય છે. આ શબ્દો એક આયુર્વેદિક ડોકટરના છે.આજકાલના બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કેમ્પેઈન અંતર્ગત કેટલીક મહત્વની બાબતો ઉપર પ્રકાશ પાડતા આયુર્વેદિક નિષ્ણાત ડો. ગૌરાંગ વ્યાસે કહ્યું હતું કે,  બ્રેસ્ટ  કેન્સરથી ડરવાની જરૂર નથી. તેની સારવાર શક્ય છે પણ  નિષ્ણાંત ડોક્ટરની સલાહ વગર કરવામાં આવતા ઘરગથ્થુ ઉપચાર કે ભુવા, બાબાઓની ફાકીથી ડરવું જોઈએ.

 

ડો. ગૌરાંગે વધુ વાત કરતા જણાવ્યું હતું કે, આપણા પ્રાચિન ગ્રંથોમાં મોટાભાગના રોગો વિશે અને તેની સારવાર પધ્ધતિઓ વિશે આયુર્વેદનો ઉલ્લેખ  જોવા મળે છે પરંતુ સમયાનુસાર ચિત્ર થોડું બદલાતું ગયું અને વૈજ્ઞાનિક પધ્ધતિઓ સાબિતી સાથેની તકનીકોની બોલબાલા ચાલી. સાયન્ટિફિક સારવાર અત્યંત ઝડપી અને ઓછી પરેજી સાથેની હોવાથી લોકો તેને વધુ પસંદ કરતા થયા છે. આયુર્વેદમાં રોગના ઉપચાર સાથે પરેજીનું વિશેષ મહત્વ રહેલું છે. જો દર્દી બરાબર પરેજી રાખે નહીં તો તેને સારવાર અસર કરતી નથી અથવા ખૂબ ધીમી ગતિએ અસર કરે છે. આયુર્વેદમાં રોગની સારવારનો સમયગાળો હંમેશા લાંબો રહે છે. જ્યારે સામે અન્ય પેથીમાં વૈજ્ઞાનિક ઢબે તાત્કાલિક પરિણામ મળે છે અને બહુ ઓછી પરેજી રાખવાની રહે છે આથી તેનું મહત્વ આધુનિક યુગમાં વધુ લેખાય છે.

 

આયુર્વેદમાં કેન્સરને ‘કર્કરોગ’ કહેવામાં આવે છે. ઉપરાંત તેને ‘અર્બુદ’ અથવા ‘ગ્રંથિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય ભાષામાં કહેવું હોય તો સ્ત્ન કેન્સરને ‘સ્તનાર્બુદ’ કહી શકાય. સ્તનાર્બુદની સારવારનો ઉલ્લેખ આયુર્વેદના અનેક સંદર્ભ ગંર્થોમાં જોવા મળે છે પરંતુ વર્તમાન સમયની ઓછી જરૂરીયાતને લઈને,સ્તન કેન્સરની ઝડપી સારવાર માટે આધુનિક મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા સારવાર થાય એ અનિવાર્ય છે. હા! આયુર્વેદ કોઈ દાવા સાથે નથી કહેતું કે તેમની પાસે બ્રેસ્ટ કેન્સરની સારવાર છે જ પરંતુ આયુર્વેદ એવી દિનચર્યા અને લાઈફ સ્ટાઇલ શીખવે છે જેથી સ્તન કેન્સર થવાનો ખતરો નહીંવત થઈ જાય છે. એટલે આપણે આયુર્વેદને પાણી પહેલાની પાળ તરીકે જોઈ શકીએ છીએ.

 

ડો.વ્યાસે વધુ વાત કરતા જણાવ્યું હતું કે સતત ડેવલપ થતા મેડિકલ સાયન્સમાં હવે નિષ્ણાંતો એક ટીમ બનાવીને દરેક રોગની સારવાર કરતા થયા છે. કારણકે બ્રેસ્ટ કેન્સરમાં આપેલી કિમોથેરાપીની આડાસરને દૂર કરવા માટે આયુર્વેદ પાસે અસરકારક પધ્ધતિઓ છે જ. પણ તે બધુ કેન્સરપહેલા અથવા કેન્સરની સારવાર પછીની બાબતો સાથે સંકળાયેલું છે. ઘણી વખત રેડીયોથેરાપી, કિમોથેરાપી કે હોર્મોન થેરાપીથી દર્દીને ખૂબ વીકનેસ આવી જતી હોય છે, તેની સ્કિનમાં ચાઠા પડી જાય છે, વાળ ઉતરી જાય છે, મોઢું સુકાઈ જાય અને વજાઈના પણ ડ્રાય થઈ જાય છે. જે સ્તનની સર્જરી કરી હોય તે બાજુના હાથમાં સોજો આવે કે હલનચલન કરવામાં તકલીફ પડે.વગેરે જેવી અનેક સાઇડ ઇફેક્ટ થતી હોય છે. આ દરેકમાંથી ફરીથી સંપૂર્ણ સ્વસ્થ થવા માટે આયુર્વેદમાં ઉત્તમ ઉપચાર આપેલા છે. કોઈ પણ સારવાર પધ્ધતિ હોય તેના લાભ અને ગેરલાભ, મર્યાદા હોવાના જ આથી આધુનિક સમયમાંં જુદી જુદી સારવાર પધ્ધતિને એક કરીને દર્દીને સ્વસ્થ કરવામાં આવે છે કારણકે સારવાર માટેની ટેકનીક કે સ્ટ્રીમ અલગ હોય શકે પરંતુ ધ્યેય માત્ર એક જ છે દર્દીને સ્વસ્થ બનાવવાનો.

 

મેડિકલની અન્ય શાખાના નિષ્ણાંતો પણ ઘણી વખત આયુર્વેદનો સહારો લે છે પરંતુ કહેવાતા ભૂવાઓ અને બાબાઓએ ફાફીઓ આપીને અવનવા અખતરા કરાવીને પોતાની દુકાનો ચલાવવા માટે ઘરગથ્થુ ઉપચારના નામે આયુર્વેદનું અલગ જ ચિત્ર ઉભું કર્યું છે. આયુર્વેદ પાસે એવી દિનચર્યા , એવી જીવનશૈલીની રીતો છે જે નિયમિત અપનાવવાથી બ્રેસ્ટ કેન્સર જ નહીં બીજા કેન્સરોનો ખતરો પણ ઓછો થઈ જાય છે. સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એ યોગનો એક ભાગ કહી શકાય. યોગમાં એવા કેટલાક આસનો આપેલા છે  જે નિયમિત કરવાથી બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવનાઓ ઓછી થાય છે અથવા ગાંઠ કે અન્ય કોઈ લક્ષણની શરૂઆતના તબક્કામાં જાણ થઈ જાય છે.

 

બ્રેસ્ટ કેન્સરથી ડરવાની જરૂર નથી જ. પરંતુ માર્કેટમાં લોકોની શ્રધ્ધાને અંધશ્રધ્ધામાં પરિવર્તિત કરતા, દર્દીના મનોભાવ સાથે ખીલવાડ કરતા બાબાઓથી ચોક્કસપણે ડરવું જોઇએ. થોડા દિવસ પહેલા જ મેં એક દર્દીને જોયા હતાં. તેમનું કેન્સર શરૂઆતી સ્ટેજમાં હતું અને તેમને મેં કેન્સર નિષ્ણાંતની સલાહ લેવા કહ્યું. ત્યાર પછી એ પેશન્ટ મારા પાસે ફરીથી આવ્યું જ નહીં અને એક ગામડામાં કોઈ ફકીર કેન્સર મટાડવાની આયુર્વેદિક ફાકી આપે છે તેની પાસેથી ફાકી લેવા ગયું. અને 4 મહિનામાં તેમનું કેન્સર ત્રીજા સ્ટેજમાં પહોંચી ચુક્યુ છે. આ વેલ એજ્યુકેટેડ ફેમિલીનો  નિર્ણય જાણીને મને ખૂદને આંચકો  લાગ્યો. જે વ્યક્તિની સારવાર શક્ય હતી તેઓ ભુવા ભરાડામાં પડીને પોતાનો જીવ જોખમમાં મુકે છે  એ જાણીને મને એક ડોક્ટર તરીકે પણ ખૂબ દૂ:ખ થયું. આથી હું કહું છે કે આયુર્વેદના નામે તમારી શ્રધ્ધા સાથે, તમારા જીવ સાથે ખીલવાડ  કરનારથી સાવધાન રહો અને કેન્સરની ચોક્કસ અને તાત્કાલિક સારવાર લો. હા! એક આયુર્વેદિક ડોક્ટર તરીકે પણ હું એમ જ કહીશ કે બ્રેસ્ટ કેન્સરના દર્દીઓએ આવી ફાકી અને અન્ય દવાઓ તેમજ  ઘરગથ્થુ  ઉપચાર વગેરે જેવા કોઈ પણ અખતર કરવા જોઈએ નહીં. સમયસરની અને યોગ્ય પધ્ધતિસરની સારવારથી બ્રેસ્ટ કેન્સર બાદ પણ  તમે સંપૂર્ણ સ્વસ્થ બની શકો છો. આથી બ્રેસ્ટ કેન્સરના નિષ્ણાંત પાસે તેના કહ્યાં પ્રમાણે સારવાર કરાવવી હિતાવહ છે.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS