બ્રેસ્ટ રીકન્સટ્રક્શન સર્જરી કોસ્મેટીક નથી રહી, હવે તે જરૂરીયાત બની ગઈ છે : ડો.ગિરીશ અમલાણી

  • October 28, 2020 02:19 AM 304 views

આપણાં શરીરનું કોઈ અંગ છૂટટુ પડી જાય તો કેવી હાલત થાય તેનો વિચાર માત્ર થથરાવી નાખતો હોય છે. હવે વિચાર કરો કે, કોઈ મહિલાને બ્રેસ્ટ કેન્સર થાય અને તેનું એક સ્તન રિમુવ કરવું પડે એમ હોય તો તેની માનસિક હાલત કેવી થાય.કોઈ પણ સ્ત્રી શરીર માટે તેના સ્તન એક આભૂષણ સમાન હોય છે અને સ્ત્રીઓ તેના અસ્તિત્વ સાથે જીવતી હોય છે. આવી સ્થિતિમાં સ્તન રિમુવ કરવાની વાત આવતા જ તે મનથી ભાંગી પડતી હોય છે. જો કે હવે તબીબી વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે અને બ્રેસ્ટ રિકન્સ્ટક્શન શક્ય બની ગયું છે.

 

બ્રેસ્ટ કેન્સરનો મેડિકલી ઈલાજ શક્ય છે પરંતુ આ સમયમાં સ્ત્રીને સૌથી વધુ ભાવનાત્માક સહારાની જરૂર હોય છે. બ્રેસ્ટ કેન્સરના ઈલાજના ભાગરૂપે બ્રેસ્ટ રીમુવ કરવું ફરજિયાત થઈ જતું હોય છે અને આવી સ્થિતિમાં બ્રેસ્ટ રીક્ન્સટ્રક્શન કરીને સ્ત્રીઓને દર્દીની માનસિકતામાંથી સરળતાથી બહાર કાઢી શકાય છે. આ અંગે રાજકોટના જાણીતા પ્લાસ્ટીક, હેન્ડ એન્ડ માઈક્રો સર્જન ગિરીશ અમલાણીએ આજકાલ સાથે વાત કરી હતી અને બ્રેસ્ટના રી-પ્લાન્ટેશન વિશે, તેમના અનુભવ વિશે જણાવ્યું હતું.

 

 ડો.અમલાણીએ જણાવ્યું હતું કે, સ્તનના કેન્સરમાં સ્તન કાઢી નાખવામાં આવે છે. એ પછી  સ્તન ફરીથી બનાવવા માટેની પ્લાસ્ટીક સર્જરી એટલે કે બ્રેસ્ટ રીકન્સટ્રક્શન તાત્કાલીક અથવા એક બે વર્ષ પછી કરી શકાય છે. સૌરાષ્ટ્રમાં આ પધ્ધતિ અપનાવાય છે પરંતુ અહીના દર્દીઓ અમદાવાદમાં ટ્રીટમેન્ટ કરાવવાનું પસંદ કરે છે. જો કે તેનું પ્રમાણ ખૂબ ઓછું છે. તેના મુખ્ય બે કારણો છે. એક તો લોકોને આ બાબતની ઓછી જાણકારી હોય છે અથવા સ્ત્રીઓ એક બ્રેસ્ટ વિના રહેવાનું સ્વીકારી લેતી હોય છે. જ્યારે બીજી  નાણાકીય બાબત છે. અનેક કિસ્સાઓમાં કેન્સરની સારવાર કરાવીને મહિલાઓ અને તેનો પરિવાર આર્થીક રીતે ભાંગી જતો હોય છે એટલે જાણ હોવા છતાં બ્રેસ્ટ રીકન્સટ્રક્શન અપનાવી શકતા નથી. કેન્સરનું મોટું નામ, વધુ ખર્ચ અને લાંબી ટ્રીટમેન્ટથી વ્યક્તિ માનસિક અને આર્થીક ભાંગી પડે છે.  તેના પરિણામે બ્રેસ્ટ રીકન્સટ્રક્શનનું પ્રમાણ આપણે ત્યાં ખૂબ ઓછું જોવા મળે છે.

 

બ્રેસ્ટ રીકન્સટ્રક્શન વિશે ડો.અમલાણીએ વધુ જણાવતા કહ્યું હતું કે, સ્તન કાઢી અને તાત્કાલીક સ્તન બનાવવાને પ્રાઈમરી રીકન્સટ્રક્શન ટ્રીટમેન્ટ અને એક બે વર્ષ પછી થતી પ્રક્રિયાને સેકન્ડરી રીકન્સટ્રક્શન ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. પ્રાઈમરી બ્રેસ્ટ રીકન્સટ્રક્શનમાં એક જ ઓપરેશન અને એનેસ્થેશીઆમાં પહેલા સ્તનકાઢી અને બાદમાં બ્રેસ્ટ રીકન્સટ્રક્શન કરવામાં આવે છે. આથી ખર્ચ અને જોખમ બને ઓછા થાય છે. જ્યારે દર્દીને રેડીઓથેરાપી અને કિમોથેરાપી આપવા પહેલા જરૂરી હોય તો સેકન્ડરી બ્રેસ્ટ રીકન્સટ્રક્શન એક કે બે વર્ષ બાદ કરવાનું પસંદ કરી શકાય. પ્રાયમરી બ્રેસ્ટ રીકન્સટ્રક્શન બાદ ફરીથી કેન્સર થાય તો નિદાન માટે તકલીફ પડી શકે છે. ફરી થયેલ કેન્સરનાં નિદાન માટે મેમોગ્રાફી, સીટીસ્કેન અને પીઈટી સ્કેન ઉપયોગી થાય છે.

 

જ્યારે કોઇ દર્દીને બ્રેસ્ટ કેન્સર હોવાની જાણ થાય ત્યારે તે પહેલા ટેસ્ટ કરાવશે, પછી ઓપરેશન કરાવશે ત્યાર બાદ કિમોથેરાપી લેશે અને અંતે રેડીઓથેરાપી લે છે. આટલી પ્રોસેસ અને ખર્ચ કર્યા બાદ બ્રેસ્ટ રીકન્સટ્રક્શન માટે ઘણી વખત પૈસા નથી રહેતા. આ સારવાર ઓછી કે મધ્યમ ખર્ચાળ હોવા છતા પણ દર્દી માનસિક રીતે આ ટ્રીટમેન્ટ લેતા નથી. આથી જો સરકાર દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં અને બ્રેસ્ટ રીકન્સટ્રક્શનને   મા વાત્સલ્ય યોજનામાં અને ઈન્સ્યોરન્સમાં સમાવી લેવામાં આવે તો કેન્સર પીડિતોને મોટી રાહત મળી શકે. કારણકે નાના મોટા બ્રેસ્ટ સાથે રહેવું મહિલા માટે ભાવનાત્મક અને શારીરિક બંને રીતે જોખમી છે. સ્ત્રીઓને એક બાજુનું સ્તન કાઢીને તેમજ રહેવા મજબૂર કરવા કરતા બ્રેસ્ટ રીકન્સટ્રક્શન ટ્રીટમેન્ટ દ્વારા શારીરિક માનસિક અને ભાવનાત્મક મજબૂત બનાવવી જોઇએ. સરકાર અને વીમાકંપનીઓને બ્રેસ્ટ રીકન્સટ્રક્શન ટ્રીટમેન્ટને કોસ્મેટીક ટ્રીટમેન્ટ ગણવાનું બંધ કરીને સ્ત્રીઓની જરૂરિયાતના રૂપમાં ગણવી જોઈએ.       

 

બ્રેસ્ટ રીકન્સટ્રક્શન પેટની ચામડી તથા ચરબી લઈને એટલે કે TRAM ફલેપથી  કરવામાં આવે છે. શરીરના અન્ય ભાગો જેવાકે પગના બહારના ભાગ એટલે કે ALT ફલેપ , પૃષ્ઠના ભાગમાંથી પણ બ્રેસ્ટ રીકન્સટ્રક્શન થઈ શકે છે. માઇક્રો વાસ્કુલર પધ્ધતિથી થતાં બ્રેસ્ટ રીકન્સટ્રક્શન દેખાવમાં વધુ સારા હોય છે. પીઠ માંથી ચામડી તથા સ્નાયુ (L D) ફલેપ અને નીચે સિલિકોન ઇમપ્લાન્ટ મૂકીને બ્રેસ્ટ રીકન્સટ્રક્શન કરી શકાય છે. મેં ૧૫થી વધુ  બ્રેસ્ટ રીકન્સટ્રક્શન TRAM  ફલેપથી કરેલા છે. જેના પરિણામ ખૂબ સારા મળ્યા છે. બ્રેસ્ટ રીકન્સટ્રક્શન બાદ દર્દીના દેખાવની સાથે હાથની હલન ચલન વધુ સારી જોવા મળી છે, અને હાથમાં સોજો આવવાની શક્યતા પણ ઘણી ઘટી જતી હોય છે. આજ કારણોના લીધે આ સર્જરીને કોસ્મેટિક સર્જરીના બદલે રીકન્સટ્રક્ટીવ  સર્જરી ગણીને વધુમાં વધુ દર્દીને બ્રેસ્ટ રીકન્સટ્રક્શન કરાવવાની જરૂર છે. હવે ઓન્કોસર્જન જ બાબતે દર્દીઓએ સુચન કરે છે પરંતુ સરકાર અને વીમાકંપનીના સાથ  સહકારથી આપણે મહિલાઓને માનસિક,શારીરિક અને ભાવનાત્મક સુરક્ષિત કરી શકીશું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application