મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જગન્નાથજીની 144મી રથયાત્રાની પહિંદ વિધિમાં સહભાગી થશે, જાણો આ વિધિ વિશે અને તેનું મહત્વ

  • July 12, 2021 12:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી  વિજય રૂપાણી આજે તા. 12 જુલાઈના રોજ  વહેલી સવારે  અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી  રથયાત્રાની પહિંદ વિધિમાં સહભાગી થશે...મુખ્યમંત્રી વિજય રૂપાણી રથયાત્રાના  પ્રારંભમાં  ભગવાન જગન્નાથજીના દર્શન કરી સાડા છ કરોડ ગુજરાતીઓની  સુખ-સમૃદ્ધિ માટે પૂજા-અર્ચના કરી  આશીર્વાદ મેળવશે...ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર ખાતે  C.M. ડેશબોર્ડના માધ્યમથી સવારે 11.00 કલાકે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા  નિહાળીને જગન્નાથજીના દર્શન કરશે. 

શું છે આ પહિંદ વિધિ અને ક્યારથી થઈ તેની શરૂઆત?
અમદાવાદથી જે રથયાત્રા નીકળે છે તેમાં છેલ્લા 29 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી જ કેમ કરાવે પહિંદ વિધિ?
રથયાત્રા પહેલાં મંગળા આરતી થાય છે અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીના હસ્ત પહિંદ વિધિ કરાવવામાં આવે છે. આ વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજ્યના રાજા એ જગન્નાથજીના પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે. આ વિધિને શહેરમાં પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે.

પહિંદ વિધિ કેવી રીતે કરાય છે?
સવારની મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે, ત્યાર પછી સવારે રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરી અને પાણી છાંટે છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.

કોણે કેટલી વખત કરાવી છે પહિંદ વિધિ
રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિંદ વિધિ કરવાનો મોકો પ્રાપ્ત થયો છે. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેદ્ર મોદીએ રથયાત્રામાં સૌથી વધુ 12 વખત પહિંદ વિધિ કરી છે. કેશુભાઈ પટેલે પણ પ વખત પહિંદ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે જેમણે પહિંદ વિધિ કરી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS