દેવભૂમિ દ્વારકાના ભાટીયાની કે.જી.બી.વી.માં ઉચ્ચતર માધ્યમિકમાં વિવિધ અનિવાર્ય પરિબળોના કારણે વર્ગો બંધ કરાયા

  • July 15, 2021 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની ગાઈડલાઈન મુજબ અમલવારી ફરજિયાત: વિદ્યાર્થીનીઓને અન્યત્ર પ્રવેશ અપાયો- શિક્ષણાધિકારી

  રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓમાં શિક્ષણ વધે, અને સુવિધા સાથે બાળાઓ વ્યવસ્થિત શિક્ષણ મેળવી શકે તે માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કે.જી.બી.વી.માં વિદ્યાર્થિનીઓને પ્રવેશ તથા શિક્ષણ આપવામાં આવે છે.

   દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હાલ જુદા-જુદા વિસ્તારોમાં કે.જી.બી.વી. કાર્યરત છે. જેમાં ગત વર્ષે આશરે 960 જેટલી વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે માર્ચ 2020 થી કોરોના મહામારી તથા લોક ડાઉન વચ્ચે અહીં પ્રવેશ તથા શિક્ષણ પ્રભાવિત બન્યું હતું.

   હાલના શૈક્ષણિક સત્રથી જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ખાતે આવેલી કેજીબીવીને બંધ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ભાટીયાની કેજીબીવી બંધ થતાં સ્થાનિક રહીશો તથા વિદ્યાર્થીનીઓમાં વિરોધની લાગણી વ્યક્ત કરાઈ રહી છે.

   આ મુદ્દે વર્તમાન પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા જિલ્લા શિક્ષણાઅધિકારી બી.એચ. વાઢેરે જણાવ્યું હતું કે ભાટીયાનું આ સંસ્થાનું બિલ્ડીંગ બન્યું, ત્યારે જે-તે વખતે માત્ર 50 વિદ્યાર્થીનીઓની ક્ષમતા હતી. પરંતુ અગાઉના સમયે સામાન્ય સંજોગોના કારણે ગાંધીનગરથી મંજૂરી બાદ સમયાંતરે અહીં બેઠકનો વધારો કરી, વિદ્યાર્થિનીઓની સંખ્યા 150ની કરવામાં આવી હતી.

    ગત વર્ષથી કોરોના મહામારી પછી સરકાર દ્વારા સંક્રમણ અટકાવવા માટે ચોક્કસ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ પછી ફેબ્રુઆરી- 2021 થી કોરોનાની એસ.ઓ.પી.ની ગાઈડલાઈન મુજબ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સાથે કેજીબીવી પણ કાર્યરત કરવાની સૂચનાઓ અપાઈ છે.

     અહીંના જિલ્લા શિક્ષણીધિકારી બી.એચ. વાઢેરના જણાવાયા મુજબ ભાટિયા ખાતેની સંસ્થામાં માત્ર 50 વિદ્યાર્થીનીઓ માટે આ બિલ્ડિંગ કાર્યરત થયા બાદ હાલ અહીં સરકારની સુચના મુજબ કોરોના ગાઈડ લાઈનની અમલવારીમાં 150 વિદ્યાર્થીનીઓનો સમાવેશ શક્ય ન હોવાથી આ સંદર્ભે અહીંના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વડી કચેરીનું માર્ગદર્શન લેવામાં આવ્યું હતું. જે સંદર્ભે ત્રણ અધિકારીઓ સાથેના સભ્યોની કમિટીની રચના બાદ આ સંદર્ભે વિવિધ મુદ્દાઓને તપાસતા કોરોના એસ.ઓ.પી. માં માત્ર ધોરણ 6 થી 8 સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ શક્ય હતો. જ્યારે ધો. 9 થી 12 ના વિદ્યાર્થીનીઓને અહીં રાખવા શક્ય ન હોવાથી આ વર્ગ બંધ કરવા અનિવાર્ય હોવાના રિપોર્ટથી વડી કચેરીના આદેશ મુજબ આ વર્ગો બંધ કરવામાં આવ્યા હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું છે.

    અહીં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ નજીકના વિસ્તારો એવા સુર્યાવદર, ધીણકી, કલ્યાણપુર તથા વડત્રા કે.જી.બી.વી. ખાતે એડમિશન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આટલું જ નહીં, મહત્વની બાબત તો એ છે કે સરકાર દ્વારા ભાટીયામાં 100 વિદ્યાર્થીનીઓ માટે વર્ગ બંધ કરાયા સામે અન્ય સ્થળે 150 ની સંખ્યા મંજૂર કરવામાં આવી છે. આમ, સરવાળે 50 બેઠકનો વધારો થતાં વિદ્યાર્થીનીઓની સુવિધાઓમાં વધારો થયો છે. આ ઉપરાંત ભાટીયાની અનેક વિદ્યાર્થીઓએ નજીક કેજીબીવીમાં પ્રવેશ મેળવી લીધો છે.

   સરકાર હાલ કન્યા કેળવણી સંદર્ભે અનેકવિધ નક્કર પગલાંઓ લઈ રહી છે. જેમાં અહીં સાયન્સના વિભાગો પણ ખાસ શરૂ કરવામાં આવ્યા છે. એક પણ વિદ્યાર્થીની પ્રવેશથી વંચિત ન રહે તે માટે ખાસ લક્ષ્ય રાખવામાં આવી રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં સરકારની આ વ્યવસ્થાથી અનેક વાલીઓ ખુશ છે.

     જિલ્લાની કેજીબીવીમાં વિદ્યાર્થીનીઓને તમામ પ્રકારની સુવિધા સાથે વિનામૂલ્યે સારૂ શિક્ષણ મળી રહે તેવા આયોજન વચ્ચે ભાટીયાની કેજીબીવીમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના વર્ગો બંધ થતાં વિદ્યાર્થીનીઓને કોઈપણ તકલીફ ન પડે તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી બી.એચ. વાઢેરએ વધુમાં ઉમેર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS