દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના છુપાવતા આંકડા: આરોગ્ય તંત્રની શંકાસ્પદ કામગીરીની ટીકા

  • March 20, 2021 10:52 AM 

નહિવત આંકડા દેખાડીને જાહેર જનતાનો થતો દ્રોહ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોરોના પોઝિટિવના એકલ-દોકલ કેસ જ નોંધાય છે. આટલું જ નહીં, સપ્તાહમાં અવારનવાર "ઝીરો" પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવે છે. જ્યારે રાજ્યના જુદા જુદા વિસ્તારો સાથે સમગ્ર દેશભરમાં ચિંતાજનક રીતે વધતા જતા નવા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના ફૂલગુલાબી આંકડાએ આમ જનતામાં બેફિકરાઈ સાથે થોડી શંકાની પણ લાગણી જન્માવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત તળિયે પહોંચી ગયેલો કોરોનાનો ગ્રાફ તથા નહિવત સંખ્યામાં એક્ટિવ કેસ સંદર્ભે ખુલતી વિગત મુજબ ગઈકાલે શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલી માહિતીમાં જિલ્લામાં ફક્ત 14 એક્ટિવ કેસ છે. જ્યારે છેલ્લા આશરે એકાદ માસથી અવિરત રીતે મૃત્યુનો કુલ આંક ફક્ત 85 નો જ નોંધાયો છે. આ મુદ્દે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાની સરકારી કોવીડ હોસ્પિટલમાં ગઈકાલે દાખલ રહેલા કોરોના પોઝિટિવની દર્દીઓની સંખ્યા 20 તથા હોમ આઇસોલેટેડ દર્દીઓની સંખ્યા 12 જેટલી છે. આરોગ્ય વિભાગની વેબસાઈટ પર પણ આ સંખ્યાનો આંકડો 32 નો દર્શાવવામાં આવ્યો છે. જ્યારે અહીં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ફક્ત 14 દર્શાવવામાં આવી છે. જેથી અન્ય 18 એક્ટિવ કેસ ઓછા દેખાડીને આરોગ્યતંત્ર શું સાબિત કરવા માંગે છે? તે એક યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.

વર્તમાન વિકટ પરિસ્થિતિમાં આમ જનતાની સાવધાની જ કોરોના અટકાવવા મહત્વનું પરિબળ છે. ત્યારે ઓછા કેસ દેખાડીને આરોગ્ય તંત્ર હકીકત છુપાવી અને લોકોને કોરોનાની પરિસ્થિતિથી અનિવાર્ય એવા ડર રાખવાના બદલે શું બેફિકરો બનાવવા માંગે છે??? હાલ ખંભાળિયા સહિત જિલ્લામાં લોકો ડર સાથે સાવચેતી રાખવાના બદલે કામ વગર રખડતા ભટકતા જોવા મળે છે.

આ સાથે આરોગ્ય સ્ટાફ દ્વારા પણ લોકો સાથે અયોગ્ય વર્તન થતું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે હાલ સરકારી હોસ્પિટલમાં જ વીસ એક્ટિવ કેસ છે. ત્યારે ઓછા એક્ટિવ કેસ દેખાડવાની પોલ ખુલી જતા આ સમગ્ર મુદ્દો ભારે ચર્ચા સાથે વિવાદાસ્પદ બની રહ્યો છે. રાજ્યના છેવાડાના જિલ્લા એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય તંત્ર ઈન્ચાર્જ અધિકારીઓના થુંકના સાંધાથી ચાલે છે. ત્યારે આ ગંભીર બાબતે અહીંના જાગૃત હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકામાં તાજેતરમાં વ્યાપક પ્રમાણમાં યોજાયેલા લગ્ન, સમૂહ લગ્ન બાદ કરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો આવ્યો હતો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં કોરોનાનું સંક્રમણ નહિવત હતું, ત્યાં પણ હાલ નવા પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. ખંભાળિયા તાલુકાના બજાણા, મહાદેવીયા, આહીરસિંહણ, ઉપરાંત કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા કેસના કારણે લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.

હાલની વિકટ પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ સાથે નાઈટ પેટ્રોલિંગમાં કોરોના સંદર્ભે કડક કાર્યવાહી કરવામાં આવે તેમ સમજુ લોકો ઇચ્છી રહ્યા છે. અન્ય મોટા શહેરો જેવા અતિ કડક નિયમોની અમલવારી અહીં ભલે ન કરવામાં આવે, પરંતુ હાલ બેફામ બની ગયેલા લોકો પર કાબૂ આવવો અનિવાર્ય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS