જામનગરમાં મધરાત્રે સજુબા ગર્લ્સ સ્કુલમાં આવેલી દરગાહનું ડીમોલીશન

  • June 03, 2023 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તંત્રનું ગુપ્ત ઓપરેશન : એસપી, એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરી : ચુસ્ત પોલીસ બંદોબસ્ત

જામનગર શહેરની સજુબા ગર્લ્સ સ્કુલના પટાંગણમાં આવેલ દરગાહને મઘ્યરાત્રીના હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ વેળાએ એસપી, એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહયા હતા, ડીમોલીશન કામગીરી દરમ્યાન પોલીસના ધાડે ધાડા ઉતરી પડયા હતા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જામનગરના રણજીત રોડ પર આવેલ સજુબા ગર્લ્સ હાઇસ્કુલના પટાંગણમાં આવેલી દરગાહ હટાવવા માટેની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી અને ગત મધરાત્રીના ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ આ અંગેની કામગીરી કરવામાં આવી હતી, એસપી પ્રેમસુખ ડેલુ, એસડીએમ ભાવેશ ખેર, ડીવાયએસપી વાઘેલા સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો હાજર રહયો હતો અને દરગાહ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
રાત્રીના બે અઢી વાગ્યાના આસપાસ ડીમોલીશન કામગીરી કરાઇ હોવાનું જાણવા મળ્યું છે, કામગીરીના પગલે મોડી રાત થી જ સ્કુલની આસપાસ અને આ રોડ પર ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, બીજી બાજુ કોઇ મિડીયાકર્મીઓને અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા, તંત્ર દ્વારા અત્યંત ગુપ્ત રાહે ડીમોલીશન ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થીતમાં પાર પડાયેલી આ કામગીરીમાં સીટી-એ, સીટી-બી, સીટી-સી ડીવીઝનના અધિકારીઓ, સ્ટાફ તથા એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સજુબા ક્ધયાશાળાના પટાંગણ ખાતે આવેલા દરગાહના ધર્મસ્થાનને હટાવવા બાબતે અગાઉ રજુઆત કરવામાં આવી હતી, જે તે વખતે રજુઆત સબંધે પોલીસે સ્થળ પર નિરીક્ષણ કરીને વિગતો મેળવી હતી, દરમ્યાન ગત મધરાત્રીના ચુસ્ત બંદોબસ્ત સાથે ડીમોલીશન કાર્યવાહી કરવામાં આવી હતી.
**
જામનગરના કલેકટર અને એસપીના કાર્યને બિરદાવતી હિન્દુ સેના
જામનગરના એસપીના માર્ગદર્શન અને કલેક્ટરના હુકમથી સજુબા ક્ધયા શાળામાં જે કાર્યવાહી કરવામાં આવી તે પ્રશંસા લાયક છે. અનેક અફવાઓ અને  શિક્ષણમાં કાયમી બાધારુપ એવી જગ્યાનું ડીમોલેશન કરી સરકારી તંત્ર એ ફરી એક વખત કામગીરી કરી છે જે ધન્યવાદને પાત્ર છે. ઘણા સમયથી અનેક એવા પ્રશ્નોને લઈ હિન્દુ સેના આગળ વધી રહી છે, જેમાં વાસ્તવિકતા અને સત્યતા સાથે તંત્ર દ્વારા તપાસ થાય છે અને સચોટ કાર્ય પણ થતું હોય છે, આવતા સમયમાં અનેક પ્રશ્નોમાં યોગ્ય તપાસ કરી કામગીરી સરકારી તંત્ર દ્વારા થાય તેવી હિન્દુ સેના ગુજરાતના પ્રમુખ પ્રતિક ભટ્ટની એક યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application