રાજકોટની પ્રથમ એન્ટી લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ રદ કરતી હાઈકોર્ટ : પૂર્વ કોંગી કોર્પોરેટરના પતિ સાહિતનાને રાહત

  • May 08, 2021 07:08 AM 

 સરકારે એન્ટી લેન્ડ  ગ્રેબીગ અંગેનો કાયદો અમલમાં લાવ્યા બાદ રાજકોટ માં વાવડીની ખેડવાણ જમીનના મામલામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિ સામે દાખલ થયેલી સૌપ્રથમ ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે રદ કરી નાખી છે. આ ગુનામાં પૂર્વ કોર્પોરેટરના પતિની ધરપકડ પણ કરવામાં આવી હતી.

 

 

 

રાજકોટમાં રહેતા રેણુબેન યોગેન્દ્રભાઈ મહેતાએ તેઓની વાવડીમાં આવેલ રે.સ.નં. ૩૮/૩ ની ખેડવાણ જમીન જેનું ક્ષેત્રફળ એ. ૦–૩૧ ગુંઠા હતું તે જમીન તેઓના માતૃશ્રી મીનાબેન મહાસુખભાઈ પારેખએ વેચાણ દસ્તાવેજ અનુ નં. ૨૫૬૮/૭૦ થી મુળખાતેદાર જાડેજા નટુભા નારણસિંહ વિગેરે પાસેથી ખરીદ કરેલ હતી. 

 

 

 

આ ખેડવાણ જમીનમાં એ.૦–૨૧ ગુંઠા જમીન સને–૨૦૧૮ માં ડિસ્ટ્રીકટ લેન્ડ રેકર્ડની ગાણીતીક ભુલના કારણે મુળ ખાતેદારના ખાતામાં ચડેલ ન હતી. જે લેન્ડ રેકર્ડના અધિકારીએ મામલતદારને રેકર્ડમાં સુધારો કરવા રજુઆત કરેલ હતી જેથી વધતી એ.૦–૨૧ ગુંઠા જગ્યા મામલતદારે સ્વ. મીનાબેન મહાસુખભાઈ પારેખના રેવન્યુ રેકર્ડએ ઉમે૨ો ક૨તી નોંધ કરેલ હતી.

 

 

 

જે અંગે મુળખાતેદાર મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા વિગેરેએ રેવન્યુ તકરાર ઉપસ્થિત કરેલ હતી અને વધતી એ.૦–૨૧ ગુંઠા જગ્યા ઉપર કબ્જો કરવાનો પ્રયત્ન કરેલ હતો જે અંગે રેણુબેન યોગેન્દ્રભાઈ મહેતાએ રાજકોટની પ્રથમ એન્ટી લેન્ડગ્રેબીંગ હેઠળની ફરીયાદ તા.૩/૧/૨૧ ના રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી જેમાં આરોપી તરીકે મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા, કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ દોલતસિંહ જાડેજા વગેરે દર્શાવ્યા હતા.

 

 

 

આ ફરીયાદ અનુસંધાને એ.સી.પી. ગેડમે તપાસ હાથ ધરી કનકસિંહ જાડેજા તથા મહાવીરસિંહ જાડેજાની ધરપકડ કરેલ હતી અને તપાસના અંતે આ ગુન્હામાં ચાર્જશીટ કરેલ હતું અને જેમાં મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા, હકુમતસિંહ દીલીપસિંહ જાડેજા તથા રાજગોપાલસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા અને શકિતસિંહ હરદેવસિંહ જાડેજાને ભાગેડુ આરોપી તરીકે દર્શાવેલ હતા.

 

 

 

આ ગુન્હામાં મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા તથા કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા વિગેરેએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળની આ ફરીયાદ ચેલેન્જ કરેલ હતી અને જેમાં લેન્ડ ચેર્લીંગના કાયદા હેઠળનો દુરઉપયોગ થયેલ છે તેવી રજુઆતો કરેલ હતી. આ ફરીયાદ અનુસંધાને દાવાઓ થયેલ છે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રીઓ તકરારી થયેલ છે તેવી રજુઆતો કરવામાં આવેલ હતી જે અંગે નામદાર હાઈકોર્ટમાં સદરહું કવોર્સીંગ પીટીશન ચાલેલ હતી અને જેમાં ફરીયાદીએ તેમના વકીલ મારફત હાજર રહી સંમતી આપેલ હતી.

 

 

 

આ સંજોગોમાં ગુજરાત હાઈકોર્ટે  આ એન્ટી લેન્ડગ્રેબીગ હેઠળની ફરીયાદ રદ કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં વીરાટ પોપટ, ભગીરથસિંહ ડોડીયા, યુવરાજસિંહ જાડેજા, કિરીટ બી. નકુમ, હેમાંશુ પારેખ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ ચૌહાણ, જયપાલસિંહ સોલંકી એડવોકેટ તરીકે રોકાયેલ હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application