ગુજરાતી મહિલાઓને વિચારોથી બોલ્ડ બનવાની જરૂર છે, બ્રેસ્ટ કેન્સર વિશે વાત કરવાની જરૂર છે : ડો.ભાવના પરીખ

  • October 30, 2020 08:38 PM 839 views

આજના બદલતા જતા જમાના સાથે કદમ મિલાવીને ગુજરાતી મહિલાઓ પોતાને ટીપટોપ રાખવા મથે છે પણ તે વિચારોથી મોર્ડન નથી બની શકતી એ મોટી વિટંબણા છે. આમ પણ સ્ત્રી એ લજ્જાનું પ્રતિક છે અને ઘણી બધી બાબતો એવી હોય છે કે, જે સ્ત્રીઓ બીજા સાથે શેર કરતી હોતી નથી.આજકાલના બ્રેસ્ટ અવેરનેસ કેમ્પેઈન અંતર્ગત આજે આ બાબત ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.બ્રેસ્ટ કેન્સર એક એવો રોગ છે કે જે સ્ત્રીઓ બીજાને કહેતા સ્વભાવિકપણે અચકાતી હોય.આજકાલની આ ઝુંબેશનો એક હેતુ એવો પણ છે કે સ્ત્રીઓ આવી મહત્વની બાબતો કોઈનાથી છુપાવે નહી અને હિમતભેર સલાહ લઈને તેની સમયસર સારવાર કરાવે.

 

અમદાવાદના ઓન્કોસર્જન ભાવના પરીખે  આજકાલ સાથે બ્રેસ્ટ કેન્સર બાબતે મહિલાઓની સ્થિતી અને વિચારસરણી વિશે વાત કરતા અનેક બાબતો ઉપર પ્રકાશ પાડ્યો હતો. દરેક  બ્રેસ્ટ કેન્સર નિષ્ણાંતોનો એક જ સુર હતો કે બ્રેસ્ટ કેન્સરમાં આંકડાઓ ગુજરાતમાં પણ સતત ઉંચા જઈ રહ્યાં છે, ત્યારે જરૂરી છે કે ગુજરાતી સ્ત્રીઓ આ અંગે જાગૃત થાય. માત્ર મહિલાઓ જ નહીં પરંતુ રીયલ અવેરનેસ પુરુષોએ પણ બતાવવી પડશે. આજે પણ એવા પુરુષો કે પરિવારો જોવા મળે છે જે મહિલાને બ્રેસ્ટ કેન્સર કે અન્ય રોગ થવા પર મહિલાઓને જ જવાબદાર માને છે. પહેલો રિપોર્ટ લેતી વખતે પોતાની પત્ની, વહુ કે  દીકરી પર ગુસ્સો કરે છે. આથી મહિલાઓની સુરક્ષા માટે અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પુરુષોએ જ જાગૃત થવાની જરૂર છે.

 

સ્ત્રીઓ સૌરાષ્ટ્રની હોય કે ગુજરાતની, શહેરની હોય કે ગામડાની બ્રેસ્ટ કેન્સરની વાત આવે ત્યારે સવાલ કરતા આજે પણ અચકાય છે. ઘણી સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્યને લઈને સભાન થઈ છે પરંતુ તેનો રેશિયો ઘણો ઓછો છે. અને એવું બીલકુલ નથી કે  ભણેલી ગણેલી સ્ત્રીઓ આ બાબતે અવેર હોય છે ઉલટાનું તેઓ વધુ શરમાળ જોવા મળે છે. તેઓ કોઈ પણ બાબત પુછતા અચકાય છે જયારે  તેની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ તેના ઘરમાં  વાત સરળતાથી કરી શકે છે અને ઝડપથી સ્વીકારી સારવાર કરાવતી જોવા મળે છે. બ્રેસ્ટ કેન્સર માટે તપાસ કરાવવાની હોય કે બ્રેસ્ટ કેન્સરનો રિપોર્ટ  પોઝિટીવ આવે પછી ટ્રીટમેન્ટ લેવાની હોય આજે પણ મહિલાઓના સવાલ ખૂબ ઓછા હોય છે. સ્ત્રીઓ જ્યાં સુધી પોતાની માટે આગળ નહીં આવે ત્યા સુધી આ સમસ્યાનો કોઇ ઉકેલ નહીં જ આવે.

 

ડો.ભાવના પરીખે વધુમાં જણાવ્યું હતું કે, કેન્સર પેશન્ટને તેના પરિવારનું અમે બરાબર કાઉંસેલિંગ કરતા હોઇએ છીએ પરંતુ આ વાતચીત દરમિયાન સ્ત્રીઓ ઓછો રસ દાખવતી જોવા મળે છે. સ્વાભાવિક છે કે તેઓ ચિંતિત હોય. પણ એ સમયે તેને તેના વિશે વિચારવું  જોઈએ. સારવાર દરમિયાન વધુ પડતી ચિંતાથી સ્ત્રીઓના  મગજ પર પણ અસર પડે છે. આથી જો સ્ત્રીઓ સંકોચ છોડીને વાત કરતી થશે તો તેની સારવાર પણ વધુ સારી થઈ શકે છે. ઘણી વખત બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટ બાદ અમે પેશન્ટને  તેના જાતીય જીવન વિશે પુછીએ છીએ, ત્યારે સ્ત્રીઓ બહુ ઓછા જવાબ આપે છે. તેઓ સ્વીકારી લે છે કે મને આ બીમારી થઈ છે એટલે મારી ફિઝિક્લ લાઇફ  હવે ખતમ થઈ ગઈ છે . પરંતુ એવું નથી હોતું.આથી સ્ત્રીઓએ તેની માનસિકતા બદલવી જોઈએ. સ્ત્રીઓ બ્રેસ્ટ કેન્સર પછી પણ  નોર્મલ લાઇફ જીવી જ શકે છે. મોટા ભાગના કિસ્સામાં બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન તે શરીર સુખ માણતી હોતી  નથી પરંતુ તે સમયે તેને વધુ માનસિક સાથ અને હુંફની જરૂર રહે છે. સ્ત્રીઓએ મેમોગ્રાફીના ટેસ્ટથી માંડીને પોતાના જાતીય જીવન વિશે પણ ડોક્ટર સાથે મુક્તમને વાત કરવાની જરૂર છે.

 

આ બાબતે ડોકટરે વધુ વાત કરતા જણાવ્યું હતું કે જ્યારે સ્ત્રીઓને ગાંઠ જેવું લાગે છે  ત્યારે તેઓ પોતાના ઘરમાં વાતચીત કરતા ડરે છે સંકોચ અનુભવે છે. પોતાના પતિથી દૂરી બનાવતી થઈ જાય છે પરંતુ તાત્કાલિક ડોક્ટરને મળીને ચેકઅપ કરાવે એવું ઝડપથી નથી વિચારતી. સમય બદલાયો છે, ટ્રેંડ બદલાયો  છે, સ્ત્રીઓ કપડાથી ખૂબ બોલ્ડ બની છે પરંતુ જ્યારે વાત તેના શરીરની આવે છે, જ્યારે વાત બ્રેસ્ટ કે સર્વાઇકલ કેન્સરની આવે છે ત્યારે તે ખૂબ સંકુચિત થઈ જાય છે. બોલ્ડ બનવાની વાસ્તવિક જરૂર એ છે કે સ્ત્રીઓ પોતાની વાત,પોતાના દર્દની વાત કરતી થાય. અને એ માટે પરિવારનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે. આજે મારી પાસે એવી અનેક બહેનો આવે છે કે જેની પાસે બ્રેસ્ટ કેન્સરને લઈને ખોટી માન્યતાઓ જ હોય છે. બ્રેસ્ટ કેન્સર એટલે મૃત્યુ જ, બ્રેસ્ટ કેન્સર થાય એટલે સ્ત્રી પોતાનું સ્ત્રીત્વ ગુમાવી દે છે. ફલાણા કપડા પહેરવાથી કે ફલાણી વસ્તુઓ ખાવાથી બ્રેસ્ટ કેન્સર થાય. અમુક દવાઓ લેવાથી સારુ થઈ જાય છે. કિમોથેરાપી તો લેવાય જ નહીં. આવી અનેક માન્યતાઓથી ભ્રમિત  મહિલાઓ  સાચો નિર્ણય લઈ શકતી નથી અને મનમાં મુંઝાય છે. જો એ આવા સવાલો વિશે ડોકટર સાથે મુક્ત મને વિચારતી થશે તો ચોક્કસપ પણે આપણે બ્રેસ્ટ કેન્સરનના વધતા આંકડાઓ ઓછા કરી શકીશું. અને સ્ત્રી વહેલી નિદાન  કરાવતી થશે તો બ્રેસ્ટ કેન્સરથી થતા મૃત્યુઆંકમાં પણ ઘટાડો કરવામાં સફળ રહીશું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application