આજકાલ કેમ્પેઈન : કેન્સરના દર્દીઓના જખમ ઉપર લાગણીનો મલમ એટલે પેલિએટિવ કેર

  • October 29, 2020 11:45 AM 307 views

વ્યક્તિને થતી શારીરિક કે માનસિક પીડામાં જો કોઈ લાગણીનો મલમ લગાડી આપે તો પણ ઘણી રાહત પહોચતી હોય છે. કેટલાક સંજોગોમાં ગંભીર રોગ હોય તેવા દર્દીઓને ડોકટરો પણ એક તબક્કે ભગવાનના ભરોસે છોડી દેતા હોય છે ત્યારે આવા દર્દીઓને જો ખાસ પ્રકારની સંભાળ રાખવામાં આવે તો તેના સારા પરિણામો પ્રાપ્ત થઇ શકે છે. આ વાત સાબિત પણ થઇ ચુકી છે. આજકાલ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કેમ્પેઈન અંતર્ગત આજે એક ખાસ પ્રકારની સાર-સંભાળની વાત કરવામાં આવી છે. આ સાર-સંભાળ એટલે પેલિએટિવ કેર.પશ્ચિમી દેશોમાં આ પધ્ધતિ ઘણી પ્રચલિત છે અને આપણા માટે આનંદની વાત એ છે કે, ભારતમાં પણ આ પધ્ધતિ ડેવલપ થઇ રહી છે.

 

પેલિએટિવ કેર એટલે દર્દીની તકલીફોની સંભાળ. ખાસ કરીને આ શબ્દો રોગના એડવાન્સ તબક્કા માટે વપરાય છે, પરંતુ દરેક સ્ટેજના દર્દીમાં આ સંભાળ અગત્યની છે. શરૂઆતના તબક્કામાં દર્દીના જે મુખ્ય ડૉક્ટરછે તેઓ સામાન્યપણે આ તકલીફો (દુ:ખાવો, ઝાડા, ઉલ્ટી)ની સંભાળ ઘણા ખરા અંશે લેતા જ હોય છે, પરંતુ જ્યારે મુખ્ય ડોક્ટર હાથ ઉંચા કરી દે ત્યારે શું? કેન્સરની તમામ પધ્ધતિઓ નિષ્ફળ ગઈ હોય તેવા સંજોગોમાં દર્દીનું શું? આ સવાલનો જવાબ મેડિકલ કોલેજમાં સામાન્ય રીતે શીખવવામાં નથી આવતો, પરંતુ દર્દી અને તેના પરિવાર માટે ખૂબ અગત્યની વાત છે આ.

 

ઘણીવાર એવું પણ થાય કે ત્રીજા, ચોથા સ્ટેજના દર્દી ઘણા પીડિત હોય. કોઈ જાણીતી સારવાર ચાલુ હોય,બધા શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય, પરંતુ કેન્સર કાબુમાં ન આવે ત્યાંસુધી એ તકલીફોનું શું? ક્યાં સુધી દર્દીને રાહ જોવાની? દુ;ખાવો, ખાંસી. ઉલ્ટી ક્યા સુધી સહન કરવાની? જાય ત્યા સુધી પીડા જ વેઠવાની? આવા પ્રશ્નો અનેક કેન્સર દર્દીઓ અને ક્યારેક અન્ય રોગોમાં પણ લાગું પડે છે. સદભાગ્યે આ તકલીફોને વૈજ્ઞાનિક રીતે અને ચોક્કસ પ્લાનિંગ સાથે ઉકેલવાની કે કાબુમાં લેવાની તબીબી શાખા એટલે પોલિએટિવ કેર. જે મોટાભાગનાં વાંચકો માટે અજાણી હશે પરંતુ હવે ધીમે ધીમે ભારતમાં વિકસી રહી છે. અમેરિકા અને અન્ય દેશોમાં અન્ય શાખાઓની જેમ, આ શાખામાં પણ ઔપચારિક તાલીમ મેળવી શકાય છે અને એમડી સુધીની ડિગ્રી મળે છે.

 

વિકસીત દેશોમાં અને ભારાતમાં મેટ્રો સિટીમાં ખૂબ મોટી હોસ્પિટલોમાં આ માટે એક ચોક્કસ વિભાગ હોય છે અથવા કેન્દ્ર હોય છે જેને હોસ્પાઇસ સેન્ટર અથવા પેલિએટિવ કેન્દ્ર કહે છે. તે ઉપરાંત ડોક્ટરો હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ,આ ઉપરાંત  પેશન્ટ અને ઘરે રહેલા દર્દીઓને પણ આ પ્રકારની સંભાળ આપે છે. આજે ભારતમાં મોટા ભાગના આવા દર્દીઓ મૃત્યુ સુધી પીડાતા હોય છે. કારણકે સારવાર કરતાં ઓન્કોલોજીસ્ટ, ફેમિલી ડોક્ટર,નર્સ વગેરે આ પ્રકારની સંભાળ માટે પુરતી તાલિમ કે જાણકારી ધરાવતા નથી. લગભગ ડોક્ટર પેશન્ટના અંતિમ સમયે એમ જ કહે છે કે ઘરે લઈ જાઓ અને સારવાર કરો. આ દયનીય પરિસ્થિતિમાં દર્દીઓ કેટલાંક અઠવાડિયાથી  લઈને મહિનાઓ સુધી ક્યારેક તો પીડામાં વર્ષો કાઢી નાંખે છે. જે પીડામાંથી પસાર થાય છે એ કુંટુંબ પર અને મિત્રોના મન પર પણ ઘણા ઘા મુકી જાય છે. આખી જિંદગી તેઓ મુક પણે સહન કરતા રહે છે અને અપરાધભાવ અનુભવે છે. પરિણામે કેન્સર એટલે રીબાવવું એવો સંદેશ આપવા પ્રેરાય છે.

 

આ કેર માટે આપણે માત્ર બ્રેસ્ટ કેન્સરની વાત નહીં કરતા તમામ કેન્સરની વાત કરીશું. કારણકે કેન્સર કોઈ પણ અંગનું હોય પીડા સરખી જ થાય છે. આથી પેલિએટિવ કેરમાં તમામ પ્રકારના કેન્સર અને જટીલ રોગોની સારવાર થતી હોય છે. એ માટે જરૂરી છે પેલિએટિવ કેરના સિધ્ધાંતો સમજવા.   

પોલિએટિવ કેરના કેટલાંક સિધ્ધાંતો છે જે દરેક માટે સારવાર આપવામાં આવે છે.

અસહ્ય દુ:ખાવો જે સામાન્ય પેઈનકિલરથી મોટે ભાગે કાબુમાં ના આવે. સતત ખાંસી, ઉલ્ટી, ઝાડા, ફુટી ગયેલી કેન્સરની ગાંઠ જેમાંથી પરુ કે લોહી આવે, ચોખ્ખાઈ ન રખાય તો આ ગાંઠ કે ઘામાં જીવડા પડે છે. ખોરાક ગળવામાં તકલીફ, ભૂખ ન લાગવી, અસહ્ય થાક, અશક્તિ, વજન ઉતરતું જાય, તાવ, લોહી પડવું, દુર્ગંધ, ઝાડો પેશાબ કાબુમાં ન રહેવો, લકવો, ઉંઘ ન આવવી, શ્વાસ ચઢવો, ખૂબ કબજિયાત, પેશાબ અટકી જવો વગેરે જેવી તકલીફોની સારવાર પેલિએટિવ કેરમાં આપવામાં આવે છે.

 

કેન્સરના દર્દીના શારીરિક તકલીફ સાથે સાથે માનસિક તકલીફ પણ ઘણી હોય છે. વિશેષ રીતે સગાં-વ્હાલા કે સમાજ દ્વારા તરછોડી દેવાય, કેન્સરને ચેપી ગણીને એમની પાસે ન આવે, દર્દી ઘણી વખત એ જ વાતથી વધુ ડિપ્રેશનમાં આવી જાય છે કે મારા પછી મારા પતિ/પત્ની, બાળકો અને પરિવારનું શું થશે, છેલ્લી ક્ષણોમાં વધુ રીબાવવાની ચિંતા હોય, બીમારીના કારણે દર્દીઓ એટલી હદે થાકી જતા હોય છે કે તેઓ વિચારે છે કે મારે જ આ કેમ ભોગવવાનું?, દર્દીને પરવશ થવાની ચિંતા વધી જાય છે. આવા અનેક માનસિક સંતાપમાં પેલિએટિવ કેર મદદરૂપ થાય છે.

 

પેલિએટિવ કેરમાં આવી શારીરિક ઉપરાંત માનસિક, આર્થિક અને આધ્યાત્મિક ચિંતાઓ ઉકેલ લાવવાનાં પ્રયત્નો કરવામાં આવે છે કારણકે પેલિએટિવ કેર માને છે કે આ બધું જોડાયેલું છે અને માત્ર દવાઓ તેનો ઉકેલ નથી. માટે જ કાઉંન્સલિંગ પર ભાર મુકવામાં આવે છે. અને દવા સાથે શાબ્દિક હુંફ આપવામાં આવે છે. અન્ય તબીબીશાખાની માફક જ શરૂઆતમાં દર્દીની સંપૂર્ણ તબીબી માહિતી, શારીરિક તપાસ વગેરે કરવામાં આવે છે. ઉપરાંત શારીરિક સિવાયના અન્ય પાસાની વિગતો લેવામાં આવે છે.

 

દર્દીને એક વ્યક્તિ તરીકે જોવામાં આવે છે નહીં કે કેન્સર પેશન્ટ  તરીકે. પેલિએટિવ કેરના સ્ટાફને આ માટે વિશેષ તાલીમ આપવામાં આવે છે. જાતજાતના બ્લડ ટેસ્ટ, સોનોગ્રાફી, સીટી સ્કેન વગેરે પર ખૂબ ઓછો ભાર મુકાય છે. મોરફીન વગેરે ખાસ પ્રકારની પેઈનકિલર દવાઓ યોગ્ય ડોઝમાં આપવામાં આવે છે. (મોરફીન વિશે આપણે ત્યાં ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે.) પેલિએટિવ કેરમાં દર્દીને તેની તાસીરને અનુરૂપ પોષ્ટિક આહાર આપવામાં આવે છે. ચોક્કસ  વૈજ્ઞાનિક જ્ઞાન, કાઉન્સેલિંગ અને અનુકંપા દર્દીને અત્યંત દુ:ખી વ્યક્તિમાંથી કેવી રીતે આનંદી અને હસમુખા માણસમાં પરિવર્તિત કરી શકે છે અને તે પણ ખૂબ ઓછા દિવસોમાં એ એક આશ્ચર્ય સમાન રહે છે.

 

ભારતમાં મોટા ભાગના આવાં કેન્દ્ર સંપૂર્ણપણે નિશુ:લ્ક સારવાર આપે છે. Completely free care. ઉદાહરણ જોઈએ તો કરૂણાલય. www.shyamon cologyfoundation.org  પર વધુ માહિતી મળી રહેશે. ઉપરાંત અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં પણ આવું કેન્દ્ર ચાલે છે અને ત્યા સ્ટાફને વિશેષ તાલીમ પણ આપવામાં આવે છે. આ શાખાનો સૌથી વધુ વિકાસ ભારતમાં ડો.રાજગોપાલના વડપણ હેઠળ કેરળમાં થયો છે. Pallium india.org પર તેની વધુ વિગત મળશે. પેલિએટિવ કેરનો એક જ સિધ્ધાત છે કે કેન્સરના દર્દીને ઓછામાં ઓછી તકલીફ પડે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application