દરેક નાગરિકે જાણવા જેવી વાત : કોરોના કાળમાં રાજયમાં સરકારે પ્રજા માટે લીધેલા મહત્વના નિર્ણય : કોરોના દર્દીને લાભ આપતા તમામ નિયમોની જાણકારી એક ક્લિક ઉપર

  • April 20, 2021 06:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે કોરોના સામે લડવા માટે કેટલાક પ્રજાલક્ષી નિર્ણય લીધા છે. જેમાં મા કાર્ડ અને આયુષમાન યોજના હેઠળ કોરોનાના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર મેળવી શકશે. ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને દર્દીઓને ઓક્સીજનની સુવિધા પુરી પાડવા માટે રાજ્યની ૧૧ હોસ્પિટલોમાં PSA મેડીકલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ સ્થાપવાનું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરંત ગુજરાતની ૨૬ શૈક્ષણિક સંસ્થામાં RTPCR ટેસ્ટ કરવાનું આયોજન બનાવવામાં આવ્યું છે.  રાજ્ય સરકાર તાત્કાલિક 150 નવી એમ્બ્યુલન્સ ખરીદી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

 

 

રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે કોરોનાના દર્દીઓના ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે તેમાં ટેસ્ટીંગના દરોમાં નાગરિકોને ફાયદો થાય તે માટે કોરોના ટેસ્ટીંગના ભાવમાં ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જે અંતર્ગત હોસ્પિટલમાંથી અથવા દર્દીના ઘરે જઇને જે સેમ્પલ લેવામાં આવે છે તેનો ચાર્જ અત્યારે રૂ. ૧૧૦૦ છે તેમાં રૂ.૨૦૦ નો ઘટાડો કરી રૂ.૯૦૦ અને લેબોરેટરીમાં જે ટેસ્ટીંગ કરવામાં આવે છે. તેનો ચાર્જ અત્યારે રૂ.૮૦૦ છે તેમાં રૂ.૧૦૦નો ઘટાડો કરી રૂ.૭૦૦ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ ઘટાડાના નિર્ણય તા.૨૦.૦૪.૨૦૨૧ થી રાજ્યની તમામ ખાનગી લેબોરેટરીઓએ અમલ કરવાનો સરકારે આદેશ આપ્યો છે.

 

 

કોરોનાના દર્દીઓને ઓક્સીજનની સવલતો સત્વરે મળી રહે તે માટે મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર હસ્તકની ૧૧ હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓની સારવાર માટે PSA મેડીકલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ સ્થાપિત કરવાનો પણ નિર્ણય કર્યો છે જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ૨૦૦૦ એલ.પી.એમ. તથા સોલા જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ અને વડોદરાની ગોત્રી જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ ખાતે ૧૨૦૦ એલ.પી.એમ. તેમજ પાટણની ધારપુર જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, જુનાગઢની જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, બોટાદ, લુણાવાડા, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર અને વેરાવળ ખાતે ૭૦૦ એલ.પી.એમ. ની ક્ષમતા ધરાવતાં મેડીકલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ પ્રસ્થાપિત કરવાનું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે કોરોનાના દર્દીઓને ઓક્સીજનની સુવિધા મળતાં મહામુલી જીંદગી બચાવી શકાશે.  

 

 

કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી ૩૦મી જૂન-૨૦૨૧ સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા.૩૧.૦૩.૨૦૨૧ ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે.

 

 

રાજ્યમાં RTPCR ટેસ્ટની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા ૨૬ શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટની વ્યવસ્થા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી લેબોરેટરીની સુવિધાઓ ધરાવતા આ શૈક્ષણિક સંસ્થાનોમાં RTPCR  ટેસ્ટ શરૂ કરાશે. રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગમાં આ સુવિધા શરૂ કરવામાં આવનાર છે. આ સિવાય જૂનાગઢ ખાતે કૃષિ યુનિવર્સિટીમાં, ભાવનગરમાં CSMCRI ખાતે અને જામનગરમાં આયુર્વેદ યુનિવર્સીટીમાં આ સુવિધા શરૂ થશે.

 

રાજ્યભરમાં કોરોના સંદર્ભે ગુજરાત રાજ્યની સરકારી લેબોરેટરી દ્વારા RT-PCR તથા એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યાં છે તા.૧૮.૦૪.૨૦૨૧ ના રોજ RT-PCR ના ૭૩,૭૧૧, એન્ટીજનના ૯૨,૦૦૦ ટેસ્ટ મળી કુલ-૧,૬૫,૭૧૧ જ્યારે અત્યાર સુધીમાં RT-PCR ના ૪૦,૯૯,૫૭૮ અને એન્ટીજનના ટેસ્ટ ૧,૧૯,૧૬,૯૨૭ મળી કુલ - ૧,૬૦,૧૬,૫૦૫ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

 

 

કોરોનાના આ કપરા સમયમાં રાજ્ય સરકાર તાત્કાલિક 150 નવી એમ્બ્યુલન્સ ખરીદીને દર્દીઓની સેવામાં વધારો કરશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક મળી જાય તે માટે કંપની સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને એક અઠવાડિયામાં નવી 150 એમ્બ્યુલન્સ કોરોના સામેના યુદ્ધમાં આરોગ્ય તંત્રના કાફલામાં જોડાઇ જાય એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS