ખંભાળિયા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ખાતુ ખુલવા સામે પણ પ્રશ્નાર્થ

  • March 01, 2021 10:30 AM 

ખંભાળિયાના રાજકીય માંધાતા દિનેશ દત્તાણી દ્વારા તમામ વિપક્ષોના સૂપડા સાફ થવા અંગેનું પૂર્વાનુમાન

સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણમાં અતિ મહત્વની, પડકારરૂપ, તથા ભારે ઇંતેજારીપૂર્ણ બની રહેલી ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આખરે ગઈકાલે મતદાન પૂર્ણ થયું છે. એકંદરે શાંતિપૂર્ણ આ રીતે સંપન્ન થયેલા મતદાન બાદ શહેરના રાજકીય વિશ્લેષકો દ્વારા પોત-પોતાના પ્રતિભાવો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. આ ચૂંટણીમાં ખંભાળિયા નગરપાલિકામાં ભાજપને નોંધપાત્ર લીડ મળે તથા અન્ય ઉમેદવારો સાવ હાંસિયામાં ધકેલાઇ જાય તેવી પરિસ્થિતિ હોવાનો પ્રતિભાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમિત શાહ ગણાતા દિનેશભાઈ દત્તાણીએ વ્યક્ત કર્યો છે.

ગઈકાલે સંપન્ન થયેલા ખંભાળિયા નગરપાલિકાના મતદાન બાદ આ ચૂંટણીમાં પ્રારંભથી અંત સુધી ગળાડૂબ રહી, નોંધપાત્ર જહેમત ઉઠાવનારા જિલ્લા ભાજપના તત્કાલીન મહામંત્રી તથા પૂર્વ પાલિકા પ્રમુખ દિનેશભાઈ દત્તાણીએ મતદાનના અંકોડા મેળવી, ખંભાળિયા નગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય ઉપરાંત કોંગ્રેસ દ્વારા એકાદ સીટથી ખાતુ ખુલશે કે કેમ તે આ બાબતની પણ આશંકા વ્યક્ત કરી, વિપક્ષ તથા અન્ય ઉમેદવારોના સુપડા સાફ થઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણમાં તજજ્ઞ તથા માંધાતા ગણાતા દિનેશભાઈ દત્તાણીએ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી તેમજ નેતાઓ-કાર્યકરોની જહેમતને પણ શ્રેય આપી, આવતીકાલે મતદાનના પરિણામોના આંકડામાં ખંભાળિયા નગરપાલિકામાં ભાજપ એક અતૂટ અને ઉગતા સુરજ સમાન ઉભરી આવશે તેમ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS