રાજકોટ સિવિલ હોસ્પિટલનો મેડિકલ ઓફિસર નશાની હાલતમાં ઝડપાયો

  • February 07, 2023 07:35 PM 


રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વખતે તો તમામ હદો પાર કરી છે ડોકટરે. હોસ્પિટલમા કામ કરતા ડોક્ટર હોસ્પિટલમાં દારૂ પીને દર્દીઓની સારવાર કરતા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર ફરજ દરમિયાન દારૂ પીતો હતો. અને નશાખોર હાલતમાં દર્દીઓની સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે જાગૃત નાગરિકે જાણ કરતા ક્રાઈમ બ્રાન્ચે આરોપી ડોક્ટરને દારૂની બોટલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સિવિલ અધિક્ષકે તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 


 મળતી માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલમાં જાગૃત નાગરિક દ્વારા પોલીસને સાથે રાખી ડો. સાહિલ ખોખરને તેની ડ્યૂટી દરમિયાન દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. ડોક્ટર રૂમમાં કબાટના ખાનામાંથી દારૂનો જથ્થો પણ મળી આવતા તબીબનો ભાંડો ફૂટી ગયો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમેં દારોડો પાડ્યો ત્યારે જ  ડો.સાહિલ ખોખર ઇમર્જન્સી રૂમની બહાર કાચની કેબિનમાં એક નર્સ સાથે બેઠો હતો, ડો.ખોખરને ક્રાઇમ બ્રાંચની ટીમે પોતાની ઓળખ આપી તેનું માસ્ક હટાવતાં જ ડોક્ટર ખોખર નશાખોર હાલતમાં હોવાની શંકા દૃઢ બની હતી, અને ડો. ખોખરને કેસબારીની સામે આવેલા ડોક્ટર રૂમમાં લઇ જવાયો હતો. 
​​​​​​​

બાદમાં લાકડાંના કબાટમાં ડોક્ટરનું લોકર ખોલાવતાં પાણીની બોટલમાં દારૂ ભરેલો મળ્યો હતો. ડો.ખોખર ચારેક વર્ષથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરારી ડોક્ટર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે, ડો.ખોખર જ્યારે પણ ફરજ પર હોય ત્યારે ડોક્ટર રૂમમાં જઇને દારૂ પીતો અને ફરી ઇમર્જન્સી રૂમમાં આવી જતો હતો. અને નશો કરેલો હોય ત્યારે પણ મહિલા દર્દી આવે તો તેને તપાસતો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application