નારગોલ બંદરને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવાશેઃCM

  • June 23, 2021 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપી સૈદ્ધાંતિક મંજુરી
.......

    ગ્લોબલ બિડીંગ પ્રોસેસ દ્વારા પારદર્શી અને ફ્લેક્સીબલ પ્રક્રિયાથી પોર્ટ ડેવલપરની પસંદગી થશે

    પીપીપી મોડલ પર BOOT (બિલ્ડ, ઑન, ઓપરેટ, ટ્રાન્સફર) ધોરણે વિકસાવાશે નારગોલ પોર્ટ 

    પોર્ટ ડેવલપમેન્ટ માટે ૩૦ વર્ષના બદલે ૫૦ વર્ષનો BOOT પિરીયડ રાખવાનો ગુજરાત સરકારનો ઉદ્યોગ-સાનુકૂળ ઉદાહરણીય અભિગમ 

    પ્રથમ ફેઝમાં અંદાજે રૂ. ૩૮૦૦ કરોડના સંભવિત રોકાણ સાથે નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટ મલ્ટી ફંકશનર પોર્ટ બનશે 

    ૪૦ મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા વિકસાવવાનું આયોજન

    નારગોલ આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉદ્યોગગૃહોના દરિયાઈ વેપાર માટે મહત્વનું પોર્ટ બની રહેશે
......
    

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વલસાડ જિલ્લાના નારગોલને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવાની સૈદ્ધાંતિક મંજુરી આપી છે. 
આ પોર્ટને પીપીપી મોડલ પર BOOT (બિલ્ડ, ઑન, ઓપરેટ, ટ્રાન્સફર) ધોરણે વિકસાવાશે, જે માટે ગ્લોબલ બિડીંગ પ્રોસેસ દ્વારા પારદર્શી અને ફ્લેક્સીબલ પ્રક્રિયાથી પોર્ટ ડેવલપરની પસંદગી કરવામાં આવશે. 
     મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં પોર્ટ લેડ ડેવલપમેન્ટ અન્વયે આવા મોટા પ્રોજેકટના કિસ્સામાં પ્રોજેકટ કાર્યરત થવામાં લાગતા લાંબા સમયને ધ્યાને રાખીને નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટ ડેવલપમેન્ટ માટે ૩૦ને બદલે પ૦ વર્ષનો BOOT પિરિયડ રાખવાનો ઊદ્યોગ સાનૂકુલ અભિગમ અપનાવ્યો છે
ગુજરાત સરકારના આ અભિગમને પરિણામે વર્લ્ડકલાસ ડેવલપર્સ પણ આ પોર્ટ ડેવલપમેન્ટ માટેના બિડીંગ પ્રોસેસમાં આકર્ષિત થશે તેવી સંભાવનાઓ પણ છે. 
નારગોલ ગ્રિનફિલ્ડ પોર્ટમાં પ્રથમ ફેઇઝમાં રૂ. ૩૮૦૦ કરોડના સંભવિત રોકાણ સાથે આ પોર્ટ મલ્ટીફંકશનલ પોર્ટ તરીકે કાર્યરત થશે અને સોલીડ, લીકવીડ તેમજ કન્ટેઇનર કાર્ગો હેન્ડલીંગ માટે સક્ષમ બનશે 
આ પ્રથમ ફેઇઝમાં અંદાજે ૪૦ મિલીયન ટન કાર્ગો હેન્ડલીંગ ક્ષમતા આ પોર્ટ પર વિકસાવવાનું આયોજન છે. 
નારગોલ પોર્ટ(બંદર) દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર (DMIC) અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર-ડી.એફ.આઇ.સી. ના રૂટ પરનું એક વ્યૂહાત્મક પોર્ટ છે તેનો લાભ પણ લાંબાગાળે આ ગ્રીનફિલ્ડ પોર્ટને મળશે. 
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરના કેચમેન્ટ વિસ્તારનો ૩૮ ટકા ગુજરાતમાં આવે છે. દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર DMICથી રાજ્યનો ૬ર ટકા વિસ્તાર લાભાન્વિત થવાનો છે ત્યારે આ ગ્રીનફિલ્ડ પોર્ટની સુવિધાઓનો વિકાસ થતાં આ પ્રોજેકટસના પરિણામે ઉભી થનારી કાર્ગો પરિવહન સંભાવનાઓ અને બંદર કાર્ગો પરિવહનની વધારાની માંગ સંતોષી શકાશે. 
આના પરિણામે દેશના કાર્ગો પરિવહનમાં ગુજરાતનો હાલનો ૪૦ ટકાનો શેર છે તેમાં પણ ઉત્તરોત્તર વધારો થશે.  
કેમિકલ અને ટેક્સ્ટાઈલ ક્ષેત્રની અનેક મોટી કંપનીઓના એકમ આ વિસ્તારમાં આવેલા છે તેમજ વાપી અને પારડી બે મહત્વના ઔદ્યોગિક ક્ષેત્રોના પરિણામે આ પોર્ટના વિકાસ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે. દક્ષિણ ગુજરાતમાં આવેલી પેપર અને સુગર મિલ્સના લીધે નારગોલ માટે આયાત-નિકાસનો ટ્રાફિક હેન્ડલ કરવાની વધારાની તકો પણ ઉભી થશે.       


વર્ષ ૨૦૨૫ સુધીમાં મુંબઈના જવાહરલાલ નહેરું પોર્ટની કન્ટેઈનર હેન્ડલિંગ કેપેસિટીનો પૂર્ણ ઉપયોગ થઈ જવાની સંભાવના છે, પરિણામે આ નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટ  દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉદ્યોગગૃહોની દરિયાઈ વેપારની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે તેવા વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ ગ્રીનફિલ્ડ પોર્ટ ડેવલપ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS