બ્રેસ્ટ કેન્સર વિશે માહિતી મેળવવા ગૂગલ જરૂર કરો પરંતુ જાતે ડોક્ટર બનો નહીં : ડો.નીતિન ટૉલીયા

  • October 28, 2020 07:32 PM 467 views

કોઈ સામાન્ય દુખાવો હોયઃ અને ડોક્ટર બાયોપ્સી કરાવવાની સલાહ આપ્યા પછી રીપોર્ટ આવે ત્યારે કહે કે તમને કેન્સર છે ત્યારે કાનમાં કોઈએ બોમ્બ ફોડ્યો હોય તેવી લાગણી થઇ જાય તે સ્વભાવિક છે.કોઈ પણ દર્દી માટે અને ખાસ કરીને જયારે સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર છે એવી ખબર પડે ત્યારે તે સહન કરવું પીડાદાયક બની જાય છે. ઘણી વખત કેન્સરની જાણ થયા પછી દર્દીઓ અને તેમના પરિવારજનો જાતે જ ડોક્ટર બનીને જાત જાતના નુસખા અજમાવવાનો પ્રયાસ કરતા હોય છે. આવા લોકોને સાવધ કરતા રાજકોટના કેન્સર નિષ્ણાત ડો.નીતિન ટોલિયાએ કહ્યું છે કે,  મોટાભાગના દર્દીઓ સારવાર પહેલા કેન્સર વિશે તમામ માહિતી મેળવવા માટે મથામણ કરે છે.

 

ડો નિતીન ટોલીયા માને છે કે, આજની યુવાપેઢી ઈન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ કરે છે. આ ઉપયોગ ખોટો છે એવું છે જ નહીં,અને દર્દીએ માહિતી મેળવવી એ બાબત પણ ખૂબ સારી છે પરંતુ એ અધકચરી માહિતીથી દર્દી અને તેનો પરિવાર પોતાને ડોક્ટર સમજવા લાગે છે. ઘણી વખત કિમોથેરાપીના કે રેડીયેશનના ડોઝ ડોક્ટરની સલાહ વિના જ બંધ કરી દે છે અથવા કેન્સરની સારવારથી થયેલી આડઅસરને દૂર કરવા માટે ઘરગથ્થુ ઉપચાર ઈન્ટરનેટ પરથી જોઈને શરૂ કરે છે. જે અત્યંત જોખમી સાબિત થાય છે.

 

આજકાલ દ્વારા ચાલી રહેલા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કેમ્પેઈન અંતર્ગત પોતાના અનુભવોનો નીચોડ આપતા ડો. .નીતિન  ટોલીયાએ કહ્યું હતું કે હું 19 વર્ષથી લઈને 96 વર્ષના માજીની બ્રેસ્ટ કેન્સરની સારવાર કરી ચુક્યો છું. સ્ત્રી અને પુરુષો બંનેના હજારો ઓપરેશન કર્યા છે, નાનકડા ગામડાથી લઈને મેટ્રો શહેરોમાં વસતી અત્યંત ડિજિટલ પ્રજાની સારવાર કરી છે. તેમાં સૌથી ખરાબ વાત મે નોંધી હોય તો એ છે કે લોકો ઈન્ટરનેટ પરથી બ્રેસ્ટ કેન્સરની માહિતી મેળવીને પોતે જાતે ડોક્ટર બની જાય છે. આવા અનેક કિસ્સાઓમાં સારવાર નિષ્ફળ ગઈ છે. કારણકે આપણે દર્દીને તેની તાસીરની જાણ હોતી નથી. એના દર્દની ગંભીરતા સમજ્યા વિના જ ટ્રીટમેન્ટ અધુરી છોડે છે અને પછી કેન્સર બીજી વાર થાય છે અથવા વધી જાય છે અને સારવાર અશક્ય બની જાય છે. અમે ઈચ્છીને પણ મોડા થયેલ પેશન્ટને બચાવી શકતા નથી. અહિ દર્દી આવે અને તેનો રિપોર્ટ પોઝિટીવ આવે ત્યારે અમે સાંત્વનાથી  લઈને સારવારની તમામ માહિતી આપીએ છીએ. આથી દર્દીએ એક વાત સમજવી જ પડે કે આ બ્રેસ્ટ કેન્સર છે. કોઈ સામાન્ય શરદી નથી કે બે દિવસમાં મટી જશે.

 

બ્રેસ્ટ કેન્સરને ક્યોર કરવા માટે જરૂરી છે સપોર્ટ, સમય અને સાયન્ટિફીક ટ્રીટમેન્ટ. કેન્સરની સારવાર અમે ક્યારેય એકલા નથી કરતા. વિશ્વના કોઈ પણ ડોક્ટર હશે એ બ્રેસ્ટ કેન્સરની સારવાર એક ટીમ સાથે જ કરશે. કારણકે બ્રેસ્ટ કેન્સરની સારવાર જુદા જુદા તબક્કામાં થાય છે. સૌથી પહેલા બ્રેસ્ટ કેન્સરનું નિદાન થાય, ત્યારબાદ પેશન્ટ અને તેનાપરિવારની  શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આર્થિક સ્થિતિ અનુસાર કેન્સરની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે. દર્દીના નિદાન બાદ તેનું કાઉંસેલિંગ, ઓપરેશન, કિમોથેરાપી, રેડીયેશનથેરાપી, કેટલાક કિસ્સાઓમાં હોર્મોન થેરાપી અને અને ક્યારેક બ્રેસ્ટ રીકન્સ્ટૃકશન  સર્જરી. એક દર્દીને સ્વસ્થ બનાવવા જ્યારે આખી વેલ ટ્રેઈન્ડ ટીમ કામ કરતી હોય ત્યારે દર્દી માત્ર ગૂગલ પર બે ચાર વાતો જાણીને ડોક્ટર બનીને  પોતાનો જીવ જોખમમાં મુકે છે. બ્રેસ્ટ કેન્સર પેઈન ફ્રી હોય છે આથી નાનામાં નાની ગાંઠની શંકા  હોય તો પણ નિષ્ણાંત પાસે ચેકઅપ કરાવવું જોઇએ.

 

બ્રેસ્ટ કેન્સરની સારવાર એ તો યજ્ઞ સમાન છે. તેમાં ડોક્ટર અને દર્દી બંનેએ યોગ્ય સારવાર, ધીરજ અને કાળજીની આહુતિ વર્ષો સુધી હોમવી પડે છે. રાતોરાત કોઈ ચમત્કાર  થતા નથી કે બ્રેસ્ટ કેન્સર ક્યોર થઈ જાય. બ્રેસ્ટ કેન્સર વિવિધ તબક્કામાં ગ્રો થાય છે. કેટલાક બ્રેસ્ટ કેન્સર પહેલા સ્ટેજમાં જોખમી હોય છે જ્યારે કેટલાક કેન્સર ચોથા સ્ટેજમાં પણ ખૂબ માઈલ્ડ હોય છે અને તેના કારણે ચોથા સ્ટેજવાળાને આપણે બચાવી શકીએ છીએ. અનેક દર્દીઓમાં જોવા મળે છે કે તેઓ કેન્સરની જાણ થયા બાદ બે ચાર મહિના જેટલો સમય વિચારમાં જ કાઢે છે  અને એ સમયમાં કેન્સર ખૂબ ફેલાય જાય છે. જ્યારે કેટલાક કિસ્સામાં છ મહિને પણ કેન્સર થોડું  ફેલાયુ હોય છે.

 

આથી જેમ માણસના સ્વભાવ જુદા હોય એમ કેન્સરના સ્વભાવ પણ જુદા જુદા હોય છે આથી એક દર્દીની ટ્રીટમેન્ટ બીજા દર્દીને લાગુ પડતી નથી. બ્રેસ્ટ કેન્સરને ક્યોર કરવા માટે સારામાં સારું પરિણામ મેળવવા માટે પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ સૌથી ઉત્તમ ગણાય છે. તેમાં વ્યક્તિનો અભ્યાસ કરીને એક નિષ્ણાંતોની ટીમ કામ કરે છે. જેમાં ઘણીવાર પ્લાસ્ટીક સર્જન થી લઈને આયુર્વેદ અને હોમિયોપેથીક નિષ્ણાંતનો સમાવેશ પણ કરવામાં આવે છે કારણકે કેન્સરની સારવારમાં કિમોથેરાપી અને રેડીયેશન ટ્રીટમેન્ટ દરમિયાન દર્દીને થયેલ આડઅસરોના ઉપચાર માટે આયુર્વેદનો કે હોમિયોપેથીનો સહારો લેવામાં આવે છે પરંતુ તેનો અર્થ એ નથી કે માત્ર આયુર્વેદ અને હોમિયોપેથીના સહારે જ કેન્સરનો ઈલાજ શક્ય છે. તે માત્ર એક નાનકડા રોલમાં હોય છે. કેન્સરની ઝડપી સારવાર માટે વૈજ્ઞાનિક ઢબથી ચાલતી એલોપથી ટ્રીટમેન્ટ અનિવાર્ય છે.

 

જ્યારે ડોક્ટર્સ આટલી બાબતોનું ધ્યાન રાખતા હોય ત્યારે દર્દીઓએ પણ પોતે ડોક્ટર ક્યારેય બનવું જોઇએ નહીં. એક ડૉક્ટરની સારવાર અધુરી મુકીને બીજા ડોક્ટર પાસે અધુરી સારવાર લેવાથી પણ જોખમ વધી જાય છે. બ્રેસ્ટ કેન્સર વારસાગત હોવાથી અને પાછો ઉથલો મારવાની શકયા વધુ હોવાથી તેની દેખરેખ વર્ષો સુધી જરૂરી છે. આથી બ્રેસ્ટ કેન્સરની ઉત્તમ સારવાર માટે પર્સનલાઈઝ  ટ્રીટમેન્ટ ઉત્તમ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application