પડધરીના થોરિયાળી ગામે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો: ત્રણની ધરપકડ

  • March 09, 2021 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડધરીના થોરિયાળી ગામે ૧૫ દિવસ પૂર્વે દંપતી ઉપર હુમલો કરીને થયેલી લૂંટનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખી રાજકોટ ઉપરાંત ૧૧ જગ્યાએ ચોરી અને લૂંટ કરનાર આદિવાસી ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે એક સાગરીતની શોધખોળ શરૂ કરાઈ છે.


રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરિયાળી ગામે ગત તા.૨૪-૨ના રોજ રાત્રે વાડીએ સૂતેલા વૃધ્ધ દંપતી ઉપર હુમલો કરી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ બનાવ અંગે પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. રાજકોટ રેન્જ ડીઆઈજી સંદીપસિંહ તથા જિલ્લા પોલીસવડા બલરામ મીણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય એલસીબીના પીઆઈ એ.આર. ગોહિલ અને તેમની ટીમે આ લૂંટનો ભેદ ઉકેલવા અલગ-અલગ ટીમો બનાવીને તપાસ કરી હતી તે દરમિયાન આ લૂંટમાં આદિવાસી ટોલકીની સંડોવણી હોવાનું ખૂલ્યું હતું જેના આધારે મુળ દાહોદના ધાનપુર તાલુકાના વતની અને હાલ મોરબીના ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા અને ખેતમજૂરી કરતાં ઈશ્ર્વર જુવાનસીંગ ડામોર, હરસંઘભાઈ ગોરસીંગ ભાંભોર (રહે.થોરિયાળી) અને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મોરાણા ગામે રહેતા ગટુભાઈ જવેરભાઈ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. આ ટોળકી સાથે તેનો સાગરીત દાહોદના ધાનપુર તાલુકાના પાનમ ગામનો પારસીંગ જોરસીંગ વહુનિયા ફરાર થઈ જતા તેની શોધખોળ શરૂ કરાઈ છે.


આ ટોળકી પાસેથી મોટરસાઈકલ તથા રૂ.૧.૫૫ લાખ રોકડ તથા ચાર મોબાઈલ સહિત ૧.૭૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલી આ ટોળકીએ અન્ય ૧૧ ગુનાની કબુલાત આપી છે જેમાં ત્રણ મહિના પૂર્વે પડધરીના થોરિયાળી ગામ પાસે આવેલ રામાનંદ આશ્રમમાં ચોરી, બાબરા તાલુકાના બરવાળા ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી, જામનગરના પીપરટોડા ગામે મોટરસાઈકલની ચોરી તેમજ પીપરટોડા ગામે મંદિરમાં ચોરી, કાલાવડ તાલુકાના ખરેડી ગામે મંદિરમાં ચોરી, કાલાવડ તાલુકાના ટોડા ગામે, મકરાણી સણોસરા ગામે, રાજકોટના કુવાડવા પાસે, સુરેન્દ્રનગરના ચુડામાં અને સુરેન્દ્રનગર શહેરમાં તેમજ લતીપુર ગામે મંદિરમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે ખેતમજૂરીના બહાને આ ટોળકી સગાસંબંધીઓ જે વિસ્તારમાં રહેતા હોય તેનો સંપર્ક કરી વાડી વિસ્તારમાં રહેતા લોકો કે જે પોતાના વાડીમાં મોટી રકમ રાખતા હોય તેની માહિતી મેળવીને લૂંટ ચલાવતા હતા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મંદિરમાં ચોરી કરતા હતા. ફરાર થઈ ગયેલા પારસીંગ વિરૂધ્ધ જામનગરના ધ્રોલમાં હત્યાનો ગુનો અને દાહોદમાં લૂંટનો ગુનો નોંધાઈ ચૂકયો છે.


રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઈ એ.આર. ગોહિલ સાથે પીએસઆઈ વી.એમ. કોલાદરા તથા સ્ટાફના મહેશભાઈ જાની, જયમીલસિંહ વાઘેલા, મહિપાલસિંહ જાડેજા, રવિદેવભાઈ બારડ, અનિલભાઈ ગુજરાતી, બાલકૃષ્ણ ત્રિવેદી, સંજય પરમાર, શક્તિસિંહ જાડેજા, અમિતસિંહ જાડેજા, નિલેશભાઈ ડાંગર, રહીમભાઈ દલ, નારણભાઈ પંપાળિયા, પ્રકાશભાઈ પરમાર, પ્રણયભાઈ સાવરિયા, કૌશિકભાઈ જોશી, મેહુલભાઈ સોનરાજ, રસિકભાઈ જમોડ, ભાવેશભાઈ મકવાણા, અમુભાઈ વિરડા, નરેન્દ્રભાઈ દવે, અનિરૂધ્ધસિંહ જાડેજા અને જયપાલસિંહ ઝાલા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS