દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધપાત્ર 74% સુધી મતદાન: જિલ્લા પંચાયતમાં 66 ટકા મતદાન થયું

  • March 01, 2021 10:36 AM 

આવતીકાલે જુદા-જુદા સાત સ્થળોએ થશે મતગણના: આવતા પાંચ વર્ષ માટેના 148 પ્રજા પ્રતિનિધિઓ આવતીકાલે નક્કી થશે:

લોકશાહીના મહાપર્વ એવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી 7 સામાન્ય ચૂંટણી તથા એક પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં નોંધપાત્ર એવું 74% સુધી મતદાન થયું હતું.

જેમાં ભારે ઉત્તેજનાસભર બની રહેલી અને બીજી વખત યોજાયેલી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કુલ એકવીસ બેઠક માટે કુલ 66.26 ટકા મતદાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લે ભાજપ શાસિત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 22 પૈકી બરડીયા ગામની એક બેઠક બિનહરીફ થઇ હતી અને 21 બેઠક માટે ગઈકાલે રવિવારે મતદાન યોજાયું હતું.

જિલ્લા પંચાયત માટે મહત્વના કહી શકાય તેવા ઉમેદવારો અહીંના કોંગી ધારાસભ્ય વિક્રમ માડમના વડત્રા ખાતેથી લડી રહેલા પુત્ર કરણ વિક્રમભાઈ માડમ, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સ્વ. મેઘજીભાઈ કણજારીયાના પુત્ર જીતેન્દ્રભાઇ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હીરાબેન હરિભાઈ નકુમના પુત્ર સંજયભાઈ નકુમ, જિલ્લા પંચાયતના પુર્વ સદસ્ય તથા નેતા અને રાજકીય માંધાતા એવા કોંગી અગ્રણી મેરગભાઈ કાનાભાઈ ચાવડાના ધર્મપત્ની નંદાણા બેઠક પરથી લડી રહેલા મણીબેન મેરગભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના તત્કાલિન પ્રમુખ પી.એસ. જાડેજાના પુત્રવધુ રિદ્ધિબા શક્તિસિંહ જાડેજા સહિતના અનેક રાજકીય આગેવાનો- નેતાઓનું ભાવિ ઈ.વી.એમ.માં સીલ થયું છે.

ત્યારે ભાજપ શાસિત ખંભાળિયા તાલુકા પંચાયતની એક બેઠક તાજેતરમાં બિન હરીફ થતા 23 બેઠક માટે યોજાયેલા મતદાનમાં આજે 65.42%, ભાણવડ તાલુકા પંચાયત માટે 67.81% , ચાર બેઠક બિનહરીફ તથા બાકીની બાર બેઠકોવાળી દ્વારકા તાલુકા પંચાયત માટે 59.69 ટકા, અને કલ્યાણપુર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે નોંધપાત્ર એવું 70.18 ટકા મતદાન થયું છે.

આ જ રીતે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણમાં કઠિન મનાતા ખંભાળિયા નગરપાલિકાની 28 બેઠક માટે 60.04 ટકા મતદાન થયું છે. આ જ રીતે રાવલ નગરપાલિકાની 24 બેઠક માટે 73.78 ટકા જેટલું ભારે મતદાન થયું છે.

આમ, ગઈકાલે એકંદરે યોજાયેલા શાંતિપૂર્ણ મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ કે કોઈ ગંભીર ફરિયાદ થઈ નથી.

ગઈકાલે યોજાયેલી સાત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના મતદાનમાં મંગળવાર તા. 2 ના રોજ જુદા જુદા સ્થળોએ મતગણતરી થનાર છે. મતદારોને મતદાન મથક સુધી લઈ આવવા માટે ઉમેદવારો તથા તેમના ટેકેદારોએ નોંધપાત્ર કવાયત કરી હતી.

ભાજપ દ્વારા તોતિંગ લીડ સાથે જુદી જુદી સંસ્થાઓમાં સત્તાનું પુનરાવર્તન કરવામાં આવશે તેવો દ્રઢ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તથા ચૂંટણી અધિકારી ડો. નરેન્દ્રકુમાર મીના, અહીંના પ્રાંત અધિકારી ડી.આર. ગુરવ,  અને નિહાર ભેટારીયા, જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી, ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી, સમીર સારડા, સી.સી. ખટાણા, સહિતના સ્ટાફ દ્વારા નોંધપાત્ર કવાયત કરવામાં આવી હતી.

આવતીકાલે જુદા-જુદા સાત સ્થળોએ થશે મતગણના

રવિવારે યોજાયેલી જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત તથા 2 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીની મતગણતરી આવતીકાલે મંગળવાર તારીખ 2 માર્ચના રોજ યોજા.શે જેમાં ખંભાળિયા નગરપાલિકાની મત ગણતરી અત્રે જડેશ્વર રોડ પર આવેલી મેઘજી પેથરાજ છાત્રાલય ખાતે તથા અહીંની તાલુકા પંચાયતની 23 બેઠક અને જિલ્લા પંચાયતની 8 બેઠક માટે અત્રે દ્વારકા હાઇવે પર કુવાડીયા નજીક આવેલી આદર્શ સ્કૂલ ખાતે મતગણતરી થશે.

જ્યારે રાવલ નગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી રાવલ ખાતે આવેલી એચ.જી.એલ. હાઇસ્કુલ ખાતે, કલ્યાણપુરની તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની બેઠકો માટેની મતગણતરી સરકારી વિનયન કોલેજ કલ્યાણપુર ખાતે થશે.

આ ઉપરાંત ભાણવડની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મત ગણતરી ભાણવડ સ્થિત સરકારી વિનયન કોલેજ ખાતે તથા દ્વારકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીની મતગણતરી શારદાપીઠ કોલેજ ખાતે થશે. આ સ્થળે તમામ ઈ.વી.એમ. મશીનોને સીલ બંધ રીતે મૂકાવી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આવતા પાંચ વર્ષ માટેના 148 પ્રજા પ્રતિનિધિઓ આવતીકાલે નક્કી થશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના 21, ખંભાળિયા નગરપાલિકાની 28, રાવલ નગરપાલિકાના 24, ખંભાળિયા તાલુકા પંચાયતના 23, કલ્યાણપુર તાલુકા પંચાયતના 24, દ્વારકા તાલુકા પંચાયતના 12, તથા ભાણવડ તાલુકા પંચાયતના 16, મળી કુલ 148 જન સેવકોનું ભાવિ ગઈકાલે ઈવીએમમાં સીલ થઈ ગયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની બરડીયા બેઠક તથા ખંભાળિયા તાલુકા પંચાયતની એક અને દ્વારકા તાલુકા પંચાયતની ચાર મળી કુલ 6 બેઠક બિનહરિફ થઈ ચૂકી છે. રાજકીય વિશ્લેષકો દ્વારા હાર-જીત અંગેની ગણતરીઓના ધમધમાટ તથા સર્વે કામગીરીમાં રત બની ગયા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS