જામનગર નજીક જાંબુડામાં રહેતા એક પરિવારના બંધ રહેણાંક મકાનને ધોળે દાડે તસ્કરોએ નિશાન બનાવ્યું

  • July 20, 2021 11:34 AM 

પુત્રીનું સગપણ કરવા માટે રાજકોટ ગયેલા પરિવારના રહેણાંક મકાનમાંથી રૂપિયા એકાદ લાખના દાગીનાનો હાથફેરો

જામનગર નજીક જાંબુડા માં રહેતા એક પરિવારના માત્ર છ કલાક માટે રહેલા બંધ મકાનને ધોળે દહાડે કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને રહેણાંક મકાનમાંથી આશરે એકાદ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે. પુત્રીનું સગપણ જોવા માટે પરિવાર રાજકોટ ગયો હતો, દરમિયાન તસ્કરોએ મકાનને નિશાન બનાવી લીધું હતું. જે મામલે પંચકોશી એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં જાંબુડા પાસે રહેતા અને એક કારખાનામાં મજૂરીકામ કરતા કેશુભાઈ મગનભાઈ લીલાપરા કે જેઓ આજે સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાની પુત્રી રોશનીનું સગપણ કરવાની તૈયારીના ભાગરૂપે પરિવાર સાથે જામનગર થી રાજકોટ ગયા હતા. જેની સાથે તેના પત્ની રેખાબેન, નાનો પુત્ર કેતન, અને ભાણેજ વિપુલ કંબોયા વગેરે કારમાં બેસીને રાજકોટ ગયા હતા.

જ્યાંથી બપોરે સાડા ચારેક વાગ્યાના અરસામાં ઘેર પરત ફરતાં પોતાના રહેણાંક મકાન ના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. ત્યાર પછી અંદર જઈને નિરીક્ષણ કરતાં કબાટ અને તિજોરીના તાળા પણ તૂટેલા જણાયા હતા. જ્યારે અંદર નો સામાન પણ વેરવિખેર જોવા મળ્યો હતો.

કેશુભાઈના પત્ની રેખાબેન દ્વારા ઘરમાં રાખવામાં આવેલી સોનાની હાંસડી, બે નંગ વીંટી, તથા ત્રણ જોડી સોનાની બુટ્ટી. તથા ચાંદીના સાંકળા વગેરે મળી અંદાજે રૂપિયા એકાદ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી થઇ ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી તેઓએ તાત્કાલિક પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. જેથી તાબડતોબ પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કોઈ જાણભેદુ વ્યક્તિનું કારસ્તાન હોવાનું અનુમાન લગાવી પોલીસ દ્વારા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS