ઉપલેટામાં રાજ્ય સરકારના બજેટને આવકારાયું

  • March 04, 2021 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે વિધાનસભામાં રજૂ કરવામાં આવેલ ઐતિહાસિક બજેટને ઉપલેટાના પાલિકા પ્રમુખ, સંતો, વેપારીઓ સહિતનાઓ આવકારી મંતવ્યો જણાવ્યા હતા. જેમાં વેપાર-ઉદ્યોગ માટે બજેટમાં કોઈ ખાસ જોગવાઈ ન હોવાનું જણાવાયુંં હતું. તો કોઈએ શહેરી વિકાસ માટે ગુલાબી બજેટ હોવાનું જણાવ્યું હતું. એકંદરે સામાન્ય લોકો-વેપારીઓ બજેટમાં ખાસ કોઈ રાહત ન મળી હોવાનું જણાવાયું હતું.
 

બજેટ ધાર્મિક સ્થળોના વિકાસ માટે વિકાસ શિલ્પી છે: ભક્તિનંદન સ્વામી
સ્વામિનારાયણ ગુરુકુળ ભાયાવદરના ભક્તિનંદન સ્વામીએ ગઈકાલે બજેટ અંગે અભિપ્રાય આપતા જણાવેલ કે, રાજ્ય સરકાર દ્વારા જે ગઈકાલે બજેટ રજૂ થયું તેમાં ગુજરાતના સોમનાથ, અંબાજી, સાપુતારા અને અમદાવાદમાં કાયમી ધોરણે હેલીપેડ બનાવાની જોગવાઈ જયારે બહુચરાજીના વિકાસ માટે ૧૦ કરોડની જોગવાઈ, કચ્છ માતાના મઢના વિકાસ માટે ૨૫ કરોડ રૂપિયા, પાવાગઢના વિકાસ માટે ૩૧ કરોડ ગુરૂકુળ યોજના માટે ૧૦ કરોડ રૂપિયા ફાળવી યાત્રાધામના વિકાસ દ્વાર ખુલશે ખાસ કરીને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ માટે ૨૦ કરોડ રૂપિયાની ફાળવી કરી છે તે આવકારદાયક છે.

 

કરવેરા ન વધતા જનતા માટે રાહતના સમાચાર: યાસીન ડેડા
ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં એજ્યુકેશન અને હેલ્થ પર ભાર મુકવામાં આવ્યો છે. ૩૧૯૫૫ કરોડ ‚પિયા એજ્યુકેશન માટે અને ૧૧૨૪૩ કરોડ રૂપિયા હેલ્થ માટે ફાળવવામાં આવ્યા છે. જેનાથી ગુજરાતમાં એજ્યુકેશન અને હેલ્થ સેકટરમાં સુધારો થશે. સરકાર દ્વારા ૫૦૦૦ કરોડ એજ્યુકેશનમાં આ વખતે વધારે આપવામાં આવ્યા છે. જે આવકારદાયક છે.

 

ફુગાવાની દ્રષ્ટિએ બજેટના કદમાં કોઈ ખાસ વધારો ન કહી શકાય: દર્શના ચંદ્રવાડિયા
આ બજેટ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે જેમાં ગત વર્ષ કરતા આશરે ૧૦ હજાર કરોડનો વધારો થયો છે પરંતુ ફુગાવાની દ્રષ્ટિએ બજેત્તના કદમાં થયેલો વધારો કંઈ ખાસ વધારો કહી શકાય નહીં. સરકારી ટેકસમાં કોઈ વધારો નથી કર્યો એ આવકાર્ય છે. જેથી લોકોને રાહત મળશે. પાંચ વર્ષમાં ૨૦ લાખ નોકરી આપવાની વાત દિવાસ્વપ્ન જેવું લાગે છે. ગુજરાતમાં પ્રવાસનના વિકાસ માટે બજેટમાં થયેલી ફાળવણી આવકાર્ય છે તેનાથી સરકારની આવક વધશે અને લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થશે તેમ પ્રો.ડો.દર્શના ચંદ્રવાડિયા મ્યુનિસિપલ કોલેજ-ઉપલેટાએ જણાવ્યું હતું.

 

ખેડૂતો - પશુઓ માટે બજેટમાં સારી જોગવાઈ: દાનાભાઈ 
ગઈકાલના બજેટની પ્રતિક્રિયા આપતા ભાદર કાઠા વિસ્તારના ખેડૂત અગ્રણી દાનભાઈ ચંદ્રવાડિયાએ જણાવેલ કે અત્યાર સુધીમાં કયારેય કોઈ કોઈ સરકાર દ્વારા ખાસ કરીને પશુઓ, પ્રાણીઓ માટે બેજટમાં જોગવાઈ કરી નહોતી આ વખતે રાજ્યની ભાજપ સરકારે પશુઓ માટે દાણ ખરીદીમાં ૨૦ કરોડ એનિમલ હેલ્પલાઈન માટે ૭ કરોડ, વન્ય પ્રાણીની વ્યવસ્થા માટે ૧૩૬ કરોડ, પશુઓની નિ:શુલ્ક સારવાર માટે ૧૦ કરોડ જયારે ખેડૂતોના હિત માટે સુજલામ સુફલામ યોજનપામાં ૭૩૭ તળાવો બનાવામાં આવશે. દવાખાનાની માહિતી માટે રાજ્યમાં ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશન સ્થાપવામાં આવશે શાકભાજી અને ફળોનું ખેડૂતો સીધુ વેચાણ કરી શકશે અને ખેડૂતો માટે વધારાના ધિરાણ વ્યાજ માટે ૦ ટકા વ્યાજ રાખી ખરાઅર્થમાં ખેડૂતોને મદદ કરી છે આમ આ બજેટ ખેડૂતો અને પ્રાણી અને પશુઓ માટે આવકારદાયક છે.

 

શહેરી વિકાસ માટે બજેટમાં ગુલાબી જોગવાઈ
શહેરના પ્રથમ નાગરિક મયુરભાઈ સુવાએ બજેટને આવકારતા જણાવેલ કે આ બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે ૧૩૪૯૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તે ખૂબજ સારી વાત છે જયારે રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ માટે ૫૦૭ કરોડની જોગવાઈ પણ સારી એવી કહી શકાય છે સ્વસ્થ ભારત માટે ૮૦૦ કરોડની જોગવાઈ ઘણી કહેવાય આ ઉપરાંત સૌરાષ્ટ્ર માટે પણ આ બજેટથી ઘણા વિકાસના દ્વારા ખુલશે.

 

બજેટમાં સામાન્ય લોકો વેપારીઓને કોઈ રાહત નહીં: વિનુભાઈ ધેરવડા
ગુજરાત રાજ્યનું વર્ષ ૨૦૨૧નું બજેટ એક સામાન્ય કે વિકાસલક્ષી બજેટ નથી બજેટમાં ગુજરાતના લોકોને કોઈ રાહત કે ટેકસમાં ફેરફાર કરેલ નથી ઈન્ડસ્ટ્રીઝ કે વેપારીને રાહતલક્ષી બજેટ નથી. જે કામો ચાલે છે તેમાં વધારો કરી બજેટ બનાવેલ છે. જેમ કે બંદર, વિદ્યાન, શાળા-કોલેજ, રમતગમત, મહિલા સશક્તિકરણ, શ્રમ રોજગાર, વાહન વ્યવહાર, પર્યાવરણ, પાણી પુરવઠા બીજા અનેક યુનિટમાં કોઈ ફેરફાર નથી. તમામ ક્ષેત્રે સરકારે આ કાર્યો કરવાના હોય છે. ખેડૂત આંદોલનને લઈને ખેડૂતોને ખુશ કરવા અમક યોજના કરેલ છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ વિશે કશું કહેલ નથી. ધરાસભ્ય માટે નવા નિવાસસ્થાન બનાવશે. બજેટમાં સરકાર પોતાની પાર્ટીના વારંવાર ઉલ્લેખ કરીને જાહેરાત કરતા હોય તેવુ લાગતું હતું. કોઈ કથાકાર કથા વાચતા હોય તેમ બજેટની રજૂઆત લાગતી હતી. નવી જીઆઈડીસી મંજૂર કરેલ છે. પણ જીઆઈડીસીમાં સગવડ શું આપશો. તે ઉલ્લેખ નથી. ઈન્ડસ્ટ્રીઝ વિકાસ કરવા માટે નવા રોડ-રસ્તા બનાવ્યા છે તેમાં લગભગ બાયપાસ હાઈ-વે બહારની જમીનોને ગ્રીનઝોનમાં નાખેલ છે આ હેતુ બદલી ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં ફેરવે તો કારખાના કે જીઆઈડીસી બન્નેનો વિકાસ થાય. તમામ ક્ષેત્રની જે વાતો કરેલ છે તે બધી જગ્યાએ ભ્રષ્ટાચાર પુષ્કળ પ્રમાણમાં વધશે એટલે બજેટ સામાન્ય છે કોઈ રાહત નથી તેમ વિનુભાઈ ધેરવડા પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ-ઉપલેટાએ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS