લોકશાહીનું પર્વ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આજે મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યની 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ છે. ત્યારે રાજકોટમાં મતદારોમાં ભારે ઉત્સાહ છે અને લોકશાહીના પર્વને વધાવવા માટે વહેલી સવારથી મતદાન મથકે પહોંચી ગયા છે. યુવાનો મતદાન કરી પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે તો વૃદ્ધો લાકડી, વ્હિલચેરના સહારે મતદાન મથકે પહોંચી પોતાનો કિંમતી મત આપી રહ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તંત્ર પણ ખડેપગે છે. દરેક મતદાન મથકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી મતદારો સુરક્ષિત રીતે મતદાન કરી શકે.
વજુભાઈ વાળાએ સવારમાં જ કર્યું મતદાન
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટના વોર્ડ નંબર-૮માં હરિહર કોમ્યુનિટી હોલ ખાતે આવેલા મતદાન મથક નંબર-૩૫માં સવારમાં જ મતદાન કર્યું હતું. આ તકે તેમણે નાગરિકોને પણ મતદાન માટે અપીલ કરી હતી.
૮૫ વર્ષીય વયોવૃદ્ધ દંપતીએ સજોડે ઉત્સાહભેર કર્યું મતદાન
રાજકોટ મહાનગરમાં મતદાનનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. સિનિયર સિટીઝન પણ સવારમાં મતદાન માટે આવી રહ્યા છે. વોર્ડ નંબર-૮માં હરિહર કોમ્યુનિટી હોલ ખાતે આવેલા મતદાન મથક નંબર-૩૫માં ૮૫ વર્ષીય વરિષ્ઠ નાગરિક નલિન ભટ્ટ તથા કિરણ ભટ્ટ વોકિંગ સ્ટીક સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. આ વયોવૃદ્ધ દંપતીએ સજોડે મતદાન કર્યું હતું. આ સાથે તેમણે અન્ય નાગરિકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશે કર્યું મતદાન
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી માટે આજે સવારે સાત કલાકથી મતદાન શરૂ થયું છે ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ. ઓમ પ્રકાશ સવારે સાત વાગ્યામાં જ આઈ.પી.મિશન ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે બુથ નંબર-૧ ખાતે મતદાન કર્યું હતું. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશે નાગરિકોને મતદાન કરવા અપીલ કરતા કહ્યું હતું કે, સૌથી પહેલા મતદાન પછી બીજા બધા કામ એ ધ્યેય સાથે આપણે મતદાન કરવું જોઈએ. આપણે બધા અચૂક મતદાન કરીને લોકશાહીના પર્વને ઉજવીએ. રાજકોટ મહાનગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયત તેમજ ગોંડલ નગરપાલિકાના મતદારોને વિનંતી છે કે, મેં પણ મારો મત આપ્યો છે. તમે બધા પણ તમારો મત આપો અને લોકતંત્રને મજબૂત બનાવો. આ પૂર્વે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. ઓમ પ્રકાશે સૌથી પહેલા આઈ. પી. મિશન સ્કૂલ ખાતે મતદાન બુથ ખાતે વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને મતદાનલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી.