સોમ પીપળીયા ગામે બે દિવસ પૂર્વે શરૂ થયેલી નકલી દારૂની ફેક્ટરી ઉપર ગ્રામ્ય એલસીબીનો દરોડો: ચારની ધરપકડ

  • February 22, 2021 09:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં બેરોકટોક દારૂની હેરફેર અને વેચાણ થઈ રહ્યું છે, બુટલેગરોને જાણ પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ દારૂનું વેચાણ કરી રહ્યા છે, ત્યારે જસદણના સોમ પીપળીયા ગામે નકલી ઈંગ્લીશ દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીએ દરોડો પાડી જસદણ પંથકમાં ચાલતા ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી ચાર શખ્સને પકડી પાડ્યા છે.નકલી દારૂ તૈયાર થયા બાદ સૌરાષ્ટ્રમાં તેનું વેચાણ કરાતું.

 


રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઇ એ આર ગોહિલ અને તેમની ટીમને બાતમી મળી કે જસદણ તાલુકાના સોમ પીપળિયાના દિનેશ કુકા ડાભીએ તેના મકાનમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરી ચાલુ છે. જેના આધારે દરોડો પાડી દિનેશ કુકા ડાભી ઉપરાંત રાજસ્થાનના સુરપુર ના પંકજ માનજી પાટીદાર, રાજસ્થાનના શેરપૂરના સુરેશ જાંગીડ અને મૂળ વિછીયા ના મોટા હડમતિયા ગામના વતની હસમુખ ઉર્ફે હસો કુંભાર ઉર્ફે ભગત નારણ સકોરિયાને પકડી પાડ્યા હતા.મકાનમાંથી નકલી શરાબ બનાવવાની સામગ્રી રૂ.૫૩૬૬૦, નકલી દારૂ ભરેલ કેરબા અને નાની મોટી દારૂની ૧૩૯૪ બોટલ, કેરબામાં ભરેલો નકલી દારૂ મળી રૂ.૯.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બ્રાન્ડેડ વિદેશી દારૂની અસલી બોટલો, ઢાંકણા, લેબલ અને બોક્સ સહિતનો સામાન અન્ય રાજ્યોમાંથી લઇ આવતા હતા. કુખ્યાત બૂટલેગર હસમુખે સાગરીતો સાથે મળી બે દિવસ પહેલા જ ફેક્ટરી ચાલુ કરી હોવાની કબૂલાત આપી છે. બુટલેગર હસમુખ દારૂની એક પેટી દીઠ દિનેશને રૂપિયા ૫૦ લેખે ભાડું આપવાનું નક્કી કર્યું હતું અને આરોપી પંકજ અને સુરેશને દારૂની એક પેટી તૈયાર કરી આપવા રૂપિયા ૪ હજાર રકમ ચૂકવાતી હતી. નકલી શરાબ બનાવવા કાચો માલ અન્ય રાજ્યોમાંથી લઇ આવતા હતા. તેઓ સ્પિરિટની અંદર વ્હિસ્કી જેવું લાગતું ફ્લેવર અને રંગને પાણીમાં ભેળવી તૈયાર કરતા. વિદેશી દારૂ અસલી જ લાગે તે માટે બ્રાન્ડેડ કંપનીની શરાબની બોટલ, સ્ટિકર, ઢાંકણા લગાવી સીલ મારતા. નકલી દારૂ તૈયાર થયા બાદ બોટાદ, ભાવનગર સહિતના શહેરોમાં વેચાણ કરવાના હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS