ગામડાં પણ કેસરિયાં:જિલ્લા-તાલુકા પંચાયતોમાં પણ ભાજપ જ્વલંત સફળતા તરફ

  • March 02, 2021 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યની ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ગયા રવિવારે યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે સવારથી જાહેર થઈ રહ્યા છે. સવારે ૯ વાગ્યાથી મત ગણતરીનો પ્રારંભ થયો હતો અને સૌપ્રથમ પોસ્ટલ બેલેટની અને ત્યારબાદ ઈવીએમમાં પડેલા મતની ગણતરી કરવામાં આવી હતી. ૧૧ વાગ્યા સુધીમાં ઉપસેલા ચિત્ર મુજબ નગરપાલિકાઓ અને પંચાયતોમાં પણ ભાજપનો દબદબો જળવાઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં કેસરિયો છવાયો છે અને પ્રારંભિક તબકકામાં મળેલા ટ્રેન્ડ મુજબ કોંગ્રેસનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.


૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠક છે તે પૈકી પ્રથમ બે કલાકમાં ૨૭ બેઠકોના પરિણામો જાહેર થયા છે અને તેમાં ભાજપને ૨૭ અને કોંગ્રેસને ત્રણ બેઠકો મળી છે. નગરપાલિકામાં ૨૭૨૦ બેઠકમાંથી ૨૦૨ બેઠકોના પરિણામ જાહેર થયા છે અને તેમાંથી ભાજપને ૧૮૦, કોંગ્રેસને ૨૧ અને અન્યને એક બેઠક ફાળે ગઈ છે. તાલુકા પંચાયતોની ૪૭૭૪ બેઠકમાંથી ૨૬૮ બેઠકના પરિણામો જાહેર થયા છે અને તેમાં ભાજપને ૨૩૩, કોંગ્રેસને ૨૯ અને અન્યને ૭ બેઠક મળી છે.
જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓની કુલ ૮૪૭૪ બેઠકમાંથી ૨૬૦ના પરિણામો જાહેર થયા છે અને તેમાં ભાજપને ૨૪૫, કોંગ્રેસને ૧૦ અને અન્યના ફાળે ત્રણ બેઠક ગઈ છે.


ગ્રામ્ય મતદારો કોંગ્રેસની તરફેણમાં અને શહેરી વિસ્તારના મતદારો ભાજપની તરફેણમાં મતદાન કરતાં હોય છે તેવું રાજકીય વિશ્ર્લેષકોનું માનવું હોય છે પરંતુ આ વખતના પરિણામમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભાજપ છવાઈ ગયો છે. ૨૦૧૫માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની પંચાયતોની ચૂંટણીમાં હાર્દિક અને પાસના ફેકટર હાવિ થઈ ગયા હતા અને તેને કારણે ભાજપને પરાજયનો સામનો કરવો પડયો હતો. નરેન્દ્ર મોદી ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા પછી ૨૦૧૫માં પણ તેમનો કરિશ્મા બરકરાર હોવા છતાં પંચાયતોની ગત ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં ભાજપને ફટકો પડયો હતો. આ વખતે ભાજપે તેનું વટક વાળી લીધું છે.


ઉમેદવારોની પસંદગી અને ટિકિટ ફાળવણીના મામલે ભાજપના નવા ધારાધોરણોને કારણે આ વખતે અનેક સ્થળોએ ભાજપ સામે ભાજપ હોય તેવી પરિસ્થિતિ સર્જાવા પામી હતી અને તેના કારણે ભાજપના ઉમેદવારને પ્રતિસ્પર્ધી કોંગ્રેસ સહિતના ઉમેદવારો સામે લડવાની સાથોસાથ આંતરિક ડખ્ખાનો પણ સામનો કરવાનો હતો આમ છતાં પંચાયતો અને ગ્રામ્ય વિસ્તારમાં ભાજપનો દબદબો જળવાઈ ગયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS