આજકાલ કેમ્પઈન :બ્રેસ્ટ કેન્સરમાં રેડીયેશન થેરાપીનું શા માટે મહત્વ છે ?

  • October 28, 2020 02:04 AM 249 views

કોઈ પણ પ્રકારના કેન્સરમાં રેડીયેશન થેરપીનું ઘણું મહત્વ છે. સામાન્ય રીતે પહેલા દર્દીને કિમોથેરાપી આપવામાં આવે છે પણ જો કેન્સર સંવેદનશીલ તબક્કામાં પહોચી ગયું હોય તો તબીબો રેડીયેશન થેરાપી માટે આગ્રહ રાખે છે આજકાલ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કેમ્પેઈન અંતર્ગત આ રોગને લગતી ઝીણામાં ઝીણી માહિતી અને તેની સારવારની માહિતી આપવામાં આવી રહી છે. આજે આ શ્રેણી હેઠળ રેડીયેશન થેરાપી વિશે માહિતી આપવામાં આવી છે.

 

રેડીયેશન થેરાપીથી કેન્સરના કોષો નાસ પામે છે અને બીજી વાર કેન્સર થવાનો ખતરો ઘણો ઓછો થાય છે એવું નિષ્ણાતોનું કહેવું છે. બ્રેસ્ટ  કેન્સરની સારવારમાં બ્રેસ્ટ રીકંસ્ટ્રક્શન કરવામાં આવે નહીં તેવા કિસ્સામાં રેડીયેશન થેરાપી છેલ્લી કહી શકાય છે.  

 

રેડીયેશન થેરાપી અથવા રેડીયોથેરાપી, જેને  ટૂંકમાં  આરટી,  આરટીએક્સ  અથવા  એક્સઆરટી કહેવાય  છે. કેન્સરના  કોષોને  નિયંત્રિત  કરવા  કે  મારવા  માટે  આયોનાઇઝિંગ  રેડીયેશનનો  ઉપયોગ થેરાપી  તરીકે  થાય  છે.  રેડીયેશન  મશીન  દ્વારા  શરીરની  બહારથી  (એક્સ્ટર્નલ બીમ રેડીયેશન થેરાપી) આપી  શકાય  છે, અથવા  એ  શરીરમાં  કેન્સર  કોષો  નજીક  મુકાયેલ  રેડિયોએક્ટિવ પદાર્થોમાંથી  આવે  છે.  (જેને  ઈન્ટર્નલ  રેડીયેશન  થેરાપી  અથવા  બ્રેકી  થેરાપી  પણ  કહે  છે.) સિસ્ટમેટિક  રેડીયેશન  થેરાપી  રેડીયોએક્ટિવ  સબસ્ટન્સનો  ઉપયોગ  કરે  છે.  જેમ  કે  રેડીયોએક્ટિવ આયોડિન  કે  જે  કેન્સરના  કોષોને  મારવા  લોહીમાં  ફરે  છે. 

 

મોટા  ભાગના  કેસોમાં  ગાંઠના  પ્રકાર, તબક્કા  ઉપર  આધાર  રાખે  છે  કે  દિવસમાં  એક  વાર,  અઠવાડિયામાં  પાંચ  વાર એ  રીતે  રેડીએશન આપવાનો  સમયગાળો  નિશ્ચિત  કરવામાં  આવે  છે.  કેટલાક  કેસમાં  લક્ષણો  કાબુમાં  રાખવા  માટે  પણ  આ  રેડીયેશન  થેરાપીનો  ઉપયોગ  થાય  છે.  બહારથી  રેડીયેશન  થેરાપી  આપવા  માટે હોસ્પિટલમાં  દાખલ  થવું  જરૂરી  નથી.  દરેક  સેશન  બે  કે  પાંચ  મિનિટ  ચાલે  છે. થોડી  મિનિટો  માટે કિરણો  લેવાના  હોય  છે  અને  દર્દી  થોડા જ સમયમાં  સ્વસ્થ  થઈ  ઘરે  જઈ  શકે  છે.  બ્રેક  થેરાપી  એ  લાંબી  પ્રક્રિયા  છે.  પણ  તેમાં  દિવસ  બહુ  થોડા  હોય  છે  અને  દર્દીને  હોસ્પિટલમાં દાખલ  થવાની  જરૂર  પડે  છે.  બ્રેસ્ટ  કેન્સરમાં  રેડીયેશનનું  ખૂબ  મહત્વ  રહેલું  છે.  કારણકે  તેનાથી બીજા  અંગોમાં  કે  બીજા  બ્રેસ્ટમાં  કેન્સર  ફેલાવાની  શક્યતા  નહિવત  થઈ  જાય  છે. 

 

રેડીયેશન થેરાપી કેન્સર કોષોને તેમના ડીએનએ એટલે કે કોષોની અંદર રહેલા પરમાણુઓ જે અનુવાંશિક માહિતી ધરાવતા હોય છે અને એક પેઢીથી બીજી પેઢીમાં તે લઈ જતા હોય છે, તેને નુકસાન કરે છે અને એ રીતે કેન્સરના કોષોને ખતમ કરે છે. રેડિયેશન થેરાપી ડીએનએને કાં તો સીધું નુકસાન કરે છે અથવા કોષોમાં જ ફ્રી રેડીકલ્સ ઉત્પન્ન કરે છે જે ક્રમશ: ડીએનએને  નુકસાન પહોંચાડે છે. નુકસાન પામેલા ડીએનએ ધરાવતા કેન્સર કોષો જે દુરસ્ત નથી થઈ શકતા તેમનું વિભાજન બંધ થાય છે અથવા તે મરી જાય છે. જ્યારે નુકસાનીવાળા કોષોથી  મરે છે તેઓ તુટી જાય છે અને શરીરની કુદરતી પ્રક્રિયા દ્વારા બહાર નીકળી જાય છે. રેડિયેશન થેરાપીથી તંદુરસ્ત કોષોને નુકસાન પહોંચે છે અને ચામડીમા કાળાશ આવી જાય છે તે તેની આડઅસર છે. રેડીયેશન ઓન્કોલોજીસ્ટ દર્દીની સારવારનું આયોજન કરે છે જે સિમ્યુલેશન સાથે શરૂ થાય છે.

 

સિમ્યુલેશન દરમિયાન વિગતવાર ઈમેજિંગ સ્કેંન્સ દર્દીની ગાંઠની જગ્યા અને તેની આજુબાજુનો તંદુરસ્ત વિસ્તાર બતાવે છે. આ સ્કેન્સ સામાન્યરીતે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી (સીટી) સ્કેન્સ  હોય છે પણ તેઓ મેગ્નેટિક રેસોનાન્સ ઈમેજિંગ, પોસીટ્રોન એમીશન ટોમોગ્રાફી અને અલ્ટ્રાસાઉન્ડ પણ ઉમેરી શકે છે. સારવાર માટે પસંદ કરવામા આવતો ભાગ સામાન્ય રીતે આખી  ગાંઠ ઉપરાંત ગાંઠ આસપાસના સ્વસ્થ ટિસ્યુનો થોડોક ભાગ હોય છે. ગાંઠની બાજુના સ્વસ્થ ટિસ્યુ સુધી પ્રસરેલા કેન્સર કોષોથી ગાંઠનો ઉથલો મારવાની શક્યતા ઘટાડવા માટે ટિસ્યુની સારવાર થતી હોય છે. 

 

નોંધ : બ્રેસ્ટ કેન્સર અવેરનેસના ભાગરૂપે આ માહિતી માત્ર દર્દીઓની જાણકારી માટે છે. આ માહિતીના આધારે કોઈ પણ પ્રકારો દાવો કરી શકાશે નહીં. બ્રેસ્ટ કેન્સરના દર્દીઓએ ડોક્ટરની સલાહ અનુસાર જ સારવારના અને અન્ય નિર્ણય લેવા આજકાલ અનુરોધ કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application