ગુજરાતમાં ગંભીર સ્થિતિ: શહેરો પછી હવે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણનો ભરડો

  • April 10, 2021 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના 20 શહેરોમાં કરફ્યુ છતાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધતા જાય છે, જ્યાં કેસ વધારે છે ત્યાં ગામડાં સ્વયંભૂ લોકડાઉન લાગૂ કરી રહ્યાં છેગુજરાતના મુખ્ય શહેરો અને મોટાભાગના જિલ્લાઓમાં કોરોના સંક્રમણ વકર્યું છે. સૌથી ભયજનક બાબત એવી છે કે આ સંક્રમણ હવે શહેરો મારફતે ગ્રામ્ય વિસ્તારમાં ફેલાઇ રહ્યું છે જે રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય છે. કેટલાક એવા ગામ છે કે જ્યાં કેસની સંખ્યા 20થી વધારે ત્યાં વેપારીઓ અને સરપંચે સામૂહિકરીતે લોકડાઉન જાહેર કર્યું છે.
આશ્ચર્ય એ બાબતનું છે કે જે 20 શહેરોમાં રાજ્ય સરકારે કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે રાત્રી કરફ્યુનો અમલ શરૂ કર્યો છે છતાં આ શહેરોમાં સંક્રમણ અને કેસો વધતા જાય છે. સૌથી ખરાબ હાલત અમદાવાદ શહેરની છે કે જ્યાં દૈનિક કેસની સંખ્યા વધીને 1296 થઇ છે. અમદાવાદ પછી સુરતમાં પણ આંકડો 891 થયો છે. રાજકોટ, વડોદરા અને જામનગરમાં પણ કેસો વધતા જાય છે.

 


રાજ્યના 33 જિલ્લા પૈકી 29 જિલ્લામાં કોરોના સંક્રમણના દૈનિક કેસોની સંખ્યા ડબલ ફિગરમાં આવી રહી છે. માત્ર ડાંગ, બોટાદ, પોરબંદર અને અરવલ્લી જેવા જિલ્લામાં દૈનિક કેસોની સંખ્યા હજી સિંગલ ડિજીટમાં છે. ગુજરાતમાં આ વર્ષે પ્રથમવાર દૈનિક કેસોની સંખ્યા 4541 થઇ છે, જે આંચકાજનક છે. જેની સામે રસીકરણની દૈનિક સંખ્યા 2.82 લાખ થઇ છે. રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં રસીકરણ ઝૂંબેશ તીવ્ર બનાવવામાં આવી છે.

 


ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દૈનિક કેસોની સંખ્યા સિંગલ ડિજીટમાં આવતી હતી ત્યાં આજે 40 અને 75 જેટલા કેસો આવી રહ્યાં છે. ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસોની સંખ્યા વધી રહી છે. ખોરજ ગામમાં એક જ દિવસમાં 200 કેસો સામે આવ્યા પછી સરપંચે લોકડાઉન જેવી સ્થિતિ લાગુ કરી છે. ગામડાઓ હવે સ્વયંભૂ કરફ્યુ પાળી રહ્યાં છે.

 


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર કહે છે કે કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારમાં જતું અટકાવવામાં નહીં આવે તો મુસિબત ઉભી થશે. જો કે નવા કોરોના વેરિયન્ટની ઝડપ ત્રણ ગણી વધારે હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં ઝડપથી સંક્રમણ વધતું જાય છે. અલબત્ત, ગુજરાતમાં આદિવાસી વસતી ધરાવતા જિલ્લામાં કોરોના સંક્રમણના કેસો નિયંત્રણમાં હોવાનું કહેવાય છે.

 


દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગ્રામ્યસ્તરે કોરોના સંક્રમણ અટકાવવા માટે ગામના તમામ લોકોનું ટેસ્ટીંગ અને વેક્સિનેશન ખૂબ જરૂરી છે. આરોગ્ય કર્મચીરઓના સહયોગથી તમામ ઘરોનું સર્વેલન્સ કરવું જોઇએ. જિલ્લામાં જે ગામમાં સીએચસી અને પીએચસી આવેલા હોય ત્યાં 15 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઇએ. ગામના લોકો સ્વયંભૂ બિન જરૂરી અવર-જવર પર પ્રતિબંધ મૂકે તે ઇચ્છનિય છે. ગામોમાં કોરોના ટેસ્ટીંગ માટે લોક ભાગીદારી કરી શકાય ચે. દરેક ગામ કોરોના મુક્ત બને તે દિશામાં આરોગ્ય કર્મચારીઓએ કામ કરવું જોઇએ.

 


તેમણે કહ્યું હતું કે મોટા શહેરોની આસપાસ જે ગામો આવેલા છે તે ગામોમાં ટેસ્ટીંગ વધારે કરવામાં આવશે. જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોને અપીલ કરતાં રૂપાણીએ કહ્યું કે તેમણે કોરોના સંક્રમણને નિવારવા માટે તેમજ રસીકરણ કાર્યક્રમ માટે સહયોગ આપવો જોઇએ. ઉલ્લેખનીય છે કે રાજ્યના 50થી વધુ ગામો કે જ્યાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યાં છે ત્યાં સ્વયંભૂ લોકડાઉનનો અમલ કરવાની સૂચના સરપંચ અને ગામના આગેવાનો દ્વારા આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS