મનહરપુર-2માં પત્નીને ભગાડી ગયાની શંકાએ યુવક પર ખૂની હુમલો કરનાર સાળા-બનેવીની શોધખોળ

  • April 03, 2021 03:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મનહરપુર 1માં રહેતા યુવાન પર જીવલેણ હુમલો કરનાર તેનો મિત્ર અને તેના બનેવી બન્નેે રીઢા ગુનેગાર: અગાઉ પણ પરિણીતાને ભગાડી ગયો ન હતો જામનગર તેના ફઈના ઘરે મુકવા ગયાની ચોખવટ કરતા છરીના ઘા ઝીંક્યા

 


રાજકોટના જામનગર રોડ પરના મનહરપુર-2 ગામમાં પત્નીને ભગાડી જવાની શંકા રાખી યુવાન પર પરિણીતાના પતિ અને તેના બનેવીએ છરી વડે ખૂની હુમલો કર્યો હતો.હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે પોલીસે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.હુમલો કરનાર બંને આરોપી અગાઉ એકથી વધુ ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે બંનેને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.

 


બનાવની જાણવા મળતી વિગતો મુજબ જામનગર રોડ પર આવેલા મનહરપુર 1 માં રહેતા મયુર ઉર્ફે લાલો વિનોદભાઈ ધરજીયા(ઉ.વ 25) પર મનહરપુર 2 માં બે શખસોએ છરીના આડેધડ ઘા ઝીંકી ખૂની હુમલો કરતા ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપી અલ્તાફ ઉર્ફે ભાયો ઈકબાલ બેલીમ (રહે. પરાપીપળિયા ગામ, એકતા સોસાયટી)અને તેનો બનેવી રોહિત ઉર્ફે ટકો પરમાર (રહે. રૈયાધાર) સામે આઇપીસીની કલમ 307,504,114 તથા જીપીએક્ટ 135(1) મુજબ ગુનો નોંધ્યો છે.

 


યુવકે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે હાલ બી.એમાં બીજા વર્ષમાં એક્સ્ટર્નલ તરીકે અભ્યાસ કરે છે. તેનું મૂળ ગામ મનહરપુર 1 છે. આજે બપોરે દોઢેક વાગ્યે મનહરપુર 2 ગામમાં મિત્ર વિરાજના હેર સલૂનમાં વાળ કપાવતો હતો ત્યારે તેનો મિત્ર અલ્તાફ ઉર્ફે ભાયો ઈકબાલ બેલીમ (રહે. પરાપીપળિયા ગામ, એકતા સોસાયટી)અને તેનો બનેવી રોહિત ઉર્ફે ટકો પરમાર (રહે. રૈયાધાર) સાથે ત્યાં આવ્યો હતો. અલ્તાફે આવીને તેને કહ્યું કે, તું મારી પત્નીને અગાઉ એકાદ મહિના પહેલાં લઈ ગયો હતો તે પાછી મારા ઘરે આવી ગઈ હતી. બે દિવસથી ફરીથી જતી રહી છે તે ક્યાં છે તેની તને ખબર છે? જેથી યુવાને ચોખવટ કરતા કહ્યું કે, અગાઉ પણ હું તારી પત્નીને ભગાડી ગયો ન હતો, તારી સાસુના કહેવાથી તારી પત્નીએ જામનગર તેના ફઈના ઘરે મુકવા ગયો હતો.

 


આ વાત સાંભળી બંને શખસો ઉશ્કેરાઈ ગયા હતા. તેણે બેફામ ગાળો ભાંડી હતી. તેણે ગાળો આપવાની ના પાડતા આરોપી ટકાએ પોતાના નેફામાંથી છરી કાઢી હતી. જે છરી અલ્તાફે તેના હાથમાંથી પડાવી લઈ તેના ખભા પર એક ઘા ઝીંકી દીધો હતો. બીજો ઘા ખભાથી નીચેના ભાગે ઝીંક્યો હતો. આ દરમિયાન ટકાએ તેને પકડી રાખ્યો હતો. અલ્તાફ તેને ત્રીજો ઘા મારવા જતા તેણે જમણો હાથ આડો ધરતા કલાઈ પર ઘા વાગતા લોહીલુહાણ થઈ નીચે પડી ગયો હતો.ત્યારબાદ ફરીથી તેના બંને પગના સાથળ પર છરીના ઘા ઝીંકી દીધા હતા.બાદમાં વિરાજે વચ્ચે પડી તેને છોડાવ્યો હતો. અહીં લોકો એકત્ર થઈ જતાં બંને આરોપીઓ ભાગી ગયા હતા. ત્યાર બાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

 


બનાવ અંગે તપાસ ચલાવી રહેલા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ કે.એ.વાળાએ જણાવ્યું હતું કે, બંને આરોપીઓ રીઢા ગુનેગારો છે. આરોપી અલ્તાફ સામે રાયોટ, મારામારી, દારૂ સહિતના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. જ્યારે આરોપી રોહિત ઉર્ફે ટકા સામે પણ મારામારી સહિતના ગુનો નોંધાય ચુક્યા છે. બંનેને ઝડપી લેવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS