1 વર્ષમાં 22 બાળકોની વિનામૂલ્યે બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાઇ

  • March 09, 2021 07:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી અંતિમ શ્વાસ સુધી તેના આરોગ્યની ચિંતા રાજ્ય સરકાર કરે છે : નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ 

 

     

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત બાળકોની આરોગ્ય તપાસણી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, અમારી સરકાર બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી અંતિમ શ્વાસ સુધી તેના આરોગ્યની સંપૂર્ણ ચિંતા કરે છે. બાળક ગુરુકુળમાં અભ્યાસ કરતું હોય કે મદ્રેસામાં અભ્યાસ કરતું હોય, તમામ બાળકોને શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં આવરી લેવામાં આવશે. દર વર્ષે અંદાજે ૧ કરોડ વિદ્યાર્થીઓની શારીરિક તપાસણી કરીને  બીમાર કે ખામીયુક્ત જણાયેલા વિદ્યાર્થીઓની યાદી બનાવી, તે તમામને વિનામૂલ્યે સારામાં સારી અદ્યતન સારવાર આપવામાં આવે છે.

 


નાયબ મુખ્યમંત્રી એ ઉમેર્યુ કે, જન્મથી બહેરા-મૂંગા બાળકો માટે કોક્લીયર ઇમ્પ્લાન્ટ સર્જરી હૃદય-કિડની કે કેન્સર ઉપરાંત થેલેસેમિયા જેવી ગંભીર બીમારીઓ કે જેનો ખાનગી હોસ્પિટલમાં અંદાજે ૨૦ થી ૨૫ લાખ સુધીનો ખર્ચ થઇ જાય છે તેવી ખર્ચાળ સારવાર પણ વિનામૂલ્યે આપી બાળકોને સ્વસ્થ કરવામાં આવે છે. આ બાળકોની સારવારમાં પૂરી દવાઓ, યંત્રો, સાધન સામગ્રી, લોહી-ઇન્જેક્શનો સહિતની તમામ આનુષાંગિક ચીજવસ્તુઓ વિનામૂલ્યે આપી જ્યાં સુધી બાળક સંપૂર્ણ સ્વસ્થ ન થઇ જાય, ત્યાં સુધી અમારી સરકાર દ્વારા સતત ચિંતા કરી સારવાર આપવામાં આવે છે. તે ઉપરાંત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પણ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. એક વર્ષમાં ૨૨ બાળકોને  બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી કરી તેમનાં અમૂલ્ય જીવન બચાવવાનું ઉમદા કાર્ય સરકારે કર્યુ છે. 

 


 તેમણે વડોદરા જિલ્લાની માહિતી આપતા ઉમેર્યુ કે, વડોદરામાં છેલ્લાં બે વર્ષમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત ૬,૫૩,૩૬૨ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી છે. જેમાં ૨૦૩ બાળકોને હૃદયની, ૬ બાળકોને કિડનીની અને ૧ બાળકને કેન્સરની સારવાર આપવામાં આવી છે. તે ઉપરાંત, નવસારી જિલ્લામાં ૨ વર્ષમાં ૬,૦૦,૪૯૩ બાળકોની  આરોગ્ય તપાસણી કરાઇ હોવાનું જણાવી  નીતિનભાઈ પટેલે ઉમેર્યુ કે, તે પૈકી ૨૧૭ બાળકો હૃદયની બીમારીના, ૨૩ બાળકો કિડની અને ૯ બાળકો કેન્સરની બીમારીથી પીડાતા હતાં. તેમની સારવાર કરવામાં આવી છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS