ગુજરાતના બે જજ સહિતના નવ નામોને કેન્દ્ર સરકારની મંજૂરી, ભારતને મળશે પહેલી મહિલા સીજેઆઈ

  • August 26, 2021 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા તમામ નવ જજોની નિમણૂકને મંજૂરી આપી છે. આ નવ જજોમાં ત્રણ મહિલાઓ જજનો પણ સમાવેશ થાય છે. આ ત્રણમાંથી એક નામ ગુજરાત હાઈકોર્ટના મહિલા જજનું પણ છે. આ ત્રણમાંથી કોઈ એક આગામી સમયમાં ભારતની પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ પણ બની શકે છે. ખાસ વાત એ છે કે કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા નવ નામમાં 2 નામ ગુજરાતના જજના છે.

 

કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા નામોમાં જે ત્રણ મહિલા જજના નામ છે તેમાં કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ બી.વી. નાગરથના, તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીનો સમાવેશ થાય છે. બાકીના નામોમાં જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા (કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), વિક્રમ નાથ (ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), જીતેન્દ્ર કુમાર મહેશ્વરી (સિક્કિમ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ), સીટી રવિકુમાર (કેરળ હાઇકોર્ટના જજ) અને એમએમ સુંદરેશ (કેરળ હાઇકોર્ટમાં જજ)નો સમાવેશ થાય છે. 

 

હાલમાં સુપ્રીમ કોર્ટમાં 24 જજ છે. સર્વોચ્ચ અદાલતમાં નવ જજોની નિમણૂક બાદ પણ એક પદ ખાલી રહેશે. કેન્દ્ર સરકારે કોલેજિયમ દ્વારા આપવામાં આવેલા તમામ 9 નામોને મંજૂરી આપી દીધી છે.

 

ચર્ચા છે કે ભલામણ કરાયેલા નામોમાંથી જસ્ટિસ નાગરથના ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બની શકે છે. જો કે તે 25 સપ્ટેમ્બરથી 29 ઓક્ટોબર 2027 સુધી ટુંકા ગાળા માટે આ પદ પર રહી શકે છે. 

 

સુપ્રીમ કોર્ટમાં કોલેજિયમમાં સીજેઆઈ એનવી રમણા, અને જસ્ટિસ ઉદય યુ લલિત, એએમ ખાનવિલકર, ધનંજય વાય ચંદ્રચુડ અને એલ નાગેશ્વર રાવનો સમાવેશ થાય છે.

 

નવેમ્બર 2019 માં  સીજેઆઈ તરીકે જસ્ટિસ રંજન ગોગોઈની નિવૃત્તિ બાદથી કોલેજિયમે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે એક પણ ભલામણ મોકલી નથી. 12 ઓગસ્ટના રોજ ન્યાયમૂર્તિ નરિમની હકાલપટ્ટી કર્યા બાદ નવ લોકોની જગ્યા ખાલી પડી હતી.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS