મ્યુ.કમિશનર ફિલ્ડમાં: જ્યાં ટોળાં ત્યાં સીલનો આદેશ

  • April 13, 2021 04:59 AM 

રાજકોટ શહેરમાં કોરોનાની બીજી લહેર તીવ્ર હદે પ્રસરી જતાં શહેરમાં કોરોનાએ કહેર મચાવી દીધો છે. દરરોજ 400 કે તેથી વધુ કેસ મળવા લાગ્યા છે જેના અનુસંધાને મહાપાલિકા તંત્રએ કડક એન્ફોર્સમેન્ટ શ કર્યું છે અને આજે સવારથી મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ પોતે પગપાળા ચાલીને ફિલ્ડમાં નીકળ્યા હતા. મુખ્યત્વે કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયારોડ, 150 ફૂટ રિંગરોડ સહિતના વિસ્તારોમાં સ્ટાફને સાથે રાખીને તેમણે ચેકિંગ કર્યું હતું. શહેરના કોઈપણ વિસ્તારમાં આવેલી ચાની હોટેલો, પાનની દુકાનો કે શેરડીના રસના ચીચોડા પર ટોળાં જોવા મળે કે તુરંત જ સીલ કરી દેવા આદેશ કર્યો છે.

 

આ તકે મ્યુનિસિપલ કમિશનરે તમામ શહેરીજનોને સતત માસ્ક પહેરી રાખવા અપીલ કરી હતી. વિશેષમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ટ્રીપલ-ટીની થિયરી પર મહાપાલિકા તંત્ર કામગીરી કરી રહ્યું છે તેમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત છે. ટેસ્ટિંગ વધારવામાં આવ્યા છે અને દરરોજ 12000 નાગરિકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જ્યાં આગળ એકથી વધુ કેસ મળ્યા હોય તેવા એરિયાને આઈડેન્ટિફાઈ કરીને  જ્યારે કોઈ એક શેરીમાં જ એકથી વધુ કેસ મળે તેવા કિસ્સામાં શેરીઓ સીલ કરવામાં આવી રહી છે.

 

હાલ સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 50 જેટલી શેરીઓ સીલ કરવામાં આવી હોવાનું કમિશનરે ઉમેર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે ઉમેર્યું હતું કે, હાલમાં સતત ટેસ્ટ વધારવામાં આવી રહ્યા છે અને તબકકાવાર જાહેર ટેસ્ટ બુથ પણ વધારવામાં આવશે. જો કે કોરોના ટેસ્ટ માટે નાગરિકો સૌથી વધુ 104નો સંપર્ક કરી રહ્યા છે અને તેના માધ્યમથી સૌથી વધુ ટેસ્ટિંગ થઈ રહ્યા છે. ટેસ્ટિંગ ઉપરાંત વેક્સિનેશન માટે પણ લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. હાલ સુધીમાં 2.25 લાખથી વધુ નાગરિકોને વેક્સિનેટ કરી દેવામાં આવ્યા છે તેમ છતા હજુ કોઈ બાકી રહી ગયા હોય અથવા કોઈપણ પ્રકારના ભય કે ગેરસમજના કારણે વેક્સિન લેવા તૈયાર થતા ન હોય તેવા નાગરિકોને સમજાવટપૂર્વક વેક્સિન આપવામાં આવી રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS