જ્યાં સ્થાનિક ચૂંટણી થઇ છે ત્યાં કોરોના ફરીથી વકર્યો છે, ગુજરાત પણ બાકાત નહીં

  • March 17, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના રિટર્ન નામની પોસ્ટ સોશ્યલ મિડીયા પર છવાઇ, દોષનો ટોપલો રાજકીય નેતાઓ પર નાંખી દેવાયો, માસ્ક ફરજીયાતના આદેશ કરવા પડ્યા



ગુજરાતમાં કોરોના રિટર્ન થયો છે. દેશમાં જે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થઇ છે ત્યાં કોરોના સંક્રમણ વધ્યું છે જેમાં ગુજરાત પણ બાકાત નથી. સોશ્યલ મિડીયા પર સરકાર અને રાજકીય નેતાઓ પર માછલા ધોવાઇ રહ્યાં છે પરંતુ હકીકત એવી છે કે લોકોએ જાણે કે કોરોના જતો રહ્યો હોય તેવી રીતે ગાઇડલાઇનને હળવાશથી લીધી છે.

 


ચૂંટણી સમય દરમ્યાન સરકારની સૂચનાથી પોલીસ પણ નિશ્ક્રિય બની ચૂકી હતી જેનું પરિણામ એ આવ્યું કે રાજ્યના ચાર મોટા શહેરોમાં કોરોના સંક્રમણના કેસો વધતા ગયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના શહેરી વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. ગુજરાતમાં ફરીથી કોરોનાએ માથું ઉંચક્યું છે ત્યારે સરકારે આ શહેરોમાં નાઇટ કરફ્યુ જાહેર કર્યો છે.

 


સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી પ્રચારની રેલીઓ, મતદાન અને પરિણામ પછી જીતના જશ્નને કારણે કોરોના બેકાબૂ થયો હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ લોકોએ પણ કોરોના સામે રક્ષણની કાળજી લીધી નથી. સરકારી તંત્ર જેટલું જવાબદાર છે તેટલી લોકોની બેદરકારી પણ જવાબદાર છે.

 


એ હકીકત છે કે સરકારે ચૂંટણી સમય દરમ્યાન રેલી, સભા અને ઉજવણી કરી છે જેનું પરિણામ કોરોના સંક્રમણમાં પરિણમ્યું છે પરંતુ રાજ્યના નાના મોટા શહેરોમાં માસ્ક પહેરવાનું અને સોશ્યલ ડિસ્ટન્સીંગ રાખવાનું પ્રમાણ પણ ધટ્યું છે. લોકો બિન્દાર મેળાવડા કરી રહ્યાં હોવાથી સંક્રમણ વધ્યું છે. રેસ્ટોરન્ટ, મોલ, શાકભાજી બજાર, ખાણીપીણીની લારીઓ તેમજ જાહેર સ્થળોએ લોકોએ માસ્ક પહેયર્િ નથી. શહેરના પ્રબુદ્ધ નાગરિકો કહી રહ્યાં છે કે સ્થાનિક ચૂંટણી થઇ ન હોત તો કોરોના સંક્રમણ આટલી હદે વધી શક્યું ન હોત પરંતુ રેલી, સભા અને જીતની પાર્ટીઓએ કોરોના વકરાવ્યો છે. ગુજરાતમાં દિવાળી પછી જેવો માહોલ હતો તેવો માહોલ ફરીથી આવ્યો છે. જે હોસ્પિટલોમાં કોરોના બેડની સુવિધા બંધ કરી હતી તેને ફરીથી શરૂ કરવાના આદેશ આરોગ્ય વિભાગે આપવા પડ્યાં છે.

 


ગુજરાતના શહેરોમાં પોલીસને ફરીથી સૂચના આપવી પડી છે કે જે લોકો માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સીંગના કાયદાનું પાલન ન કરે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી તત્કાલ શરૂ કરવાની રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણના કેસો ઘટતાં સરકારે એવી વિચારણા શરૂ કરી હતી કે માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને 1000ની જગ્યાએ 500 કે 200 રૂપિયાનો દંડ કરવામાં આવે પરંતુ હવે કેસ વધતા એવું લાગે છે કે સરકાર માસ્ક નહીં પહેરવાના દંડની સજામાં ઘટાડો કરશે નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS