8 રાજ્યોમાં કોરોના વકર્યો: દિલ્હીમાં નેગેટિવને જ એન્ટ્રી

  • February 24, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો! 16 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા કેસોમાં ઉછાળો: મહારાષ્ટ્રમાં ગત સપ્તાહ કોરોના કેસોમાં 81 ટકાનો વધારો

મહારાષ્ટ્ર ઉપરાંત બીજા રાજ્યોમાં પણ કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ફરી વધારો થવા લાગ્યો છે. મળતી માહિતી પ્રમાણે દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 16 એવા છે જ્યાં ગત સપ્તાહથી કોરોનાના નવા દર્દીઓનો આંક વધ્યો છે. જેમાંથી મહારાષ્ટ્ર સહિત 8 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશે કેન્દ્ર સરકારની ચિંતા વધાર દીધી છે. એટલું જ નહીં ગુજરાતમાં પણ એક સપ્તાહમાં 1860 નવા દર્દીઓ સામે આવ્યા છે. દિલ્હીમાં પણ સ્થિતિ વકરી છે અને જેનો રિપોર્ટ નેગેટિવ હશે તેને જ પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે.


મહારાષ્ટ્રમાં ગત સપ્તાહમાં કોરોનાના કેસમાં 81 ટકાનો વધારો થયો છે, જ્યારે મધ્યપ્રદેશમાં 43 ટકા, પંજાબમાં 31 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 22 ટકા, છત્તીસગઢમાં 13 ટકા અને હરિયાણામાં 11 ટકા, ચંડીગઢમાં 43 ટકા, કણર્ટિકમાં 4.6 ટકા અને ગુજરાતમાં 4 ટકા નવા કેસો વધ્યા છે. મહારાષ્ટ્ર, કેરળ, તામિળનાડુ બાદ કણર્ટિકા દેશમાં ચોથા નંબરનું રાજ્ય છે જ્યાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા છે.


મહારાષ્ટ્રના પુણે અને નાસિકમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. યવતમાલ, અમરાવતી અને અચલપુરના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન પણ લાદવામાં આવ્યું છે. આ સ્થળોએ કડક કાર્યવાહી બાદ અન્ય રાજ્યો પણ એલર્ટ થઈ ગયા છે. અધિકારીઓ કોરોના કેસ પર નજર રાખી રહ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.


દેશમાં સતત પાંચમાં દિવસે કોરોનાની સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 17 દિવસ બાદ સોમવારે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા 1.5 લાખને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં ચેપ્ના કુલ કેસ 11 કરોડને પાર થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ મંગળવાર સવારે આઠ વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં કોવિડ -19ના 14,199 નવા દર્દીઓની પુષ્ટિ થયા પછી કુલ કેસની સંખ્યા 1,10,05,850 થઈ ગઈ છે. તેમજ 24 કલાકમાં 83 લોકોના મોત પછી મૃતકોની સંખ્યા વધીને 1,56,385 થઈ ગઈ છે.


દેશમાં કોરોનાના બે નવા સ્વરૂપ મળ્યા
દેશમાં કોરોનાવાયરસ ના કેસ ફરીથી વધી રહ્યા છે અને તેની વચ્ચે ભારે ચિંતાજનક હકીકત ઉજાગર થઈ છે. દેશમાં કોરોનાવાયરસ ના બે નવા સ્વરૂપ મળી આવ્યા છે. મહારાષ્ટ્ર કેરળ અને તેલંગાણામાં આ બે સ્વરૂપ મળ્યાની કેન્દ્ર સરકારે માહિતી આપી છે. દિલ્હીમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને હવે દિલ્હીમાં એન્ટ્રી માટે નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી બનાવી દેવામાં આવ્યો છે. જોકે સરકારે સાથે સાથે એવી ચોખવટ પણ કરી છે કે કોરોનાની નવેસરથી દેશમાં શરૂ થયેલી લહેર સાથે આ બે સ્વરૂપ જોડાયેલા નથી છતાં તમામ રાજયોને સાવધ કરી દેવામાં આવ્યા છે અને વધુ કડક નિયંત્રણ લાદવાની ભલામણ કરવામાં આવી છે. બે નવા સ્વરૂપ મળ્યા બાદ મહારાષ્ટ્ર કેરળ અને તેલંગાણામાં નવા કેસની સંખ્યા ઝડપથી વધી રહી હોવાનું જાહેર થયું છે અને આ ત્રણેય રાજ્ય સરકાર ભારે ચિંતામાં મૂકાઈ છે. આ પહેલા પણ દેશમાં બ્રિટન દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ ના સ્વરૂપ મળી આવ્યા હતા.


કેન્દ્ર ત્રણ રાજ્યો સાથે સતત સંપર્કમાં
નીતિ પંચના સભ્ય ડોક્ટર વીકે પોલે એવી માહિતી આપી છે કે બે નવા સ્વરૂપ નું નામ 440 અને  484 છે અને આ રીતે તેની ઓળખ થઇ છે. અમારી નજર કોરોનાવાયરસ ના બદલાતા સ્વરૂપો પર સતત રહી છે અને દરેકનો ઊંડો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. કેરળ તેલંગાણા અને મહારાષ્ટ્રમાં આ પ્રકારના જ નવા વાઇરસ જોવા મળ્યા છે અને એટલા માટે જ મહારાષ્ટ્રના તેમજ કેરળમાં ઝડપથી કેસમાં વધારો થઈ રહ્યો છે અને ત્યારબાદ તેલંગાણામાં પણ પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. કેન્દ્ર સરકાર આ ત્રણેય રાજ્યો સાથે સતત સંપર્ક જાળવી રહી છે અને જરૂરી સૂચનાઓ તેમ જ માર્ગદર્શન પુરા પાડવામાં આવી રહ્યા છે. નવા સ્વરૂપો આવતા રહે છે અને ત્યારે કેસમાં સામાન્ય રીતે વધારો થાય છે અને થોડા સમય બાદ તેની અસરમાં ઘટાડો પણ શક્ય છે આમ છતાં લોકોએ પૂરેપૂરી તકેદારી રાખવાની જરૂર છે અને માસ્ક પહેરવામાં તેમ જ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં જરા પણ બેદરકારી કરવી જોઈએ નહીં.


 5 રાજ્યોને વેક્સીનેશનમાં ઝડપ લાવવા કેન્દ્રની સુચના
દેશમાં કોરોના વાયરસ ના વધતા કેસોને જોતાં કેન્દ્ર સરકાર એ મહારાષ્ટ્ર , મધ્ય પ્રદેશ , પંજાબ , જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢ જેવા રાજ્યોને કોવિડ-19 વેક્સીનેશનમાં ઝડપ લાવવા માટે કહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ રાજ્યોના ફ્રન્ટલાઇન વર્કરો ને વહેલી તકે કોરોના વેક્સીન આપવામાં આવવી જોઈએ. મંત્રાલયે કહ્યું કે, કેટલાક જિલ્લાઓમાં કોરોનાનો સંક્રમણ દર વધવાના કારણે ફ્રન્ટલાઇન વર્કરોમાં ઇમ્યુનિટી વધારવા માટે તેમને વહેલી તકે કોરોના વેક્સીન આપવામાં આવવી જોઈએ. નોંધનીય છે કે ભારતમાં અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકોને કોવિડ-19ની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મનોહર અગ્નાનીએ કહ્યું કે થોડા દિવસોમાં પુણે, નાગપુર, મુંબઈ, અમરાવતી, થાણે અને અકોલામાં કોરોનાનો સંક્રમણ દર વધ્યો છે. આવી જ રીતે સ્વાસ્થ્ય મંત્રાયલે મધ્ય પ્રદેશ સરકારને લખેલા એક પત્રમાં કહ્યું છે કે ઈન્દોર, ભોપાલ અને બૈતૂલ જિલ્લામાં કોરોનાનો સંક્રમણ દર વધ્યો છે. અગ્નાનીને જણાવ્યું કે, પંજાબમાં પણ કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. ત્રણ જિલ્લા એસબીએસ નગર, કપૂરથલા અને શ્રી મુક્તસર સાબિહમાં કોવિડ-19ના કેસ વધ્યા છે. આવી જ રીતે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં અને છત્તીસગઢના રાજનંદગાંવમાં પણ કોરોનાના મામલા વધ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS