રાજકોટમાં કોરોનાની પ્રચંડ લહેર: બપોર સુધીમાં 110 કેસ

  • April 07, 2021 01:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કોરોનાની પ્રચંડ લહેર પ્રસરી ગઈ છે. આજે બપોર સુધીમાં જ 110 પોઝિટિવ કેસ મળતા મહાપાલિકા તંત્ર ઉંધામાથે થઈ ગયું છે. મહાપાલિકાના જ કર્મચારીઓ કોરોનાની લપેટમાં આવી ગયા છે. મહાપાલિકાની વિજિલન્સ પોલીસ બ્રાન્ચના 6 કોન્સ્ટેબલ તેમજ અન્ય ત્રણ સહિત કુલ 9 કર્મચારીઓ, મહાપાલિકાની મેલેરિયા શાખાના 2 કર્મચારીઓ, બસપોર્ટના 9 કર્મચારીઓ તેમજ બેડી માર્કેટ યાર્ડમાં 2 વેપારીઓ અને 2 કમિશન એજન્ટો કોરાના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. રાજકોટ શહેરમાં કોરોના હવે દિવસેને દિવસે બેકાબુ બની રહ્યો છે. શહેરના દરેક ઝોન, દરેક વોર્ડ અને દરેક વિસ્તારોમાંથી કેસ મળવા લાગ્યા છે. ખાસ કરીને કોરોનાની ફેમિલી બન્ચિંગ પેટર્નના કારણે એકસાથે અનેક કેસ મળી રહ્યા છે.

 


દરમિયાન મહાપાલિકાએ આજે બપોરે જાહેર કરેલા કોવિડ બૂલેટિન અનુસાર આજે શહેરમાં બપોર સુધીમાં 110 પોઝિટિવ કેસ મળતા હાલ સુધીના શહેરના કુલ કેસ 20396 થયા છે. ગઈકાલે તા.5ને સોમવારના રોજ 7334 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 283ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. કોઈ એક જ દિવસમાં એકસાથે 283 કેસ મળ્યા હોય તેવી પ્રથમ ઘટના ગઈકાલે બની હતી. કોરોનાના કેસ લગાતાર વધી રહ્યા હોય ટેસ્ટનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે. હાલમાં દરરોજ 7થી 8 હજાર નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મહાપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રો ઉપરાંત જાહેર ટેસ્ટ બૂથ પર પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને લોકો ટેસ્ટિંગ માટે લાઈનો લગાવી રહ્યા છે. આજ દિવસ સુધીમાં શહેરમાં કુલ 7,10,983 નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામા આવ્યા છે જેમાંથી કુલ 20,396ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને તે પૈકી 18,649 દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે અને રિકવરી રેઈટ 91.93 ટકા રહ્યો છે. જ્યારે પોઝિટિવિટી રેઈટ 2.85 ટકા રહ્યો છે.

 


એસટી બસ પોર્ટના ડ્રાઈવરો-કંડક્ટરો સહિત 9 કર્મચારી કોરોના સંક્રમિત
રાજકોટ એસટી બસ પોર્ટના નવ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે. ઢેબર રોડ સ્થિત એસટી બસ પોર્ટમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન સહિતની કોરોના ગાઈડલાઈનનો સરાજાહેર ભંગ થતો હોય હવે કોરોનાનું સંક્રમણ પ્રસરવા લાગ્યું છે. રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક યોગેશ પટેલનો સંપર્ક સાધતા તેમણે 9 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યાની વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે, એક સ્ટેન્ડ ઈન્ચાર્જ, બે સુપરવાઈઝર્સ અને ત્રણ ડ્રાઈવર્સ તેમજ ત્રણ કંડકટર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ સહિત ડિવિઝનના કુલ નવ ડેપોમાં ટેસ્ટિંગ અને વેક્સિનેશન વધારી દેવાયું છે અને આ માટે કેમ્પ યોજવામાં આવી રહ્યાનું તેમણે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોકત નવ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા તે પૈકી મોટાભાગના કર્મચારીઓએ કોરોના સામેની રસી લીધી નહીં હોવાનું જાણવા મળે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS