કાલથી સૌરાષ્ટ્ર યુનિ.માં કોરોનાના દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર શરૂ

  • April 11, 2021 03:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. મોટાભાગની હોસ્પિટલ તથા કોવિડ કેર સેન્ટર હાઉસફુલ થઈ જવા પામ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એકેડેમિક સ્ટાફ કોલેજની બિલ્ડિંગમાં આવતીકાલથી નિ:શૂલ્ક કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે. કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને જ અહીં દાખલ કરવામાં આવશે.

 


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મુખ્ય બિલ્ડીંગની પાસે આવેલી એકેડેમિક સ્ટાફ કોલેજ હાલમાં ખાલી હોવાથી તેને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવા માટે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વિચારણા કરવામાં આવી હતી. જે અંતર્ગત આખરે આવતીકાલથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. એકેડેમિક સ્ટાફ કોલેજમાં 28 જેટલા રૂમ આવેલા છે. આ અંગે વાત કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે, જે દર્દીઓમાં હળવા લક્ષણો છે અને ઓક્સિજનની જરૂર નથી તેવા દર્દીઓને અહીં ડોક્ટરની ભલામણના આધારે દાખલ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર અહીં દવા સહિતની તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે.

 


આ માટે અહીં ડોક્ટર, નર્સનો સ્ટાફ પણ સતત કાર્યરત રહેશે. ડોક્ટરની દેખરેખ હેઠળ દર્દીઓને દવાની સાથે યોગ અને પ્રાણાયામથી સ્વસ્થ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણી, સિન્ડીકેટ સભ્ય ડો. મેહુલ રૂપાણી, ડો.નેહલ શુક્લ, ડો.ધરમભાઈ કામ્બલિયા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. તથા કુલ સચિવ ડો. જતીનભાઈ સોની, ડો. કલાધર આર્ય, ડો. શૈલેષભાઈ સોની, ડો.મિહીર રાવલે પણ જહેમત ઉઠાવી હતી. કોવિડ કેર સેન્ટરની માહિતી માટે મોબાઈલ નંબર 6355192607 પર સંપર્ક કરવાનો રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS