બેડ x નથી, ઓક્સિજન x નથી, વેન્ટિલેટર x નથી, રેમડેસિવિર x નથી, સ્ટાફ x નથી, સરકાર x નથી

  • April 20, 2021 02:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેડ: નથી
અત્યારે રાજકોટમાં સૌથી સળગતો પ્રશ્ન હોય તો એ હોસ્પિટલોમાં બેડ મેળવવાનો છે. કોવિડ હોસ્પિટલ તો છેલ્લાં ઘણા દિવસથી ફૂલ છે અને ત્યાં એક-એક બેડ મેળવવા માટે લોકો ફાંફા મારી રહ્યા છે. આ સરકારી હોસ્પિટલમાં 850 બેડ છે અને તેમાંથી આજે બધા બેડ ભરાયેલા હતા.આવી જ રીતે 36 ખાનગી હોસ્પિટલોમાં જે 1510 બેડ છે તેમાંથી આજે બપોર સુધીમાં 1507 બેડ ભરાયેલા હતા અને જે ત્રણ બેડ ખાલી બતાવાયા હતા તે પણ મીનીટોમાં ફૂલ થઇ ગયા હતા. દર્દીઓને સારવાર મળી રહે તે માટે તેવું કોઈ તંત્ર કામ કરતું હોય તેવું લાગતું નથી.

 

 

ઓક્સિજન: નથી
અત્યારે બેડ પછી લોકોને સૌથી વધુ જરૂર ઓક્સિજનના બાટલાની પડી રહી છે પણ ખાટલે મોટી ખોટ એ છે કે, લોકોને ઓક્સિજન મેળવવા માટે દર દર ભટકવું પડે છે. લોકો ગમે એમ કરીને બેડની વ્યવસ્થા કરી લ્યે છે તો તેમને ઓક્સિજન મળતો નથી અને તેથી તેની સ્થિતિ ગંભીર જ રહે છે. જે દર્દીને ઓક્સિજનની જરૂર છે તેમના પરિવારજનો બધાને વિનવણી કરતા રહે છે અને હાથ જોડતા રહે છે પણ ઓક્સિજનનો બાટલો મેળવવો મુશ્કેલભર્યો છે. આજના દિવસે 559 દર્દીઓ ઓક્સિજન ઉપર છે અને હજુ વધુ જરૂર છે પણ ઓક્સિજન નથી મળતો. સરકારી તંત્ર વારંવાર દાવા કરતુ રહે છે કે, ઓલ ઈઝ વેલ પણ વાસ્તવિકતા તદ્દન ઉલટી છે. સરકાર અને મહાપાલિકા મોટા મોટા બણગા ફૂંકે છે પણ લોકોની હાડમારી ઓછી થાય એવા કોઈ પગલા લેવામાં આવતા નથી.લાગે છે કે, શહેરની જનતા રામભરોસે છે.

 

 

વેન્ટિલેટર: નથી
જેને ગંભીર પ્રકારનો કોરોના હોય તેને વેન્ટીલેટર ઉપર રાખવા જરૂરી હોય છે. આવા દર્દીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય છે અને જો વેન્ટીલેટર ન મળે તો તેના જીવ ઉપર જોખમ ઉભું થઇ શકે છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 162 વેન્ટીલેટર છે પણ તે બધા ઓક્યુપાય છે અને નવા દર્દીને જરૂર પડે તો ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં નવા દર્દીને જો વેન્ટીલેટરની જરૂર પડે તો તંત્ર હાથ ઊંચા કરી દ્યે છે. જેવી હાલત સરકારી હોસ્પિટલની છે તેવી જ હાલત ખાનગીની પણ છે અને ત્યાં પણ વેન્ટીલેટર ઉપલબ્ધ નથી. આજના દિવસે 172 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે અને વધુ ને વધુ વેન્ટીલેટરની માંગ થઇ રહી છે પણ તંત્ર તે પૂરી કરવામાં ઉણું ઉતરી રહ્યું છે. આવી સ્થિતિમાં કોરોના પોઝીટીવ દર્દીની હાલત કફોડી થઇ ગઈ છે.

 

 

રેમડેસિવિર:નથી
અત્યારના સમયમાં કોરોના પછી જો સૌથી વધુ ચચર્િ થઇ રહી હોય તો તે વાયરસના મારક એવા રેમડેસિવીર ઇન્જેકશનની છે. લોકો શાકભાજી લેવા નીકળે એમ પોતાના સ્વજનો માટે આ ઇન્જેક્શન લેવા માટે દોડાદોડી કરી રહ્યા છે પણ મળી શકતા નથી. રાજકોટમાં કુંડલિયા કોલેજમાં આ ઈન્જેકશન માટે સરકારે વ્યવસ્થા કરી છે પણ પાંચ-છ કલાક લાઈનમાં ઉભા રહેવા છતાં તે મળતા નથી. શહેરમાં ઈન્જેક્શનના કળા બજાર થઇ રહ્યા છે અને સરકારી તંત્ર સબ સલામતની આલબેલ પોકારી રહ્યું છે. આ ઇન્જેક્શન કોને આપવું અને કોને ન આપવું તે નક્કી કરવામાં પણ સરકારે ઘણા ગોથાં ખાધા છે અને વારંવાર નીતિઓ બદલી છે. હજુ આજે પણ લોકો ઇન્જેક્શન માટે સરકારી કેન્દ્રો અને મેડીકલ સ્ટોરમાં ભટકી રહ્યા છે.  કોઈ સરકારી તંત્ર યોગ્ય રીતે કામ કરતું હોય તેવું લાગતું નથી અને રાજકોટમાં હજારો દર્દીઓ રામભરોસે દિવસો પસાર કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

 

 

સ્ટાફ: નથી

કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં સંક્રમિત થઇ રહ્યા છે અને તેને લીધે સ્ટાફની ખેંચ અનુભવાઈ રહી છે. છેલ્લાં દોઢ વર્ષમાં સરકારી તંત્રમાં જ ડોક્ટર, નર્સ, પેરામેડીકલ સ્ટાફ અને વર્ગ-ચારના કર્મચારીઓ મળીને કુલ 508 લોકો સંક્રમિત થયા છે. આવી જ હાલત ખાનગી ડોક્ટરોની અને નર્સિંગ સ્ટાફની છે. સંખ્યાબંધ ડોકટરો સંક્રમિત થયા છે અને તેમના પરિવારજનો પણ થયા છે. ઘણા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓએ વેક્સિનના એક કે બે ડોઝ લીધા પછી પણ સંક્રમિત થયા છે.

 

 

સરકાર: નથી

પ્રજા જયારે જયારે મુશ્કેલીમાં મુકાય ત્યારે રાજા પાસે જતી હોય છે અને પોતાના પ્રશ્ન સોલ્વ કરતી હોય છે પણ કોરોનાના કાળમાં સરકારની સવેદનશીલતા મરી પરવારી હોય તેવી સ્થિતિ છે. રાજકોટમાં જેમ બેડ, ઓક્સિજન, વેન્ટીલેટર, રેમડેસિવીર અને તબીતી સ્ટાફની ખેંચ વતર્ઈિ રહી છે તેવી જ ખેંચ આખા રાજ્યમાં જોવા મળી રહી છે. પણ સરકાર તેનો ઉકેલ લાવી શકી નથી. માત્ર સરકારી પ્રેસનોટમાં અને જાહેરાતોમાં મોટા મોટા દાવો કરવામાં આવે છે પણ જમીની હકીકત કાંઇક જુદી જ છે. સાદા શબ્દોમાં કહીએ તો આ મહામારીને ટેકલ કરવામાં સરકારી તંત્ર વામણું પુરવાર થયું છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS