રાજકોટમાં ફરી કાલથી 10 વાગ્યાથી કરફ્યુ

  • March 16, 2021 06:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા-તાલુકા પંચાયતો, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની ચૂંટણી વખતે જાહેરસભા, રેલી, સરઘસ અને વિજય સરઘસના કારણે કોરોના ફરી બેકાબુ બન્યો છે. ચૂંટણીમાં ભાન ભૂલેલા રાજકીય પક્ષો અને તેના નેતાઓના પાપે ફરી કોરોના ફેલાશે તેવી ભીતિ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયામાં અવારનવાર વ્યકત કરવામાં આવી હતી અને કમનસીબે તે સાચી ઠરી છે. બેકાબુ બનેલા શાસકોના પાપે હવે પ્રજાને કરફયૂનો ડામ વધુ એક વખત આપવાની જાહેરાત કરવામાં આવી છે.

 


લોકડાઉનના કારણે વેપાર-ધંધા, ઉદ્યોગો સાવ ચોપટ થઈ ગયા હતા. જનજીવન પણ અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું. કોરોના કાબુમાં આવ્યા બાદ માંડ પરિસ્થિતિ રાબેતા મુજબ થતી હતી ત્યાં ફરી રાજકારણીઓ અને રાજકીય પક્ષોના પાપે આવતીકાલથી રાજકોટમાં રાત્રી કરફયૂ વધુ બે કલાક લંબાવવામાં આવ્યો છે. તા.16ના એટલે કે આજે રાત્રીના 12 વાગ્યા પછી અને આવતીકાલથી એટલે કે તા.17થી રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી કરફયૂ લાદવાનો નિર્ણય જાહેર કરાયો છે.

 


મોટેરામાં ખેલાઈ રહેલા આંતરરાષ્ટ્રીય મેચમાં ફુલ કેપેસિટીથી સ્ટેડિયમ ભરી દેવા ટિકિટોનું ધૂમ વેચાણ કરાયા બાદ આખરે શરમસંકોચ નડતા હવે ખાલી સ્ટેડિયમને મેચ રમાડવાનો નિર્ણય કરાયો છે. છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસની સંખ્યામાં 130 ટકા જેટલો અને મૃત્યુઆંકમાં 33 ટકા જેટલો વધારો થયા બાદ સરકાર સફાળી જાગી છે પરંતુ રાત્રી કરફયૂના તેના નિર્ણયને કારણે ધંધા-રોજગારને ફરી ગંભીર વિપરીત અસર પડવાની શકયતા છે. સીનેમા ગૃહોમાં છેલ્લા શો રદ કરવા પડશે, મોલ રાત્રે 9 વાગ્યા સુધીમાં બંધ થઈ જશે, હોટેલમાં રાત્રે જમવા જનાર પરિવારોની સંખ્યા ઘટી જશે અને આવી જ રીતે ખાણીપીણીના ધંધાર્થીઓને પણ રાત્રીના 10 વાગ્યે કરફયૂની અમલવારી ચાલુ થાય તે પહેલાં એક કલાક અગાઉ ધંધા બંધ કરીને ઘરભેગા થઈ જવું પડશે.

 


ચૂંટણીમાં અને છેલ્લે છેલ્લે વિજય સરઘસમાં જન આરોગ્યની ચિંતા વગર હજારોની સંખ્યામાં લોકોને જોડી વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા પરંતુ કોરોના બેકાબુ બનતા જ શિવરાત્રીની ઉજવણીમાં પ્રતિબંધ મુકી દેવાયો હતો. આવી જ પરિસ્થિતિ હવે હોળીના તહેવારોમાં જોવા મળશે. સામાન્ય રીતે હોળી રાત્રે 9 વાગ્યાની આસપાસ પ્રગટાવવામાં આવતી હોય છે અને 10 વાગ્યાથી કરફયૂ લાગુ પડી જતો હોવાથી હોળીના  તહેવારને પણ કરફયૂની અસર થશે. ગુજરાત રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાના વધી રહેલા કેસ ને ધ્યાનમાં રાખીને રાત્રી કર્ફ્યુમાં વધારો કરવામાં આવ્યો છે અમદાવાદ વડોદરા, સુરત અને રાજકોટમાં આવતીકાલથી રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ અમલી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે જેની અમલવારી 31 માર્ચ 2021 સુધી રહેશે.

 


રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021 થી ચાર મહાનગરોમા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.

 


રાજ્ય સરકારે આ ચારેય મહાનગરો માં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુ ના સમયની અગાઉ ની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS