ગુજરાત પોલીસને ૧૦ હજાર બોડી વોર્ન કેમેરાનું લોકાર્પણ

  • March 15, 2021 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પોલીસને ૧૦ હજાર બોડી વોર્ન કેમેરા લોકાર્પણ કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો આધુનિક હથિયાર સીસીટીવી કેમેરા નેટવર્ક ડ્રોન કેમેરા હાર્લી-ડેવિડસન મોટરબાઈક અનેક સુવિધાઓ બાદ હવે બોડી વોર્ન કેમેરા નું નવું છોગુ પોલીસ તંત્રમાં ઉમેરાયું છે.ભારતમાં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ પહેલથી રાજ્યનું પોલીસતંત્ર વધુ સ્માર્ટ અને શાર્પ બનશે એટલું જ નહીં ટેકનોલોજી અપગ્રેડેશનની મદદથી પોલીસ ગંભીર ગુનાઓની તપાસ વધુ અસરકારક રીતે કરી શકશે. ગુજરાતની શાંતિ અને સલામતીમાં આ કેમેરા અસરકારક હથિયાર પુરવાર થશે.

બોડી વોર્ન કેમેરાની ઉપયોગિતા વર્ણવતા ગૃહરાજ્યમંત્રી ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા,  સુરક્ષા જેવી વિવિધ પોલીસ કામગીરીમાં પોલીસ યુનિફોર્મ, હેલમેટ કે અન્ય પહેરવેશ પર આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરી શકશે. પોલીસતંત્રમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેની ભૂમિકા સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે બદલાતા સમયમાં પોલીસતંત્રમાં માત્ર માનવબળની વૃદ્ધિથી કામ નહીં ચાલે, સાથોસાથ ટેકનોલોજીનો પણ સુપેરે ઉપયોગ કરવો પડશે.

પોલીસસેવાના વિસ્તરણ અને આધુનિકીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે, અને રાજ્યમાં આ અંગે નક્કર પગલા ભરવામાં આવી રહ્યા છે. તેનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ સુધીમાં ગુજરાત સરકારે લોકરક્ષકથી માંડીને પોલીસ ઈન્સ્પેક્ટર સુધીના સંવર્ગમાં ૩૦,૪૧૯ યુવાનોની ભરતી કરી છે અને ચાલુ વર્ષે રાજ્ય સરકારે બજેટમાં કાયદો અને વ્યવસ્થા માટે રુ. ૭,૯૬૦ કરોડની ફાળવણી કરી છે.

ગૃહમંત્રી જાડેજાએ રાજ્યમાં શાંતિ અને સલામતી માટે કરવામાં આવેલા કાનૂન-સુધારાની વિગતો આપતા કહ્યું કે, બહેન અને દીકરીઓની સલામતી માટે રાજ્ય સરકારે નશાબંધીના કાયદામાં સુધારો કરી ગુનેગારોને નશ્યત કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે , ગુજરાતમાં જમીન પચાવી પાડતા અસામાજિક તત્વો પર સંકજો કસવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રિવેન્શન એક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે ગુંડાઓ સામે વધુ કડક હાથે કામગીરી કરવા માટે ગુજરાત ગુન્ડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવીટી(પ્રિવેન્શન),૨૦૨૦ માનનીય રાષ્ટ્રપતિ સમક્ષ મંજૂરી અર્થે મૂક્યો છે.

રાજ્યમાં પ્રજાની શાંતિ અને સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહેલા શ્રેણીબદ્ધ પગલાંની રુપરેખા આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો, ધાર્મિક સ્થળો અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ૭ હજારથી વધુ કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ વિભાગના આધુનિકીકરણમાં મહત્વપૂર્ણ એવા ઈ-ગુજકોપનો પણ આ અવસરે ગૃહરાજ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પોલીસતંત્રનો આ ડિજિટાઈઝેશન પ્રકલ્પ રાષ્ટ્રીય સ્તરે સરાહના પામ્યો છે. તેમણે આ અવસરે પોલીસ આધુનિકીકરણમાં પોકેટ કોપ પ્રકલ્પનું પણ અગત્યનું સ્થાન હોવાનું જણાવ્યું હતું.

રાજ્યના પોલીસતંત્રને વધુ મજબૂત બનાવવા માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગને વ્યાપક બનાવાયો છે. આ પ્રસંગે ગૃહ સચિવ નિપુણા તોરવણે, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, કાયદો વ્યવસ્થા અને પોલીસ મોર્ડનાઈઝેશનના એડિશનલ ડીજીપી નરસિમ્હા કોમર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS